Gautam Adaniનો ઇન્સ્ટાગ્રામ પર દબદબો, એક પોસ્ટ કરીને મેળવી શકે છે લાખો રૂપિયા, જાણો કોણ છે ટોપ પર
નવી દિલ્હી : દેશના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો(Gautam Adani)સોશિયલ મીડિયા પર પણ દબદબો છે. ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવ ધરાવતા ટોપ-10 અબજોપતિઓમાં અદાણીનું નામ પણ સામેલ છે. આ યાદી ઓનલાઈન પોર્ટલ TyN મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ઈન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ચાંગપેંગ ઝાઓ અને માઈકલ બ્લૂમબર્ગ સહિતના અબજોપતિઓના નામ સામેલ છે.
ઇન્સ્ટાગ્રામ પર ટ્રમ્પનો સૌથી વધુ પ્રભાવ છે
આ પોર્ટલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી અબજોપતિ ગણાવ્યા છે. તેમની વર્તમાન નેટવર્થ 5.2 બિલિયન ડોલર છે. ઈન્સ્ટાગ્રામ પર તે દરેક પોસ્ટમાંથી ઓછામાં ઓછા 2,24,975 ડોલર((લગભગ રૂ. 1.88 કરોડ)કમાઈ શકે છે. એક પોસ્ટમાંથી તેમની મહત્તમ કમાણી 3,04,378 ડોલર((આશરે રૂ. 2.55 કરોડ) સુધી પહોંચી શકે છે.
ઝકરબર્ગ અને બિલ ગેટ્સ પણ સામેલ હતા
ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રભાવશાળી અબજોપતિઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ પછી ઓપ્રાહ વિન્ફ્રે બીજા સ્થાને છે. જ્યારે Meta CEO માર્ક ઝકરબર્ગ ત્રીજા સ્થાને છે. આ યાદીમાં માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ચોથા સ્થાને છે. વર્જિન ગેલેક્ટીકના રિચર્ડ બ્રેન્સન પાંચમા સ્થાને છે. માર્ક ક્યુબન અને શેરિલ સેન્ડબર્ગ અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને છે.
આઠમા નંબરે ગૌતમ અદાણીનું નામ
ઈન્સ્ટાગ્રામ પર વિશ્વના 10 સૌથી પ્રભાવશાળી અબજોપતિઓમાં ભારતનું એક માત્ર નામ ગૌતમ અદાણી છે. તેમને યાદીમાં 8મું સ્થાન આપવામાં આવ્યું છે. અદાણી વિશે એવું કહેવામાં આવે છે કે તે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી ઓછામાં ઓછા 7,943 ડોલર((આશરે રૂ. 6.67 લાખ) અને વધુમાં વધુ 10,747 ડોલર(લગભગ રૂ. 9 લાખ) કમાઈ શકે છે.
માઈકલ બ્લૂમબર્ગ 9મા સ્થાને છે જ્યારે ચાંગપેંગ ઝાઓ 10મા સ્થાને છે. જો આ રીતે જોવામાં આવે તો ટોપ-10ની યાદીમાં એશિયામાંથી માત્ર બે જ નામ છે. જ્યારે આ યાદીમાં માત્ર બે મહિલાઓ સામેલ છે.