GPSના ભરોસે ન રહેશો, આ બન્ને ડૉક્ટરની જેમ જીવ ગુમાવવાનો વારો આવશે
અગાઉ કોઈ અજાણ્યા ગામમાં કે રસ્તા પર પ્રવાસ કરતા હતા ત્યારે ચાની ટપરી કે ગામનો કોઈ ફેરીવાળો કે પછી કોઈ રસ્તે ચાલતો માણસ જ રાહબર બની જતો ને બે-ચાર જણને પૂછી જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચતા. ટેકનોલોજીને કારણે હવે મોબાઈલમાં જ આખા વિશ્વનો નકશો ખુલી જાય છે અને લોકો જે તે જગ્યાએ પહોંચવા માટે જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ નો ઉપયોગ કરે છે. અજાણ્યા રસ્તે જતા સમયે જીપીએસ મોબાઈલમાં ઑન રાખવાની આદત લગભગ દરેક યુવાનીયાઓને હોય છે. આ સિસ્ટમ ઘણી ઉપયોગી છે, પરંતુ ઘણીવાર તે મોટું નુકસાન કરી દે છે. જીપીએસમાં ઘણીવાર અપડેટેડ ઈન્ફોર્મેશન ફીડ ન હોવાથી ખોટા કે લાંબા રસ્તા બતાવવામાં આવે છે. જોકે કેરળના બે આશાસ્પદ ડૉક્ટરો જીપીએસને લીધે ખોટે રસ્તે નહીં પણ અનંતની વાટે નીકળી ગયા હોવાના અહેવાલો છે.
કેરળના એર્નાકુલમ જિલ્લામાં વરસાદ દરમિયાન એક કાર નદીમાં ડૂબી ગઈ છે. આ અકસ્માતમાં ડો.અદ્વૈત અને ડો.અજમલનું મૃત્યુ થયું હતું. અન્ય ત્રણ લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આ અકસ્માત પાછળનું કારણ ખોટું જીપીએસ નેવિગેશન હોવાનું એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જીપીએસ દ્વારા રાહદારીઓને રસ્તાને બદલે નદી તરફ જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
કેરળના આ બે ડોકટરે મેપના સહારે રસ્તો જોયો અને સીધી ગાડી ચલાવી તો નદી નીકળી. ગાડી અચાનક જ નદીમાં ખાબકતા બંને ડોકટરના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટના બહાર આવતા અત્યારે પોલીસે વધારે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ જીપીએસ સિસ્ટમ કેટલી ભરોસાપાત્ર છે, તે અંગે સવાલો ઉઠ્યા છે.
આ ઘટના કેરળના એર્નાકુલમ જિલ્લાના ગોથુરુથ વિસ્તારની છે. મોડી રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને અજાણ્યો રસ્તો હતો. દૂર દૂર સુધી કારની લાઈટ્સ રિફ્લેક્ટ કરો તો પણ કશું જ નહોતું દેખાતું. તેવામાં ડૉ. અદ્વેત પોતાના બર્થ ડેનું સેલિબ્રેશન કરી અન્ય 4 મિત્રો સાથે ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા. ધોધમાર વરસાદને કારણે કોઈને પણ રસ્તો નહોતો દેખાતો અને અંદાજો જ નહોતો આવતો કે ઘર સુધી જવા માટે કયો રસ્તો બેસ્ટ રહશે. જેથી તેમણે GPS મેપ ઓન કર્યો અને ડેસ્ટિનેશન માટે બેસ્ટ રૂટ સિલેક્ટ કર્યો ને મેપ પર બતાવેલા રસ્તા પર આગળ વધતા ગયા હતા.
શરૂઆતમાં તેમને રસ્તો નજીક અને શોર્ટકટ હોય તેવો દેખાડાયો હતો. જેથી કરીને ડોકટર અને તેમના મિત્રો ગાડીમાં જ એ રસ્તો ફોલો કરતા રહ્યા હતા. અચાનક વરસાદનું પાણી ભરાયેલું હતું આ જોઈને તેમને લાગ્યું કે આગળના રસ્તામાંથી ગાડી નીકળી જશે. કારણ કે મેપમાં બતાવે છે કે અહીંથી જવાશે. જોતજોતામાં ગાડી પણ મિડિયમ ગતિએ આગળ વધી રહી હતી ત્યારે અચાનક તે આગળ વધી એવી જ નદીમાં ખાબકી ગઈ હતી. મિત્રો બૂમા બૂમ કરવા લાગ્યા. આ ઘટનાક્રમમાં 2 ડોકટરના મોત નીપજ્યા છે અને અન્ય 3 જીવતા નદીમાંથી બહાર આવી ગયા હોવાના અહેવાલો છે.
એક મિત્ર કે જે પોતાનો જીવ બચાવી બહાર આવ્યો તેણે પોલીસને જણાવ્યું કે આ દુર્ઘટના GPSએ ખોટો રસ્તો બતાવ્યો એના કારણે થઈ છે. અમે ધોધમાર વરસાદ હતો અને રસ્તો નહોતો દેખાતો એટલે GPSનો ઉપયોગ કરી રહ્યા હતા. જોકે હું ગાડી નહોતો ચલાવતો એટલે આ વાતની પુષ્ટિ ન કરી શકું કે એપ્લિકેશનની ગ્લિચ છે કે પછી હ્યુમન એરર તેમ પણ તેમે જણાવ્યું હતું. તેના જણાવ્યા અનુસાર ગાડી જ્યારે નદીમાં ડૂબી રહી હતી ત્યારે 3 લોકોએ પોતાનો જીવ બચાવી લીધો પરંતુ ડો.અદ્વેત અને ડો.અજમલ બહાર આવી જ નહોતા શક્યા. પાણીમાં ગાડી ડૂબતી હોવાને કારણે તેમની ગાડીનો દરવાજો ખૂલતો જ નહોતો.
વળી આ ઘટના સમયે ડો.અજમલ આસિફ તેમની મંગેતર સાથે આ ગાડીમાં હતા. તેવામાં જીવનસાથીનું નજર સમક્ષ જ મૃત્યુ થતા અજમલની મંગેતરને ભારે આઘાત લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે GPSનું ઘણીવાર જજમેન્ટ ખોટુ હોય છે. એક જ ડેસ્ટિનેશન પર જવું હોય તો પણ ઘણીવાર મુશ્કેલી ઊભી થઈ જતી હોય છે. તેવામાં ક્યારેય પણ આંખો બંધ કરીને GPSના બતાવેલા માર્ગ પર વિશ્વાસ ન કરવા માટે નિષ્ણાંતોએ જણાવ્યું છે તો બીજી બાજુ જેવી રીતે બાઈક ચાલકો માટે અલગ વ્યવસ્થા છે તેમ કાર ચાલકો માટે પણ અલગ રૂટ હોય છે. તો મેપ સિલેક્શનમાં ભૂલ પણ મોટુ કારણ હોઈ શકે. જોકે હજુ પોલીસ આ ઘટનાક્રમ અંગે વધુ વિગતો મેળવી તપાસ કરી રહી છે.