નરભક્ષી પ્રાણીઓના વધતા આતંક માટે આપણે તો જવાબદાર નથી ને?
વિવાદ -નિધિ શુકલા
આજે નરભક્ષી પ્રાણીઓ માનવને પોતાનો કોળિયો બનાવવા માંડ્યા છે. પશુઓ લોકોના ઘર સુધી પહોંચી ગયા છે અને નાનાં બાળકો કે પછી મોટાઓને પોતાનો શિકાર બનાવે છે. એને જોતા એવું લાગે છે કે એના માટે ક્યાંક ને ક્યાંક આપણે તો જવાબદાર નથી ને? આજે તેઓ ખોરાકની શોધમાં આપણાં ઘરો પર હુમલો કરે છે.
જંગલી પશુઓની દહેશત વધી રહી છે. અંતરિયાળ વિસ્તારમાં કે પછી જંગલની આસપાસનાં ગામડાઓમાં રહેતા લોકો ડરમાં રહે છે, કે ક્યાંક અચાનકથી જંગલી પશુ આવીને તેમનાં પર હુમલો કરી દેશે. જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ માત્ર જંગલી પ્રાણીઓને જ દોષ આપવો યોગ્ય નથી. જોકે વાસ્તવિકતા તો એ છે કે આપણે વિકાસ તરફ આંધળી દોટ લગાવી છે અને જંગલોનું આડેધડ નિકંદન કરી રહ્યા છીએ. આપણે પશુઓના વિસ્તારમાં અતિક્રમણ કર્યું છે. આ જ કારણ છે કે પ્રાણીઓ શહેરોમાં પણ ધસી આવે છે અને લોકોને પોતાનો શિકાર બનાવે છે.
મુંબઈ જેવાં શહેરોમાં હાઇરાઇઝ ટાવર, મેટ્રો અને હાઇ-વે બનાવવા માટે આડેધડ અતિક્રમણ કરવામાં આવે છે. ગોરેગાંવની આરે કોલોનીમાં પણ દીપડાનો આતંક છાશવારે જોવા મળે છે. એની નજીક જ ગોરેગાંવ ફિલ્મસિટી આવેલી છે, જ્યાં અનેક ફિલ્મો અને સિરિયલ્સનું પણ શૂટિંગ કરવામાં આવે છે. એથી ઍક્ટર્સને પણ ભયના ઓથાર હેઠળ કામ કરવું પડે છે.
દીપડો કે વરુ ધોળે દિવસે લોકો પર હુમલો કરે છે. તો બીજી તરફ ગીરનાં જંગલોમાં પણ ગર્જના કરતા સિંહો પણ વિકરાળ રૂપ ધારણ કરે છે. હાલમાં આપણે જોઈએ છીએ કે ઉત્તર પ્રદેશના બહરાઇચમાં નરભક્ષી વરુએ આતંક ફેલાવ્યો છે. અત્યાર સુધી તેણે નાનાં બાળકો અને યુવાનોનો પણ ભોગ લીધો છે. વરુઓ શેરડીનાં ખેતરોમાં પોતાનું નિવાસ બનાવે છે અને ત્યાં જ તેઓ ફૂલેફાલે છે.
વરસાદમાં વરુઓ ખૂબ સક્રિય બની જાય છે. જુલાઈથી માંડીને અત્યાર સુધી તેણે આઠ લોકોને મોતના ઘાટ ઉતાર્યાં છે. એ આદમખોર વરુઓને પકડવા માટે વન્ય અધિકારીઓએ જાળ બિછાવી છે. ઉત્તર પ્રદેશની સરકારે એને ‘વાઇલ્ડ લાઇફ ડિઝાસ્ટર’ વિસ્તાર તરીકે જાહેર કર્યોં છે. પાંચમાંથી કુલ છ વરુઓને તેમણે પકડી પાડ્યા છે.
અગાઉ ૨૦૦૪માં પણ બલરામ જિલ્લામાં વરુનો હુમલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ૧૨ બાળકોનાં મોત થયાં હતાં. એ પહેલા ૧૯૯૭માં જૌનપુર જિલ્લાના પ્રતાપગઢમાં ૪૫ બાળકોનો ભોગ જંગલી પશુએ લીધો હતો.
જંગલી પશુઓના વધતા હુમલાનું શું છે કારણ
ખોરાકનો અભાવ: પશુઓને જ્યારે તેનો ખોરાક ન મળે તો તે ખૂબ આક્રમક બની જાય છે. વરસાદને કારણે તેમને આશ્રય મળતો નથી અને એથી તેઓ માનવજાતિના વિસ્તારમાં ઘૂસી આવે છે કે જ્યાં ખોરાક તેમને સરળતાથી મળી જાય છે. કુદરતી વાતાવરણમાં બાધા: પર્યાવરણમાં પરિવર્તન આવવું, ઉદાહરણ તરીકે જંગલોનું નિકંદન અને શહેરીકરણને કારણે તેમને અનુકૂળ વાતાવરણ નથી મળતું. એને કારણે તેઓ માનવો પર હુમલો કરે છે.
બચવાના ઉપાય: જો કદીપણ તમારો સામનો વરુથી થાય તો ભાગવું નહીં. તેને પીઠ પણ ન દેખાડવી, તેની સામે આક્રમક બનવું. જો કોઈ વરુ તમારી સામે હુમલાની તૈયારી સાથે નજીક આવતો દેખાય તો તેના પર કોઈ ભારે વસ્તુઓ ફેંકવી. લાકડી, સ્પ્રે, પથ્થરો મારવા અને અવાજ કરતા સામાનનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ જોરથી અવાજ કરવો જોઈએ.