ઉત્સવનેશનલસ્પેશિયલ ફિચર્સ

ભારત મેન્યુફેક્ચરિંગ હબ ક્યારે બની શકશે?

ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયા
ભારતને મેન્યુફેકચરિંગ હબ બનાવવાનું સપનું સાકાર કરવા મોદી સરકાર મચી પડી છે, પણ આ મંઝિલ બહુ દૂર છે એ પણ નકકી.

ચીન ઉત્પાદનમાં હાથી છે અને બીજા કેટલાંક વાઘ-સિંહ પણ છે તેમ છતાં ભારતની ઉપેક્ષા થઈ શકશે નહીં, કારણ કે ભારત પાસે સંભાવના વિશાળ છે.

પહેલા તો ચીન સાથે ભારતે હરીફાઈમાં ઊતરવું પડશે. એ પછી ચીનથી આગળ વધવાની વાત આવશે. હજી તો ભારતે હરીફાઈમાં ઊતરવાની શરૂઆત કરી છે. ઈન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ પણ ભારત હજી ઘણું પાછળ છે. આમ છતાં ભારત માટે આ મિશન ઈમ્પોસિબલ તો નથી. નારાયણ મૂર્તિની મતમાં દમ છે…

Image Source : TechGig

થોડો વખત પહેલાં જ વિખ્યાત સાહસિક અને આઈટી મેન નારાયણ મૂર્તિએ (ઈન્ફોસિસ) એ ઉત્પાદનના વિષયમાં કહ્યું હતું કે ‘મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારત ગ્લોબલ લીડર બનશે, એ ચીનને પણ પાછળ રાખી દેશે આમ કહેવું વધુ પડતું છે.
કમનસીબી નહીં, બલકે કમ્બખ્તીની વાત એ છે કે ભારતમાં જાહેર વહીવટમાં રિસ્પોન્સ સમય, પારદર્શકતા, જવાબદારી, ગતિ અને ઉત્કૃષ્ટતા-ગુણવત્તા જેવી અનેક બાબતમાં હજી ઘણો સુધારો લાવવાનો બાકી છે…’

સરકાર ભલે એવો દાવો કરે છે કે દુનિયામાં ભારત દેશ ઝડપથી ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરી રહ્યો છે, પરંતુ મૂર્તિનું આ નિવેદન વિચારવા મજબૂર કરે છે. એમણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ચીન સાથે હરીફાઈ કરવાની ભારતની ક્ષમતા વિશે પણ સવાલ ઉઠાવ્યો છે. ભારત માટે ‘મેન્યુફેક્ચરિંગ હબ’ જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ પણ એક પ્રકારનું દુ:સાહસ છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વિકાસ માટે સરકારની ભાગીદારી અને જાહેર વહીવટમાં સુધારો લાવવો અનિવાર્ય છે. ચીન તો પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં દુનિયાની ફેક્ટરી બની ચૂક્યું છે.

દુનિયાની સુપરમાર્કેટ્સમાં અને ઘરોમાં ઉપયોગમાં લેવાતો લગભગ ૯૦ ટકા માલ ચીનમાં બનેલો હોય છે. ‘ચીનમાં લોકો કામ કરે છે, આપણી જેમ ચર્ચાઓ નથી કરતાં’ એવું મહેણું મારતા નારાયણ મૂર્તિએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત માટે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું સપનું સાકાર કરવું હજી બહુ જ દૂરની વાત છે, જેમ આઈટી ઉદ્યોગ વધારે નિકાસથી સમૃદ્ધ થાય છે તેમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ઘરેલુ યોગદાન અને સરકારી સમર્થન પર બહુ નિર્ભર રહે છે.

મૂર્તિના કહેવાનુસાર ઉદ્યોગસાહસિકોએ બજારનું મૂલ્યાંકન કરતાં શીખવાની જરૂર છે.

ભારતે જબરદસ્ત પ્રયાસ ચાલુ રાખવા જોઈશે.

ખેર, મૂર્તિસાહેબના વિચારોને ધ્યાનમાં લેવાય તો પણ એ સત્ય છે કે ભારત આ દિશામાં મક્કમ પ્રયત્નોમાં લાગી ગયું છે. એણે સપનું જોયું છે તો સાકાર પણ કરશે. ભારતે ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય પણ બનાવ્યું છે.
આ માટે ભારતે દોડ તો લગાવવી જ પડશે. હા, એ ખરું કે ભારત સામે પડકારો અનેક છે, જ્યારે તકો સીમિત છે. ચીન અને પાકિસ્તાન કરતાં ભારતના દુશ્મનો ભારતમાં જ વધુ છે. આવામાં ભારતે આવો પડકાર હાથમાં લીધો, લક્ષ્ય બનાવ્યું એ પણ ઓછી હિંમતની વાત નથી. આમાં પ્રજા સહિત વેપાર-ઉદ્યોગનો સાથ-સહયોગ પણ એટલો જ જરૂરી બને છે.

અલબત્ત, ભારતની વેપાર-ઉદ્યોગ માટેની તેમ જ લેબર પૉલિસી પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકારના લેટેસ્ટ નિર્ણયો તાજેતરમાં કેન્દ્ર સરકારની કૅબિનેટે કેટલાંક ઉદ્યોગલક્ષી નિર્ણયો લીધા છે, જે ભારતને ઉદ્યોગ ક્ષેત્રે આગળ ધપાવવાની દિશામાં લઈ જનારા છે. આમ તો કેન્દ્ર સરકારે ‘મેક ઈન ઈન્ડિયા’ની ઝુંબેશ કયારની શરૂ કરી દીધી છે, પરંતુ તેનું મેકિંગ હજી અધૂરું લાગે છે. સરકારે ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા કેટલાંક ક્ષેત્રોમાં ઉત્પાદન લિન્કડ પ્રોત્સાહન (પીએલઆઈ) પણ અમલમાં મૂકી છે.

જોકે હજી તેનું અપેક્ષિત ફળ મળી રહ્યું નથી. અહીં મહિનાઓમાં પરિણામની અપેક્ષા રખાય નહીં. સરકારે ૧૦ રાજયમાં ૧૨ ઈન્ડસ્ટ્રિયલ સિટી વિકસાવવાની જાહેરાત સાથે રૂ.૨૮ હજાર કરોડની ફાળવણી પણ નક્કી કરી છે.

આ ઉપરાંત ઈન્ડસ્ટ્રિયલ ટાઉન્સ સાથે રેલવે લાઈનને જોડવા રૂ.૧૮ હજાર કરોડ પણ ફાળવ્યા છે. આ સાથે સરકારે ડિજિટલ કૃષિ મિશન, ફૂડ સિકયુરિટી, કૃષિ શિક્ષણ, હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ, નેચરલ રિસોર્સિસ મેનેજમેન્ટ વગેરે પ્રોજેકટસનો સમાવેશ કર્યો છે. જોકે, આ પ્રયાસ હજી બહુ સીમિત ગણાય. વધુમાં ડિફેન્સ ક્ષેત્રે પણ સરકારે તાજેતરમાં જ દોઢ લાખ કરોડ જેટલી કિંમતના સંરક્ષણ સાધનો ભારતીય કંપનીઓ પાસેથી જ ખરીદવાની જાહેરાત કરી છે.

ડિફેન્સ ક્ષેત્રે જે રીતે ભારત સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે તે ભારતના મક્કમ ઈરાદાની પ્રતીતિ કરાવે છે. હજી ઘણાં નક્કર પ્રયત્નો આવશ્યક અહીં એક વાત એ પણ ધ્યાનમાં લેવી જોઈએ કે ચીનની ચોક્કસ નીતિઓને કારણે ઘણી વિદેશી કંપનીઓ ચીનને બદલે ભારતની પસંદગી કરી રહી છે. ‘એપલ’ સહિત કેટલાંક નામાંકિત ઉદાહરણો
હાજર છે.

જોકે ભારતે પોતે આ મામલે સતત સુસજ્જ કરતા રહેવાની જરૂર છે. ખાસ કરીને રાજકીય સ્થિરતા, કામદાર ધારાના સુધારા, વિશ્ર્વાસનું વાતાવરણ, બિઝનેસ કરવાનું સાચા અર્થમાં સરળ બને એવા નીતિ-નિયમો, સ્કિલ્ડ વર્કર્સ ફોર્સ, વગેરે જેવાં પરિબળ નકકર સ્વરૂપે જોઈશે. માત્ર પ્રોજેકટસ મંજૂર કરવાથી અપેક્ષિત પરિણામ મળવા મુશ્કેલ છે.

અલબત્ત, સરકારના ઈરાદા- ઉદ્દેશ સાથે મહેનત બુલંદ રહેશે તો લાંબે ગાળે આ સપનું ૨૫-૫૦ ટકા પણ સાકાર થવાની આશા જરૂર રાખી શકાશે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…