દક્ષિણ મુંબઈમાં રોડ રેજ: મહિલા પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનેલી રોડ રેજની ઘટનામાં મહિલાને ધક્કો માર્યા બાદ તેના પર હેલ્મેટથી હુમલો કરનારા બાઇકસવારને ટોળાએ ઢીબેડી નાખ્યો હતો.
શનિવારે રાતે બનેલી આ ઘટના બાદ પોલીસે બાઇકસવાર શાહીન આલમ શેખ (33)ની ધરપકડ કરી હતી અને બાદમાં નોટિસ આપીને તેને છોડી દીધો હતો.
આ પણ વાંચો: દક્ષિણ મુંબઈમાં રસ્તાની મરામત સાથે જૂની પાઈપલાઈનો પણ બદલાશે
પોલીસના જણાવ્યા મુજબ જે. જે. ફ્લાયઓવર નીચે નિઝાન સ્ટ્રીટ ખાતે મહિલા ટેક્સીની રાહ જોઇ રહી હતી ત્યારે બાઇકસવારે તેના પગને ટક્કર મારી હતી.
મહિલાએ બાઇકસવારને રોક્યા બાદ તેને વઢતાં તેણે મહિલાને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેને ધક્કો મારીને હેલ્મેટથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: … તો બાંદ્રાથી દક્ષિણ મુંબઈ પહોંચી શકાશે 12 મિનિટમાં!
દરમિયાન આ ઘટના બાદ લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને તેમણે બાઇકસવાર શેખને ઢીબેડી નાખ્યો હતો. શેખે પોતે પોલીસદળમાં હોવાનો દાવો કરી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ટોળાની ચૂંગાલમાંથી શેખને બચાવ્યા બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ટોળાએ શેખની બાઇકને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
મહિલાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
(પીટીઆઇ)