OTP અને KYC ફ્રોડથી રહો સાવધાન, આ બાબતો ધ્યાનમાં રાખો
છેલ્લા કેટલાક વર્ષોમાં નાણાકીય વ્યવહારો ઓનલાઇન થવાની સાથે જ અને UPI ચૂકવણી કરવા અને અન્ય બેંકિંગ સેવાઓ માટે મોબાઇલના વધતા જતા ઉપયોગને કારણે નાણાકીય છેતરપિંડીની ઘટનાઓ ઘણી વધી ગઇ છે. એમાં પણ OTP અને KYC દ્વારા કરવામાં આવતી છેતરપિંડીનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. જો તમે સતર્ક ન હોવ તો, સાયબર ગુનેગારો ચતુરાઈથી તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે અને તમારો સંવેદનશીલ ડેટા પણ ચોરી શકે છે. આ છેતરપિંડીથી બચવા માટે, માહિતી અને ટેકનોલોજી મંત્રાલયના CERT-IN એ તેમની પોસ્ટમાં વપરાશકર્તાઓ માટે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ શેર કરી છે. આ ટીપ્સને ધ્યાનમાં રાખીને, તમે તમારી જાતને OTP અને KYC છેતરપિંડીથી સુરક્ષિત રાખી શકો છો.
ચાલો આપણે આ ટિપ્સ વિશે જાણીએ
OTP છેતરપિંડીથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો
1- બેંક અથવા કોઈપણ અધિકૃત કંપની જેવા દેખાતા ટોલ-ફ્રી નંબરો પરથી આવેલા કૉલ્સ ઇગ્નોર કરો
2- તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો, CVV, OTP, એકાઉન્ટ નંબર, જન્મ તારીખ અને ડેબિટ/ક્રેડિટ કાર્ટની સમાપ્તિ તારીખ ફોન પર અથવા કોઈપણ ઑનલાઇન મોડ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર કરશો નહીં.
3- બેંક અથવા અધિકૃત કંપનીની વેબસાઇટ પર જઇ જે નંબર પરથી કોલ અથવા એસએમએસ આવી રહ્યો છે તેની પુષ્ટિ કરો અને બાદમાં જ કોલનો જવાબ આપો
4- ફોન પર મળેલો મેસેજ અથવા ઈ-મેલમાં મળેલો OTP (વન ટાઈમ પાસવર્ડ) અથવા પાસકોડ કોઈની સાથે શેર ન કરો.
5- કેશબેક અથવા ઈનામના નામે ફોન કોલ, ઈમેલ કે એસએમએસ પર કોઈની સાથે OTP શેર કરશો નહીં.
KYC છેતરપિંડીથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો
1- અજાણ્યા લોકોને કોલ પર મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, OTP, PIN અથવા અન્ય સંવેદનશીલ વિગતો આપશો નહીં.
2- બેંક ક્યારેય ફોન કોલ્સ પર યુઝર પાસેથી OTP, PIN અથવા કાર્ડની વિગતો માંગતી નથી.
3- કોઈપણ કૉલ પર વિશ્વાસ ન કરો જે તમને તમારી બેંકિંગ અથવા વ્યક્તિગત વિગતો શક્ય તેટલી વહેલી તકે શેર કરવાનું કહે.
4- સંદેશાઓ અને ઈમેલમાં ટાઈપિંગ અને સ્પેલિંગની સાથે ખોટું વ્યાકરણ તપાસો. આવી ભૂલો મોટાભાગે નકલી ઈમેલમાં જોવા મળે છે.
5- અજાણ્યા નંબરો પરથી મળેલી લિંક પર ક્લિક નહીં કરો.
Safety tip of the day: Beware of KYC frauds.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scamming #cyberalert #CSK #CyberSecurityAwareness pic.twitter.com/wdFpSbKvPL
— CERT-In (@IndianCERT) September 13, 2024