ગુજરાતમાં સિંગતેલના ભાવમાં ભડકો, અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) સીંગતેલના ભાવમાં વધારો થયો છે. જોકે, તેની સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેમાં ત્રણ દિવસ પહેલા 12મી સપ્ટેમ્બરના રોજ તેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. એક અઠવાડિયામાં ત્રીજી વાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. તેલના ભાવ વધારો ગૃહિણીના રસોડાનું બજેટ બગાડી રહ્યો છે.
સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો
સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો કરાયો છે. જેના પગલે સીંગતેલનો ડબ્બાનો ભાવ રૂપિયા 2645એ પહોંચ્યો છે. જ્યારે પામતેલના ભાવમાં રૂપિયા 240 અને કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 110નો વધારો થયો છે. આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લીધે થયો ધરખમ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યુ છે.
દિવાળી સુધી તેલના ભાવ આકાશે આંબી જશે
તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં વેપારીઓએ વધારો ઝીંકી દીધો છે. સામાન્ય લોકો માટે તેલ હવે ઘી જેવું મોંઘું બની રહ્યું છે. તેલના ભાવ લોકોના ઘરના બજેટ બગાડી રહ્યાં છે. દિવાળી સુધી તેલના ભાવ આકાશે આંબી જશે તેવું લાગી રહ્યું છે.