રાઇટ ટુ ડિસ્કનેક્ટ: રજાના દિવસે પણ આવતા ઇ-મેઇલ, વ્હોટ્સેપથી કેમ મળે છૂટકારો
ફોકસ -પ્રથમેશ મહેતા
ઘટના છે ૨૦૧૬ની. બેંગલૂરુ ખાતેની આઇટી કંપનીમાં કામ કરતી એક યુવતીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી. તેના કુટુંબે કંપનીના મેનેજમેન્ટ વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો. કુટુંબીજનોનો દાવો હતો કે ઓફિસના કામનો તણાવ-બોજો સહન ન થતા તેણે જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો. યુવતીના હાલમાં જ લગ્ન થયાં હતાં.
નવો સંસાર અને ઑફિસમાં કામનો બોજો બંને વચ્ચે સંતુલન ન સાધી શકાતા તે હતાશામાં સરી પડી. રાતે મોડે સુધી ઑફિસમાં રોકાવું પડતું અને છુટ્ટીના દિવસે પણ બોસના ઇ-મેઇલ અને મેસેજ આવતા જેનો ફરજિયાત જવાબ આપવો પડતો. જોકે કુટુંબીજનો આ આરોપો પુરવાર ન કરી શક્યા અને મેસેજ કે ઇ-મેઇલ મોકલાવવાથી ગુનો સાબિત થતો નથી એવો ચુકાદો અદાલતે આપ્યો.
ઑસ્ટ્રેલિયામાં લાગુ થયેલા આ ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ ચુકાદાની ભારતમાં ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને તે પણ ખાસ કરીને આઇટી સેક્ટરમાં. છુટ્ટીના દિવસે આવતા ઇ-મેઇલ, વ્હોટ્સેપ મેસેજ અને ફોનના કારણે કર્મચારીઓના અંગત જીવનમાં ઑફિસના હસ્તક્ષેપથી છુટકારો મેળવવા માટે આવો કાયદો આપણા દેશમાં પણ લાગુ થવો જોઇએ.
સંપર્કના આધુનિક સાધનો, ઝૂમ ક્લાઉડ જેવી સુવિધાઓના કારણે પહેલાથી જ કામનો બોજો વધી ગયો હતો તેવામાં ઑફિસ અવર્સ બાદ અથવા તો રજાના દિવસે કરવા પડતા કામ કે વધારાના કામનો બોજ વધતો જતો હોવાના કારણે અંગત જીવન નહીંવત્ સરખું થઇ ગયું હોવાની ફરિયાદ કર્મચારીઓની છે. લાઇફ-વર્ક બેલેન્સ બગડતું જતું હોવાની ફરિયાદ કર્મચારીઓની છે.
આખા અઠવાડિયું કામનું તાણ, ઓવરટાઇમ, વીકલી-ઑફ વગેરે બાબતે નિયમો અને કાયદાઓ બાબતે ચોક્કસ નિયમ અને કાયદાઓ હોવા છતાં ઑફિસ અવર્સ એટલે કે કામના કલાકો બાદ કરાતા કામ કે વર્ચુઅલ કામની નોંધ ક્યાંય પણ ન હોવાની ફરિયાદ આખી દુનિયાના કર્મચારીઓ કરી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયામાં સ્થિતિ એવી હતી કે કામના કલાકો બાદ જો સિનિયર તમને ઇ-મેઇલ કે વ્હોટ્સેપ કરે અને તમે તેનો જવાબ ન આપો તો તમારી પાસેથી દંડ વસૂલવામાં આવતો. જોકે ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ના કારણે હવે આવો દંડ વસૂલી નહીં શકાય. ઊલટાનું નિયમનું ઉલ્લંઘન કરનારી કંપની-મેનેજમેન્ટને ૫૩ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઇ નવા કાયદામાં કરવામાં આવી છે. આ કાયદાના કારણે ઑસ્ટ્રેલિયાના હજારો કર્મચારીઓને રાહત મળી છે.
લેટિન અમેરિકા, યુરોપના ૨૦થી વધુ દેશોમાં આ પ્રકારના કાયદા પહેલાથી જ છે. જોકે આ કાયદાઓ અમલમાં આવ્યા તે પાછળ કારણભૂત હતી એક ચળવળ જેનું નામ હતું ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’. રજાના દિવસે કર્મચારીઓને કામે ન બોલાવવા, ઇ-મેઇલ ન મોકલવા, એવી માગણી કર્મચારી સંગઠનોએ કરી હતી અને ફ્રાન્સની સરકારે તેમની આ માગણીઓ માન્ય પણ કરી હતી.
ફ્રાન્સની પાછળ પાછળ ઇટલી, સ્પેન, ફિલિપિન્સ વગેરે દેશોએ પણ નોકરદાર વર્ગના અંગત જીવનમાં થતા ઑફિસના હસ્તક્ષેપને રોકતો આ કાયદો લાગુ કર્યો. કર્મચારીઓના સ્વાતંત્ર્યને હણનારાઓ પર નિયંત્રણ મૂકતા આ કાયદાને લાગુ કરનારો કેન્યા એ પહેલો આફ્રિકન દેશ બન્યો હતો.
૨૦૨૨માં બેલ્જિયમે આવો જ કાયદો લાગુ કરી ફક્ત ખાનગી જ નહીં, પરંતુ ઇમરજન્સી સેવાઓને બાદ કરતી સરકારી ઑફિસોને પણ તેમાં આવરી લીધી. એટલે કે સરકારી કર્મચારીઓને પણ રજાના દિવસે ઑફિસનાં કામો ન સોંપવાનો આદેશ આપવામાં આવ્યો. ફક્ત ઇમરજન્સી સર્વિસિસમાં કામ કરતા કર્મચારીઓ માટે આ કાયદો લાગુ થતો નથી, જે સ્વાભાવિક છે.
યુરોપિયન યુુનિયને પણ ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે. પશ્ર્ચિમ યુરોપના પોર્ટુગલ દેશે કર્મચારીઓના હિતની રક્ષા માટે તેના કરતા પણ આગળ પડતું પગલું ઉપાડ્યું. ઑફિસનાં કામો અને વ્યક્તિગત જીવન બંને એકબીજામાં ન ભળે એ માટે ‘રાઇટ ટુ રેસ્ટ’ એટલે કે ‘આરામ કરવાનો અધિકાર’ એવો કાયદો લાગુ કરીને ત્યાંના નોકરિયાતોને મોટી રાહત આપી.
આ કાયદાની અમલબજાવણી બાદ કરાયેલા સર્વેક્ષણમાં આશ્ર્ચર્યજનક પરિણામો સામે આવ્યાં. સર્વેક્ષણમાં કર્મચારીઓની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત માનસિક રોગોની સંખ્યામાં પણ પ્રચંડ ઘટાડો થયો હોવાનું જણાયું.
હેલ્થ સેક્ટર, ડિફેન્સ સેક્ટર જેવા અનેક અતિ આવશ્યક અને કટોકટીના સમયે સેવા આપનારા ક્ષેત્રને બાદ કરતા સામાન્ય ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓના દિવસના કામ કરવાના કલાકો કેટલા હોવા જોઇએ, આ વિશે આખી દુનિયામાં જુદા જુદા મત છે.
યુરોપ, અમેરિકામાં કર્મચારી દર અઠવાડિયામાં ૩૫ કલાક કામ કરે છે જ્યારે ભારતમાં ૧૯૪૮ના ફેક્ટરી ઍક્ટ કાયદા અનુસાર કર્મચારી વધુમાં વધુ ૪૮ કલાક અને દિવસના નવ કલાક કામ કરી શકે. આ ઉપરાંત રજાના દિવસે કામ કરવાની સામે રજા મળે એવી જોગવાઇ પણ છે. જો કામના કલાકો કરતાં વધુ કલાક કામ કર્મચારી કરે, તો તેને ઓવરટાઇમનું મહેનતાણું ચૂકવવાની જોગવાઇ પણ આ કાયદામાં છે.
હાલમાં જ ‘ઇન્ફોસિસ’ના સંસ્થાપક નારાયણ મૂર્તિએ ભારતીયોએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવું જોઇએ, એવી સલાહ દીધા બાદ વિવાદનો વંટોળ જાગ્યો હતો.
સરકાર પાસે પ્રસ્તાવિત કામગાર ખરડામાં અઠવાડિયામાં ૪૮ કલાકના કામની મર્યાદા અકબંધ રાખી દરરોજ ૧૨ કલાક કામ કરનારા કર્મચારીને અઠવાડિયામાં ત્રણ દિવસ રજા આપવાની જોગવાઇ ઉમેરવામાં આવી છે. જોકે આ ખરડાનો અનેક લોકો વિરોધ કરી રહ્યા હોવાથી તેનું કાયદામાં રૂપાંતર કરીને તેને અમલમાં લાવી શકાયો નથી.
જોકે ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ એ કામના કલાકો સંબંધિત ન હોઇ કામના કલાકો બાદ અપાતા વધુના કામ અને રજાના દિવસે કામ આપવા સંબંધિત છે. આ બાબતે જો સર્વસંમતિ મળે તો ભારતમાં પણ આ કાયદો લાગુ થઇ શકે.
[13:42, 9/15/2024] Pooja Shah Ms Digital: one more pic