સ્પેશિયલ ફિચર્સ

યુદ્ધનું આધુનિક હથિયાર ડ્રોન

ફોકસ -સંજય શ્રીવાસ્તવ

આપણે ટૅક્નોલોજીમાં હરણફાળ ભરી રહ્યા છીએ. દરેક ક્ષેત્રે અત્યાધુનિક વિકાસ થયો છે. એમાં હવે લડાઈના મેદાન પણ બાકાત નથી રહ્યાં. યુદ્ધમાં હવે ડ્રોનથી હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. એથી ડ્રોન હવે આધુનિક હથિયાર બની ગયું છે. આ ડ્રોન દરેક કામો જેવા કે જાસૂસી, શોધખોળ અને હુમલામાં કારગત નિવડે છે. એનું તાજું ઉદાહરણ રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને હમાસનો સંઘર્ષ છે.

હવે રણભૂમિમાં ભારે ભરખમ ફાઇટર જેટ અથવા લાંબા અંતર સુધી હુમલા કરતાં એવાં શસ્ત્રોનું વર્ચસ્વ નથી રહ્યું. હવે ચુપ રહીને પારાવાર નુકસાન પહોંચાડવાનો ડ્રોનનો યુગ છે. એની ચર્ચા ચોમેર થઈ રહી છે. ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિમતાથી સજ્જ ડ્રોન કેર વરસાવવા માંડશે ત્યારે વિવિધ પ્રકારના ડ્રોન અને એની વિશેષતાઓ સામાન્ય લોકો પણ કરવા લાગશે.

થોડા મહિનાઓ પહેલાં ચીનને અનુસરતા માલદીવે ભારત પર દબાણ નાખવાના પ્રયાસમાં ‘ઇન્ડિયા આઉટ’ અભિયાન હેઠળ ડ્રોનને માધ્યમ બનાવ્યું હતું. આજે ડ્રોન એવું હથિયાર બની ગયું છે જેના દમ પર નાનકડો દેશ
પણ કોઈ તાકતવર દેશની સામે બાંયો ચડાવવાનું સપનું જોઈ શકે છે.

તાજેતરમાં ડ્રોનનાં કારનામા જોઈને જ કોઇપણ દેશ આવું સાહસ ખેડવાની હિમ્મત દેખાડી શકે છે. માનવ રહિત આ હથિયાર તેમના આવા મનોરથ પૂર્ણ કરી શકે છે. ૨૦૨૦માં અઝરબૈજાને ડ્રોન વડે આર્મેનિયાને હંફાવી દીધું હતું. એજ વર્ષે ત્રીજી જાન્યુઆરીએ ગ્લોબલ મિલીટ્રી ઑપરેશનના અતિશય જીનિયસ એવા સર્વોચ્ચ કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની જે બે વખત જીવલેણ હુમલામાં બચી ગયા હતા.

તેમની બગદાદના ઍરપોર્ટ પર એક ઈઝરાયલના ડ્રોને જીવ લીધો હતો. એક સક્ષમ સૈન્ય કમાન્ડરને યુદ્ધ વગર મોતને ઘાટ ઉતારવાની તાકત ડ્રોને દેખાડી દીધી. ડ્રોન વગર તો આ શક્ય જ નહોતું. ઈરાનને આ ડ્રોનના હુમલાનું વેર વાળવાની તક ૩૦૦થી વધુ ડ્રોને આપી હતી. ત્યારબાદ ૫૦ લેબનન ડ્રોન ઇઝરાયલની સીમામાં ઘૂસી આવ્યા હતાં અને ઇઝરાયલના સુરક્ષા તંત્રને આ વાતની શંકા પણ નહોતી ગઈ.

હવાઇ હુમલાથી રક્ષા કરનાર ઇઝરાયલની જે જગવિખ્યાત આયરન ડૉમ ટૅક્નિક પર તેને ઘમંડ હતો એ ટૅક્નિક ડ્રોન સામે ફેઇલ ગઈ. હિજબુલ્લાહે ગજા યુદ્ધની શરૂઆતમાં અત્યાર સુધી ૧૫૦૦ ડ્રોન ઑપરેશન્સ, હુમલાઓને ઇઝરાયલનો ઍર ડિફેન્સ પકડી નથી શક્યો.

ડ્રોનને કારણે જ ઇઝરાયલને મોટા પાયે નુકસાન થયું છે. અમેરિકામાં થયેલા ૯-૧૧ના હુમલાને ભૂલી ન શકાય. એથી એનો બદલો લેવા અમેરિકાએ સૌ પ્રથમ ડ્રોન દ્વારા અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. ઓસામા-બિન-લાદેન અને અલ-કાયદાના અન્ય આતંકવાદીઓની શોધમાં સર્જિકલ સ્ટ્રાઇક માટે ડ્રોનનો વધુ પ્રમાણમાં સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

યુદ્ધ નિષ્ણાતો જે માનતા હતા કે લડાઈ માત્ર સાત દિવસમાં પૂરી થશે, પરંતુ ત્રીજા વર્ષ સુધી જો એ કાયમ છે તો એની પાછળ મોટું કારણ ડ્રોન છે. ડ્રોન દુશ્મનોની તમામ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે અને બાદમાં હુમલો કરે છે. એક જમાનામાં પોતાના અને અન્ય દેશોના પ્રસિદ્ધ ફાઇટર જેટ વિમાનોના નામ લોકોના દિમાગમાં છવાયેલા રહેતા હતા, પછી એનું સ્થાન મિસાઇલ્સે લઈ લીધું હતું.

હવે ડ્રોનનો યુગ આવ્યો છે. તમામ દેશો પોતાનાં સુરક્ષા તંત્રોને સશક્ત, ચાંપતો બંદોબસ્ત રાખવા અને હુમલાને અચુક બનાવવા માટે વિવિધ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરે છે. ચિલી, કૅનેડા, અઝરબૈજાન, મૅક્સિકો, કોલંબિયા, ફિલીપીન્સ અને સ્વિટ્ઝર્લેન્ડ પાસે ઉત્તમ દરજ્જાના લડાકુ યાન અને મારક મિસાઇલ્સ હોય કે ના હોય, પરંતુ અનેક ઘાતક ફાઇટર ડ્રોન જરૂર છે.

તાકતવર દેશો અતિશય લડાકુ વિમાનો અને લાંબા અંતરની મિસાઇલ રાખવા છતાં પણ ડ્રોનનો ઉપયોગ વધારે કરે છે તો એની પાછળ ખાસ કારણ છે. યુદ્ધ ખૂબ મોંઘું પડે છે. એક લડાકુ વિમાન ૬૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતનું છે. એના પાઇલોટની ટ્રેઇનિંગ અને આવકનો ખર્ચ તો અલગ જ હોય છે.

તો સામે એક મિસાઇલની કિંમત પણ કરોડોમાં છે. તેની પણ જાળવણી, પરિવહન અને ઑપરેશન્સનો ખર્ચ વધુ છે. લડાઈ દરમ્યાન જો ભારે માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો અને એમાં પાઇલોટનો જીવ ગયો તથા વિમાનને નુકસાન થયું તો એ દેશની અર્થવ્યવસ્થા ડગમગી જશે.

એવામાં યુદ્ધનું વહેલી તકે સમાધાન આવે એ જરૂરી બની જાય છે. લડાકુ ડ્રોનની કિંમત ૧૦ લાખથી ૬ કરોડ સુધીની છે, જે ફાઇટર પ્લેનની સરખામણીએ નહીંવત છે. હવે યુદ્ધો ઘણાં વખત સુધી ચાલે છે. નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો પણ એમાં ટકી રહે છે, કેમ કે માનવ રહિત ડ્રોન મોંઘાં લડાકુ વિમાનોની સરખામણીએ થોડા પોસાય એવા છે.

નીચે ઊડતા ડ્રોનને પકડવા ઘણી વખત મુશ્કેલ બની જાય છે. એવું ઘણી વખત જોવા મળ્યું છે કે ૧૦ લાખના ડ્રોનનો નાશ કરવા માટે બે કરોડની મિસાઇલ છોડવી પડી છે. એનો અર્થ એ કે દુશ્મનની સફળતામાં વીસ ગણા નુકસાન પોતાનું જ છે. ભવિષ્યમાં એઆઈ નિર્મિત ડ્રોન આવશે તો એ વધુ કેર વર્તાવશે. મહત્ત્વની બાબત એ છે કે આપણો દેશ પણ ડ્રોનના
નિર્માણ, ઉપયોગ અને એમાં શોધનમાં ખાસ્સો આગળ નીકળી ગયો છે.

ભારત બનશે વિશ્ર્વ માટે ડ્રોનનું હબ
ભારતે ૧૯૯૦માં પોતાનો ડ્રોન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. અનેક ડ્રોન પણ વિકસિત કરવામાં આવ્યાં છે. નાગાસ્ત્ર-૧ ભારતનો પહેલો સ્વદેશી ડ્રોન છે, જે રડારની પકડમાં આવ્યા વગર દુશ્મનો પર હુમલો કરે છે.

નિશાંત ડ્રોન કૅટાપુલ્ટ ટૅક્નિકથી લૉન્ચ કરવામાં આવે છે અને સ્વ-ચાલિત ન હોવાને કારણે એ પૅરાશૂટથી નીચે ઊતરે છે. દેશનું લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધીમાં ડ્રોનના ઉત્પાદન માટે ગ્લોબલ હબ બનવાનું છે. એના
માટે સરકારી અને ખાનગી કંપનીઓ તનતોડ મહેનત કરી
રહી છે.

થ્રોટલ ઍરોસ્પેસ, અલ્ફા ડિઝાઇન ટૅક્નોલોજીઝ, આઇડિયાફોર્જ, પારસ ઍરોસ્પેસ જેવી ડઝનભર કંપનીઓ ડ્રોનના નિર્માણમાં લાગી ગઈ છે. હર્મીસ-૯૦૦ ડ્રોનને અદાણી ડિફેન્સે ઇઝરાયલની ફર્મ એલ્બિટ સાથે થયેલા કરાર મુજબ મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવે છે.

ફિક્કી પ્રમાણે ભારતમાં ડ્રોનના ઉત્પાદનની ક્ષમતા ૨૦૨૫ સુધી સવા ચાર અરબ ડૉલર અને ૨૦૩૦ સુધી ૨૩ અરબ ડૉલર સુધી પહોંચી શકે છે. ૨૦૪૭ સુધી ભારતને વિકસિત બનાવવાનું સપનું ડ્રોન દ્વારા પૂરું થશે.

ચીન અને પાકિસ્તાનની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે અને જરૂર પડ્યે નિશાન તાકવા માટે ભારતે ઉચ્ચ શ્રેણીના વિદેશી ડ્રોનને પોતાનાં શસ્ત્રોના ખજાનામાં સામેલ કર્યા છે. ટૂંક સમયમાં સૌથી ઘાતક એવા અમેરિકન એમક્યુ૯બી પ્રિડેટર અને ઇઝરાયલનો હર્મીસ-૯૦૦ સ્ટારલાઇનર પણ આપણાં શસ્ત્રોમાં સામેલ થઈ જશે.

હાલમાં તો ઇઝરાયલના ડ્રોન ઇરાન માર્ક-૧ અને ૨ને આપણે પાકિસ્તાન અને ચીન પર નજર રાખવા માટે તહેનાત કર્યાં છે. સ્ટેલ્થ ડ્રોન જે સ્વદેશી કાવેરી એન્જિનની મદદથી ૪૫૦ કિલો લોડ લઈને ૩૦ હજાર ફીટની ઊંચાઈ સુધી સતત ૩૬ કલાક ઊડી શકે છે. સાથે જ બસો કિલોમીટરની રેન્જ સુધી જમીન પરથી કમાન્ડ લઈ શકે છે. એનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

ડ્રોન હુમલાનો મુકાબલો કરવા માટે કાઉન્ટર-ડ્રોન ટૅક્નોલોજી અને રણનીતિ ખૂબ જરૂરી છે. ડીઆરડીઓએ લેઝર-ટૅક્નિકના આધારે કાઉન્ટર-ડ્રોન હથિયારનું નિર્માણ કર્યુ છે. પ્રાઇવેટ કંપનીઓ પણ ડ્રોનને જામ કરવામાં અને નીચે પાડવાની ટૅક્નિકમાં કાર્યરત છે. રક્ષા-મંત્રાલય એન્ટી-ડ્રોન ટૅક્નિકને તૈયાર કરવા માટે ખૂબ પ્રોત્સાહન
આપે છે.

વિશ્ર્વના સૌથી ઘાતક પાંચ ડ્રોન
લડાકુ ડ્રોન નિર્માણમાં તુર્કીની બોલબાલા છે. અમેરિકાની કંપની અંડુરિલે રૉકેટ અને મિસાઇલની બમણી વિશેષતાવાળા જેટ એન્જિન ચાલિત એકમાત્ર રીયુઝેબલ વીટોલ ડ્રોન, રોડરનર બનાવ્યો છે. ઓછા ખર્ચવાળો આ ડ્રોન સીધો ટૅક-ઑફ કરીને ઠીક એ રીતે જ લેન્ડ થાય છે.

એ કોઈપણ ઓછી ઊંચાઇએ ઊડતા પોતાના લક્ષ્યનો પીછો કરીને એને હવામાં ખતમ કરીને જ પાછો ફરે છે. નવી કૅટેગરીનો આ ડ્રોન દુશ્મનના ક્રૂઝ મિસાઇલ, ડ્રોન તથા ફાઇટર જેટનો વિનાશ કરી શકે છે. સાથે જ દુનિયામાં જે ડ્રોનની પ્રશંસા થઈ રહી છે એવા પાંચ પ્રમુખ ડ્રોન પર એક નજર નાખીએ.

૧. એમક્યુ-૯ બી પ્રિડેટર
આ સી-ગાર્જિયન અને સ્કાઇ ગાર્જિયન બે વર્ઝનમાં આવે છે. નજર રાખવા માટે ૪૦,૦૦૦ ફીટથી વધુ ઊંચાઈ પર ૪૦ કલાક સુધી ઉડાન ભરવા માટે ડિઝાઇન રોડરનર હુમલા માટે હેલફાયર ઍર-ટૂ-ગ્રાઉન્ડ મિસાઇલ અને સ્માર્ટ બોમ્બથી સજ્જ હોય છે. ભારત એમક્યુ-૯ બી ડ્રોન અમેરિકા પાસેથી ખરીદી રહ્યો છે.

૨. બાયરેક્ટર, ટીબી૨
રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા તુર્કીના બાયરેક્ટર, ટીબી૨ ડ્રોન ૨૭,૦૦૦ ફીટની ઊંચાઈએ ઊડી શકે છે. એની રેન્જ ૧૫૦ કિલોમીટરની છે. એમક્યુ-૯ રીયર અને તુર્કીના બાયરેક્ટર ડ્રોનનો ખાતમો બોલાવવા માટે પારંપરિક એર-ડિફેન્સ મિસાઇલનો જ ઉપયોગ કરવો પડે છે. પાડોશી દેશ પાકિસ્તાને પણ આ ડ્રોનને ખરીધ્યું છે.

૩. હેરોન માર્ક-૨ ડ્રોન
આની ઊડવાની ક્ષમતા ૩૦ કલાકથી વધુની છે અને એ ૯,૧૦૦ મીટરની અધિકતમ ઊંચાઈએ ઊડી શકે છે. નજર રાખવાની સાથે એની અંદર શસ્ત્રો પણ રાખી શકાય છે. ભારતે હાલમાં જ આ ડ્રોન ઇઝરાયલ પાસેથી લીધું છે.

૪. વિંગ-લોંગ
ચીનનું આ ડ્રોન ડબ્લ્યુએલ-૨ના નામથી ઓળખાય છે. આ બસો કિલોગ્રામ સુધી લેઝર નિર્દેશિત બોમ્બ લઈ જવા અને ઉપગ્રહ સંપર્કની મદદથી લાંબા અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. નાઇજીરિયાના બોકોહરામના વિસ્તાર પર આ ચીનના ડ્રોનથી હવાઇ હુમલો કરીને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.

૫. તાઈ અક્સુંગુર
તુર્કીમાં વિકસિત આ મીડિયમ એલ્ટિટ્યુડ લૉન્ગ એન્ડયોરેન્સ શ્રેણીનું ડ્રોન છે. ઇન્ટેલિજન્સની નજર અને દિવસ રાત યોગ્ય હુમલાઓ કરવામાં એ સક્ષમ છે. ટ્વિન ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનની મદદથી એ ૪૦,૦૦૦ ફીટ ઊંચે સુધી ઊડી શકનાર આ ડ્રોન ૫૦૦, ૩૦૦ અને ૧૫૦ કિલોવાળા હથિયારનો ભાર ખમી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ એક્ટ્રેસ છે એટલી પૈસાદાર કે ખરીદી શકે છે શાહરુખના મન્નત જેવા 23 બંગલા… પુત્રવધુને સન્માન આપતા નીતા અંબાણી પાસેથી શીખો ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…