નેશનલ

ત્રીજા ધોરણની છોકરીને આવ્યો ‘હાર્ટ એટેક’, સ્કૂલમાં રમતા રમતા જીવ ગુમાવ્યો

લખનઊઃ આજકાલ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હવે તેણે બાળકોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. શુક્રવારે યુપીના લખનૌમાં ધોરણ 3માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ મામલાએ હવે બધાને ચોંકાવી દીધા છે.

મળતી માહિતી મુજબ ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું નામ માનવી છે અને તેની ઉંમર 10 વર્ષ છે. સવારે જ્યારે માનવી અને તેની મોટી બહેન શાળાએ જવા નીકળ્યા ત્યારે તે એકદમ ઠીક હતી. બપોરે જમ્યા બાદ માનવી કોરિડોરમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તે ઠોકર ખાઇને પડી ગઈ હતી. માનવીને બેભાન જોઈને તેના બધા મિત્રો ચીસો પાડવા લાગ્યા હતા. અવાજ સાંભળીને શિક્ષક ત્યાં આવ્યા અને માનવીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. થોડી જ વારમાં માનવીના પરિવારજનો આવ્યા હતા અને તેઓ માનવીને ચંદન હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

માનવીના પરિવારજનોએ જણાવ્યું હતું કે ડોક્ટરે કહ્યું છે કે માનવીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. પોલીસ અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસની ટીમ સૂચના પર સ્કૂલમાં ગઈ હતી. ફૂટેજ તપાસવા પર જાણવા મળ્યું હતું કે માનવી તેના મિત્રો સાથે કોરિડોરમાંથી પસાર થતી વખતે ઠોકર ખાઇને પડી ગઈ હતી. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો, પણ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ પરિવારે માનવીનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી હતી. બાળકીના મૃત્યુની માહિતી મળ્યા બાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત

આ પહેલા અમરોહા જિલ્લામાં તેની માતા સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહેલી 5 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મોબાઈલ ફોન અચાનક બાળકીના હાથમાંથી સરકી ગયો અને પડી ગયો. જ્યારે ગભરાયેલા પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button