આપણું ગુજરાતભુજ

ભેદી તાવનો ભેદ ક્યારે ઉકેલાશે? કચ્છમાં વધુ એક યુવાન મહિલાનું મોત

ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત અને અબડાસા વિસ્તારમાં રહેનારા જત માલધારી સમાજમાં ફેલાયેલી કોઈ અજ્ઞાત બીમારીએ લખપતના પાન્ધ્રો ખાતેના સોનલ નગરમાં રહેતી ૩૦ વર્ષિય મહેશ્વરી મહિલાનો ભોગ લેતાં કુલ મૃત્યુઆંક ૧૯ પર પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, હતભાગી રમીલા નાનજી મહેશ્વરી નામની મહિલાને ગત શુક્રવારે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. તબિયત ગંભીર હોઈ આ મહિલાને અત્રેની કે.કે.પટેલ નામની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યાં ભેદી તાવ આવ્યાના ફક્ત ત્રણ દિવસમાં ટૂંકી સારવાર દરમ્યાન આ મહિલાનું મોત થયું હતું.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રવીન્દ્ર ફૂલમાલીએ રમીલાબેનમાં પણ અગાઉ મૃત્યુ પામેલાં અન્ય દર્દીઓ જેવા જ ગંભીર લક્ષણો હોવાનું જણાવી ભેદી રોગચાળો અન્ય સ્થળ અને સમાજમાં પ્રસર્યો હોવા અંગે આશંકા અને ચિંતા દર્શાવી છે.
આ ભેદી બીમારીથી ટપોટપ મૃત્યુ પામી રહેલાં લોકોને ખરેખર કઈ બીમારી કે વાયરસનો ચેપ લાગ્યો હતો તે અંગે પૂણેની લેબના રીપોર્ટમાંથી પણ કોઈ સચોટ તારણ નીકળ્યું નથી. ત્યારે, હવે મૃતકોના પોસ્ટમોર્ટમ થકી ભેદી વાયરસને શોધવા આરોગ્ય તંત્રએ નિર્ણય કર્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય તંત્રને લેખિત પરીપત્ર પાઠવીને ભેદી બીમારીથી મૃત્યુ પામતાં લોકોની ઑટોપ્સી અને બાયોપ્સી કરવા સૂચના આપી છે અને મૃતકોના વિસેરા પરીક્ષણ અર્થે લેબમાં મોકલવા પણ જણાવાયું છે.

આ પણ વાંચો :કચ્છમાં કહેર વર્તાવી રહેલી બીમારી માટે રાયનોવાઇરસ જવાબદાર હોવાનો પુણેની લેબોરેટરીનો દાવો…

મૃત્યુ પામનારને કેટલાં દિવસથી તાવ આવતો હતો, શું લક્ષણો જોવા મળેલાં, કયા ટેસ્ટ કરાવાયેલાં તે સહિતની બાબતો અંગેનું વર્ણન અને રીપોર્ટ પણ સુપ્રત કરવા સૂચના અપાઈ હોવાનું કૂલમાલીએ ઉમેર્યું હતું.

અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજના સિનિયર તબીબ ડૉ. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત દર્દીના હૃદયની દિવાલ પર સોજો આવે છે. અન્ય સ્નાયુઓ પણ ડેમેજ થવા માંડે છે. દર્દીમાં હાઈ ગ્રેડ ફિવર કે તાવ (પાયરેક્સીયા) જોવા મળે છે અને બ્લડ પ્રેશર પણ નીચું (હાયપોટેન્શન) જતું રહે છે. ફેફસાંમાં પલ્મોનરી ફાયબ્રોસીસ જોવા મળે છે જે ન્યૂમોનિયા કે હાર્ટ ફેઈલ્યોરના કિસ્સામાં જોવા મળતું હોય છે. રોગની અસર કિડની પર પણ થોડે ઘણે અંશે થાય છે તથા લોહીમાં રહેલાં ત્રાકકણો (પ્લેટલેટ્સ) પણ ઘટી જાય છે. સામાન્યતઃ ડેંગ્યુના કેસમાં પ્લેટલેટ્સ ઘટી જતાં હોય છે પરંતુ મોટાભાગના દર્દીઓમાં ડેંગ્યુ હોવાનું નિદાન થયું નથી.


કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ
દરમ્યાન, રાષ્ટ્રીય માધ્યમોના અહેવાલો મુજબ તહેવારો અને રણોત્સવના સમય વખતે ભાતીગળ પ્રદેશ કચ્છમાં ફેલાયેલાં જીવલેણ ભેદી રોગચાળાના પગલે સતર્ક થઇ ગયેલી કેન્દ્ર સરકારે ભેદી રોગચાળો અન્યત્ર ના પ્રસરે તે માટે ખાસ સર્વેલન્સ મિકેનીઝમ શરૂ કરવા નિર્ણય કર્યો છે. વન હેલ્થ મિશન અંતર્ગત નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ, ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મના માધ્યમથી એરપોર્ટ, સી પોર્ટ પર મોનિટરીંગ કરવા, આઈસીએમઆર હસ્તકની તમામ લેબોરેટરીમાં મોકલાતાં સેમ્પલનું તુરંત ટેસ્ટિંગ અને નિદાન કરવા, તે માટે જરૂરી કીટ્સનું વિતરણ કરવા, દેશમાં ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત છે કે કેમ તેની ખાતરી કરી લેવા સહિતના આયોજન ઘડી કઢાયું છે.

Show More

Related Articles

Back to top button
આ એક્ટ્રેસ છે એટલી પૈસાદાર કે ખરીદી શકે છે શાહરુખના મન્નત જેવા 23 બંગલા… પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…