શુભમન ગિલ નિષ્ફળ ગયા પછી મયંકની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એનો વિજય
કંબોજની આઠ વિકેટ છતાં ઇન્ડિયા-સી જીતથી વંચિત, ડ્રૉ છતાં પૉઇન્ટ્સમાં પ્રથમ
અનંતપુર: અહીં ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં રવિવારે બેમાંથી એક મૅચમાં પરિણામ આવ્યું હતું અને બીજો મુકાબલો ડ્રૉમાં પરિણમ્યો હતો. મયંક અગરવાલની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એ ટીમે શ્રેયસ ઐયરની ઇન્ડિયા-ડીને 186 રનના તોતિંગ માર્જિનથી હરાવી હતી. બીજા મુકાબલામાં ઋતુરાજ ગાયકવાડની ઇન્ડિયા-સી અને અભિમન્યુ ઈશ્ર્વરનની ઇન્ડિયા-બી વચ્ચેની મૅચ ડ્રૉમાં પરિણમી હતી.
આઠમી સપ્ટેમ્બરે પૂરી થયેલી પ્રથમ રાઉન્ડની મૅચમાં ઇન્ડિયા-એ ટીમનું સુકાન શુભમન ગિલે સંભાળ્યું હતું. ગિલના સુકાનમાં ત્યારે આ ટીમ ઈશ્ર્વરનની ઇન્ડિયા-બી સામે 76 રનથી પરાજિત થઈ હતી. ગિલ 19મીએ બાંગ્લાદેશ સામે શરૂ થનારી ટેસ્ટ માટે ચેન્નઈ ગયો હોવાથી આ વખતે તેની ગેરહાજરીમાં મયંકે સુકાન સંભાળ્યું અને ઇન્ડિયા-એ ટીમ વિજયપથ પર આવી ગઈ.
બે રાઉન્ડને અંતે ગાયકવાડની ટીમ મોખરે હતી, જ્યારે ઈશ્ર્વરનની ટીમ બીજા સ્થાને હતી. મયંકની ઇન્ડિયા-એ ટીમ રવિવારે જીતવા છતાં ત્રીજા સ્થાને અને શ્રેયસની ઇન્ડિયા-ડી ટીમ છેલ્લા ક્રમે હતી.
આ પણ વાંચો : દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક
શ્રેયસની ટીમ રવિવારના અંતિમ દિવસે જીતવા 488 રનના મળેલા લક્ષ્યાંક સામે મધ્ય પ્રદેશના રાઇટ-હૅન્ડ બૅટર રિકી ભુઈ (113 રન, 195 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર)ની સદી છતાં હારી ગઈ હતી, કારણકે ટીમમાં બીજા કોઈની હાફ સેન્ચુરી પણ નહોતી. ખુદ શ્રેયસ 41 રન બનાવીને સ્પિનર શમ્સ મુલાનીના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. મુંબઈનો મુલાની થોડો મોંઘો સાબિત થયો હતો, પણ તેણે ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈના જ ઑફ સ્પિનર તનુષ કોટિયને 73 રનમાં ચાર વિકેટ લીધી હતી. એક-એક વિકેટ ખલીલ અહમદ અને રિયાન પરાગને મળી હતી અને આ ચારેય બોલર્સે ઇન્ડિયા-એની જીત શક્ય બનાવી હતી. મુલાની મૅન ઑફ ધ મૅચ ઘોષિત થયો હતો.
હવે ઇન્ડિયા-એ ટીમે 19મી સપ્ટેમ્બરથી પૉઇન્ટ્સ-ટેબલની અવ્વલ ટીમ ઇન્ડિયા-સી સામે રમવાનું છે જેમાં મયંકની ટીમની કસોટી થશે.
રવિવારે અનંતપુરની બીજી મૅચના બીજા દાવમાં ઇન્ડિયા-સીના 23 વર્ષીય પેસ બોલર અંશુલ કંબોજે ફક્ત 69 રનમાં આઠ વિકેટ લીધી હતી એમ છતાં ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સીને જીતવા નહોતું મળ્યું. દુલીપ ટ્રોફીમાં કોઈ બોલરે એક દાવમાં આઠ કે વધુ વિકેટ લીધી હોય એવો આ ત્રીજો જ બનાવ છે.
ઇન્ડિયા-સીના 525 રનના જવાબમાં ઇન્ડિયા-બી ટીમ કૅપ્ટન ઈશ્ર્વરનના અણનમ અણનમ 157 રન છતાં 332 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ગાયકવાડની ટીમે બીજો દાવ ચાર વિકેટે 128 રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો અને એ સાથે બન્ને ટીમના કૅપ્ટન મૅચને ડ્રૉ જાહેર કરવા માટે એકમેક સાથે સંમત થયા હતા. ટીમના 128 રનમાં ખુદ ગાયકવાડના 62 રન અને રજત પાટીદારના 42 રન હતા.
દુલીપ ટ્રોફીનું પૉઇન્ટ્સ-ટેબલ
ક્રમ | ટીમ | મૅચ | જીત | હાર | ડ્રૉ | પૉઇન્ટ |
1 | ઇન્ડિયા-સી | 2 | 1 | 0 | 1 | 9 |
2 | ઇન્ડિયા-બી | 2 | 1 | 0 | 1 | 7 |
3 | ઇન્ડિયા-એ | 2 | 1 | 1 | 0 | 6 |
4 | ઇન્ડિયા-ડી | 2 | 0 | 2 | 0 | 0 |