ફૉર્મ્યુલા-ટૂ રેસમાં ભારતના કુશ મૈનીને નડ્યો અકસ્માત! જાણો આયોજકોએ શું કામ પેનલ્ટી કરી
બાકુ (અઝરબૈજાન): ભારતનો રેસિંગ કાર-ડ્રાઇવર કુશ મૈની રવિવારે અહીં ફૉર્મ્યુલા-વન અઝરબૈજાન ગ્રાં પ્રિ પહેલાંની ફૉર્મ્યુલા-ટૂ રેસની શરૂઆતમાં જ ગોઝારી ઘટનામાં બચી ગયો હતો. આ અકસ્માતમાં ખુદ કુશ બચી ગયો હતો અને બીજા કોઈને પણ ઈજા નહોતી પહોંચી. જોકે રેસના આયોજકોએ ઘટનાની તપાસ બાદ કુશને 10-સેક્ધડ ટાઇમ પેનલ્ટી કરી હતી.
રેસ શરૂ થતાં જ 23 વર્ષના કુશની કાર જાણે દિશાહીન થઈ ગઈ હતી. કારણ એ હતું કે તેની કારનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું. પરિણામે, ભારે અથડામણ થઈ હતી અને ધુમાડા ઉડતાં તેની આસપાસની રેસિંગ કારના ડ્રાઇવર જોસેફ માર્ટી તથા ઑલિવર ગોએથ દેખાતા જ નહોતા.
મૈનીના પિતાએ પીટીઆઇને જણાવ્યું હતું કે તેમનો પુત્ર સલામત છે અને તેને કંઈ જ ઈજા નથી થઈ.
કુશ ઇન્વિક્ટા રેસિંગનું પ્રતિનિધિત્વ કરે છે. આ તેની બીજી ફૉર્મ્યુલા-ટૂ સીઝન છે. રવિવારની રેસિંગ કાર વચ્ચેની આકસ્મિક ઘટના બાદ અધિકારીઓએ તપાસ કર્યા બાદ કહ્યું, ‘વીડિયો ફૂટેજના પુરાવા પરથી જણાયું છે કે નવમા નંબરની કારનો ડ્રાઇવર રેસની શરૂઆતમાં સ્ટાર્ટ સેટ અપ પ્રૉસિજર લાગુ કરવામાં નિષ્ફળ ગયો હતો જેને કારણે તેની કાર ગ્રિડ પર અટકી ગઈ અને અન્ય કાર સાથે ટકરાઈ. આ ટક્કર માટે કુશ મૈની જ જવાબદાર હતો. તેની પેનલ્ટી પાંચ સ્થાનની ગ્રિડ પેનલ્ટીમાં ફેરવાઈ છે.’
કુશ મૈનીએ આગામી રેસમાં આ પેનલ્ટી મુજબની પૉઝિશનમાં રહેવું પડશે.