રણની હાલતમાં ખચિત કૈંક તો કસ લાગે છે
જયાં હું મૃગજળને નિહાળું છું, તરસ લાગે છે
મોતનો ગા નહિ મહિમા કે ક્ષણિક છે એ તો
જિંદગી માટે તો વરસોના વરસ લાગે છે
- ભિખુભાઇ ચાવડા ‘નાદાન’
આજથી ૨૦૩ વર્ષ પહેલાં એ વખતના ઉપલબ્ધ ઉપકરણો સાથે સમગ્ર એશિયા ખંડમાં પહેલવહેલા અખબારનો જન્મ થયો અને એ અખબારે ગુજરાતી નામે માતાની કુખેથી જન્મ લીધો એનો અનુગ્રહ હજી આજે પણ ગુજરાતી પ્રજાના અંતરમાંથી અવિરત વહી રહ્યો છે. મુંબઇ સમાચાર…
જી હા, મુંબઇ સમાચાર એક એવું નામ જેની તવારીખની તપાસની લટાર મારતાં ધ્યાનસ્થ મન:સ્થિતિમાં જતા રહેવાય, અત્યારના સમય અને ટેકનોલોજીની સરખામણીમાં એ વખતે અત્યંત ટાંચા સાધનો, અવિકસિત વિચારશૈલી અને ગુલામ પ્રજાની ગિરવે મુકાઇ ગયેલી માનસિકતા સાથે અખબાર પ્રકાશિત કરવું એ વાવાઝોડાની આરતી (અનિલ જોશી) ઉતારવાથી ઓછું નહોતું. પણ સંજાણ બંદરે ઊતરેલી અને પછી ગુજરાતી પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી એક અત્યંત ભાતીગળ દૂરંદેશી સભર અને કરુણાથી છલોછલ પ્રજાતિનાં થોડાક ઉત્કૃષ્ટ પરિવારોમાંના એકે આ આરતી ઉતારી અને બાકીનો ઇતિહાસ મારા પરમપ્રિય વાચક! તમારી નજર સામે છે. ઇતિહાસ પણ અને વર્તમાન પણ….
‘મુંબઇ સમાચાર’નો, કયાંક પણ કોઇ પણ ઠેકાણે કશાય ચિતરામણા કે જાહેરાતોના ઝુલતા મિનારાઓની બોલકી ગોઠવણીઓમાં રચ્યાપચ્યા રહ્યાં વગર ૨૦૨૨માં ‘મુંબઇ સમાચાર’ દ્વિશતાબ્દી મહોત્સવને પોતાની હાજરીથી પરિપ્લાવિત કર્યો ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દભાઇ મોદીએ, અને એ દિવસે એમણે ‘મુંબઇ સમાચાર ૨૦૦ નોટ આઉટ’ના ટ્રેલરનું ઉદ્ઘાટન કર્યું. અને એ ટ્રેલરની પૂરી ફિલ્મનું ઉદ્ઘાટન થયું ભારતના ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ દ્વારા તા.૮ સપ્ટેમ્બર રવિવાર દોઢ દિવસના વિસર્જન અને સંવત્સરીના અતિ પવિત્ર દિવસે સાંજે …
અને આ બન્ને મહાસમયની વચ્ચેથી પોતાની જાતને અકબંધ રાખીને કેટલાક અખબારધારકો, ફિલ્મ અને નાટય સાથે સંલગ્ન મહાવિભૂતિઓ, રાજકારણ અને રાજનીતિની અતિવિશિષ્ટ પ્રતિભાઓ સંગીત અને અન્ય કલાજગતના વિરાટ અસ્તિત્વો, વિપુલ કર્મકાંડ કપાળ ઉપર સજાવનાર વેપારીઓ અત્યંત ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં સામેલ થયા એના કારણમાં શું છે એ તમે જાણો જ છો છતાં કહી દેવાનું ‘ડહાપણ’ કરી જ નાખું-ગુજરાતી ભાષા તરફનો પ્રેમ-આદર અને વાત્સલ્ય.
અંગ્રેજી અને હિન્દી સામે પ્રાદેશિક ભાષાઓના વળતાં પાણીનો અત્યાચારનો કાળ એ business cycle નો boom પછી falling downપછી depression પછી recoveryનો કાળ છે એ પુરવાર કરવાનું આપણા દિલ અને દિમાગ અને હાથમાં છે.
મુંબઇ શહેરના પ્રત્યેક ગુજરાતી પરિવારે ઘરમાં ઓછામાં ઓછું એક અને શકય હોય તો એક વધુ ગુજરાતી છાપું મંગાવવું જ રહ્યું, મંગાવવું જ રહ્યું, મંગાવવું જ રહ્યું. વધુમાં વધુ વીસ રૂપિયા રોજમાં આપણે આપણી મા ગુજરાતીના કેવડા રખોપા કરી શકીએ એનો તમને ખ્યાલ ખરો, મારા વહાલા વાચક!?
લગભગ પોણા કલાકના પોતાના પ્રવચન દરમિયાન અમિતભાઇએ ઘણી સુંદર ફટકાબાજી કરી અને ચાર પાંચ વખત તો બોલ સ્ટેડિયમની બહાર મોકલી આપ્યો. પણ એમના ત્રણ નિરીક્ષણને તો મારા અંગત પાયલાગણ…
૧) ભારતની લઘુમતી કોમોમાં પારસીઓની સંખ્યા ઓછામાં ઓછી છે, છતાં કયારેય કોઇ પણ આરક્ષણની માગણી પારસીઓ તરફથી ભારત સરકારને કયારેય થઇ નથી. પોતાના ઉદ્યોગો અને અન્ય વેપારી પ્રતિષ્ઠાન દ્વારા પારસીઓએ ભારતના લાખો પરિવાર માટે નોકરીઓનું સર્જન કર્યું છે. ૨) ઝાંસીની રાણીની શહીદી અને ૨૦૧૪નું સત્તાપરિવર્તન લોકો સમક્ષ મૂકનાર એકમાત્ર અખબાર છે ‘મુંબઇ સમાચાર’ ૩) ‘બોમ્બે’માંથી નામ બદલાઇને મુંબઇ થયું એનું આંશિક શ્રેય કામાસાહેબ! તમારા ‘મુંબઇ સમાચાર’ને જાય છે.
અને ગુજરાતી ભાષાનો કેવો ભવ્ય યોગાનુયોગ! ગુજરાતી ભાષાના ભવ્યાતિભવ્ય અખબાર ‘મુંબઇ સમાચાર’ની ૨૦૦ વર્ષની ઉજવણી થાય ભારતના ગુજરાતી વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અને ‘મુંબઇ સમાચાર’ની યશગાથા વર્ણવતી ફિલ્મનું ઉદ્ઘાટન થાય ભારતના ગુજરાતી ગૃહ પ્રધાન શ્રી અમિત શાહ દ્વારા…. જય ગુજરાત, ભવ્ય ગુજરાતી…
આજે આટલું જ….