બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના અભિનયની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. અભિનેત્રી વૈશ્વિક સ્તરે પણ એક મોટું નામ છે. હાલમાં ઐશ્વર્યા ‘પેરિસ ફેશન વીક 2023’માં ભાગ લેવા પેરિસ ગઈ છે. હવે તેના રેમ્પ વોકની પ્રથમ ઝલક સામે આવી છે, જેના કારણે ચાહકો તેમની નજર હટાવી શકતા નથી.
ઐશ્વર્યા થોડા દિવસો પહેલા જ પેરિસ ફેશન વીક 2023 માટે રવાના થઈ હતી ત્યારે એરપોર્ટ પરથી તેનો વીડિયો વાયરલ થયો હતો. તેમની સાથે તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ છે. તેના ફેન પેજ પર તેના પ્રથમ રેમ્પ વોકની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે જે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા છે. દેવદાસ સ્ટાર ઐશ્વર્યા ફ્રેન્ચ કોસ્મેટિક કંપની લોરિયલ પેરિસની ભારતીય એમ્બેસેડર છે, જેમણે આ પેરિસ ફેશન વીક 2023માં ભાગ લીધો છે.
ઐશ્વર્યા રવિવારની રાત્રે કેન્ડલ જેનર અને એલે ફેનિંગ જેવી હસ્તીઓ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ અવસર પર તે ગોલ્ડન ચમકદાર ગાઉન પહેરેલી જોવા મળી હતી. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, તેણીએ તેના વાળ કર્લ કર્યા અને ગ્લોસી મેકઅપ કર્યો હતો. તેણે એફિલ ટાવરની સામે રેમ્પ પર વોક કર્યું અને કેમેરાને ફ્લાઈંગ કિસ આપીને ચાહકોના દિલ જીતી લીધા હતા.
ઐશ્વર્યા રાય બચ્ચન ત્રીજી વખત ‘પેરિસ ફેશન વીક’માં ભાગ લઈ રહી છે. આ પહેલા તેણે 2019 અને 2021માં પણ રેમ્પ વોક કર્યું હતું. L’Oreal 2017 થી પેરિસ ફેશન વીકના સત્તાવાર ભાગીદાર છે. જ્યારથી આ ઇવેન્ટમાંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારે ચાહકો પણ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા અભિનેત્રીની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે.