પ્રાણી આત્મહત્યા નથી કરતાં… એ વિશેષાધિકાર માત્ર મનુષ્યને જ છે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
હિન્દી ફિલ્મોની અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાની કથિત આત્મહત્યાથી બોલીવૂડમાં આઘાતનો માહોલ છે. ચાર દિવસ પહેલાં અનિલ મહેતાએ છઠ્ઠા માળેથી ઘરની બાલ્કનીમાંથી કૂદકો માર્યો હતો. એવું કહેવાય છે કે એ બીમાર હતા અને માનસિક રીતે ઉદાસ હતા. મીડિયા અહેવાલો અનુસાર ‘હું બીમાર છું… થાકી ગયો છું’ એવું એમણે અગાઉ પરિવારજનોને કહ્યું હતું.
મૂળ પંજાબી હિંદુ પરિવારના અનિલ મહેતા મર્ચન્ટ નેવીમાં હતા. એમણે મલયાલી ક્રિશ્ર્ચિયન જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતાં. બે સંતાન હતાં-મલાઈકા અને અમૃતા. અમુક અહેવાલો અનુસાર, એ આ બંને બહેનોના સવાકા પિતા હતા. મલાઈકા ૧૧ વર્ષની હતી ત્યારે એના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. પાછળથી બંને સાથે રહેવા લાગ્યાં હતાં.
મલાઈકાએ એકવાર ખુલાસો કર્યો હતો કે, મારું બાળપણ સારું હતું, પરંતુ સરળ નહોતું. પાછળ વળીને જોઈએ તો તે ઊથલપાથલ ભર્યું હતું, પરંતુ મુશ્કેલ સમય તમને મહત્ત્વના બોધપાઠ પણ શીખવે છે. માતા-પિતાના અલગ થવાથી મને માતાને નવા અને અનન્ય દ્રષ્ટિકોણથી જોવાની તક મળી.
હું એની પાસેથી રોજ સવારે ઊઠીને એ બધું જ કરવાનું શીખી હતી, જે સ્વતંત્ર રીતે જીવવા માટે જરૂરી હોય. જે સબક મળ્યા હતા તે અંગત જીવન અને વ્યાવસાયિક કાર્યનો આધાર બન્યા છે. માતાએ મને કહ્યું હતું: ‘હું હજુ પણ આઝાદ છું અને મારી શરતો પર જીવન જીવી રહી છું.’
આપણને અનિલ મહેતાના કસમયના અવસાનનાં કારણો કે એમના અંગત જીવનની હકીકતોની ખબર નથી, પરંતુ એમની આત્મહત્યા એક કડવી સચ્ચાઈ તરફ સંકેત કરે છે કે જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ છે પછી તે કોઈ સામાન્ય માણસનું હોય કે પછી કોઈ સેલિબ્રિટીનું…
મોટાભાગના લોકો સંઘર્ષની નૌકામાં બેસીને ભવસાગર તરતા રહે છે તો અમુક લોકો હથિયાર હેઠાં મૂકી દે છે. ભારતમાં આત્મહત્યા એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંકટ છે. ૨૦૨૨ના આંકડા પ્રમાણે, પોણા બે લાખ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૮ અને ૨૦૨૧ની તુલનામાં તેમાં અનુક્રમે ૨૭ અને ૪.૨ પ્રતિશતનો વધારો થયો હતો.
આ આંકડાઓ એકઠા કરનારા ‘નેશનલ ક્રાઈમ બ્યુરો’ અનુસાર આત્મહત્યાની ઘટનાઓ પાછળ વ્યાવસાયિક અથવા કારકિર્દી સંબંધિત સમસ્યાઓ, એકલતાની લાગણી, દુર્વ્યવહાર, હિંસા, પારિવારિક સમસ્યાઓ, માનસિક વિકૃતિઓ, દારૂ જેવું વ્યસન, આર્થિક નુકસાન, લાંબી પીડા વગેરે મુખ્ય કારણો છે.
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે આત્મહત્યાના વિચારો ગંભીર માનસિક સ્વાસ્થ્યની નિશાની છે. તે એ પણ દર્શાવે છે કે વ્યક્તિ લાંબા સમયથી તણાવ-હતાશા સાથે જીવી રહી છે, જેનું જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો સ્થિતિ બગડતી અટકાવી શકાય છે.
આત્મહત્યા સમસ્યાનું સમાધાન નથી. સમસ્યાઓથી દૂર ભાગવું એ નબળાઈ છે. બધાં પ્રાણીમાં સૌથી બુદ્ધિશાળી માણસ છે, પરંતુ સમગ્ર પ્રકૃતિમાં માણસ સિવાય કોઈ પ્રાણી આત્મહત્યા નથી કરતું. જ્યારે પ્રાણી પણ તેના જીવનના અંત સુધી સંઘર્ષ કરે છે ત્યારે આજના આધુનિક સમાજમાં બુદ્ધિનો વિશેષાધિકાર પ્રાપ્ત વ્યક્તિ આત્મહત્યા કરે તે સંપૂર્ણપણે અન્યાયી છે.
આત્મહત્યા બુનિયાદી રૂપે સમાજ પ્રત્યેના વિદ્રોહમાંથી આવે છે. આત્મહત્યા કરનારી વ્યક્તિ મનથી બીમાર નથી હોતી, બીમાર તો સમાજ છે એટલે એક તંદુરસ્ત માણસ તેની સામે હારી જાય છે. પ્રકૃતિએ વાઈરસથી લઈને હાથી સુધીના તમામ જીવમાં સર્વાઇવલની જબરદસ્ત વૃત્તિ મૂકી છે. જીવો યેનકેન પ્રકારેણ જીવી જાય છે. પ્રકૃતિમાં આત્મહત્યા નથી, કારણ કે પ્રાકૃતિક વ્યવસ્થા જીવન તરફી છે.
આત્મહત્યા એ માનવીય સમાજની ઘટના છે. અહીં માણસને મરવાની ફરજ પડે છે, કારણ કે આખી વ્યવસ્થા વ્યક્તિ વિરોધી અને સમૂહ તરફી છે. સમાજ એ લોકો માટે જ છે, જે તેને અનુકૂળ થઈને રહે. તમે દંભી હો, બેઇમાન હો, ભ્રષ્ટ હો, નિર્દયી હો તો વાંધો ના આવે, પણ સંવેદનશીલ હો, વિચારવંત હો, ખુદની ઈચ્છા પ્રમાણે જીવવા ઇચ્છતા હો કે બીજા લોકોની અનુકૂળતા પ્રમાણે જીવતા ના હો, તો કાં તો પાગલખાનામાં ભરતી થઈ જવું પડે અથવા આત્મહત્યા કરી લેવી પડે. તમે વ્યવસ્થા સામે હારી જાવ, ત્યારે સમાજને રિજેક્ટ કરવા સિવાય બીજું શું કરી શકો?
(Box)
આત્મહત્યા એ જીવનનું રિજેક્શન નથી, તે સમાજનું રિજેક્શન છે.
એક નાસીપાસ માણસ મનોવિશ્લેષક પાસે જઇને ફરિયાદ કરે છે કે એને જીવવાની ઇચ્છા નથી અને ખુદકુશી કરવી છે. વિશ્લેષક એની ઉદાસીની કહાની સાંભળે છે અને પછી કહે છે કે એણે પેટ પકડીને હસવાની જરૂર છે. ડોક્ટર કહે છે કે શહેરમાં સરકસ આવ્યું છે.
ત્યાં જઇને દુનિયાના મશહૂર જોકર ગ્રોકોના ખેલ જો. એના ઉટપટાંગ ખેલ જોયા પછી તને એટલું હસવું આવશે કે સવારે ઊઠ્યા પછી તું સુકુન અને ચેન મહેસૂસ કરીશ એવો આત્મવિશ્ર્વાસ ડોક્ટર વ્યક્ત કરે છે. પેલો ઉદાસ માણસ દુ:ખી નજરે ડોક્ટરને જોતો રહીને બહાર જવા કદમ ઉપાડે છે ત્યાં ડોક્ટર એને પૂછે છે: ‘બાય ધ વે, તારું નામ શું?’ પેલો માણસ ભાવશૂન્ય ચહેરે કહે છે, ‘મારું નામ ગ્રોકો.’
હોલીવૂડના સદાબહાર હાસ્ય કલાકાર ગ્રોકો માર્ક્સે ૧૯૫૯માં ‘ગ્રોચો એન્ડ મી’ નામની આત્મકથા લખેલી તેમાં એણે ઉપરોકત કિસ્સો લખેલો. હસતા લોકોની જિંદગી પણ દર્દનાક હોય છે તે વાત નવી નથી. ગ્રોકો જેવું જ પાત્ર ભજવનાર રાજ કપૂરને ‘મેરા નામ જોકર’ ફિલ્મની પ્રેરણા મશહૂર કલાકાર ચાર્લી ચેપ્લીનની ‘સિટી લાઇટ્સ’ પરથી મળેલી. રાજ કપૂર પોતે તો બહુ સુખી માણસ હતા, પરંતુ એમને ખબર હતી કે કલાકારોની અંગત જિંદગી બહુ દર્દનાક હોય છે.