વેપાર

ફેડરલ દ્વારા રેટ કટના મજબૂત આશાવાદે તળિયું શોધતો ડૉલર અને નળિયું શોધતું સોનું

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ઝડપી તેજી, રિટેલ સ્તરની ઓસરી રહેલી માગ

આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની અમેરિકી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની નીતિવિષયક બેઠક પૂર્વે ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા ફેડરલ રિઝર્વ બેઠકના અંતે નિશ્ર્ચિતપણે વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ મજબૂત થતાં ડૉલર ઈન્ડેક્સ તળિયું શોધી રહ્યો હતો, જ્યારે સોનાના ભાવ નળિયું શોધી રહ્યા હતા. અર્થાત્ ડૉલર ઈન્ડેક્સની નરમાઈ, રેટ કટનો આશાવાદ, આર્થિક વૃદ્ધિ તથા રાજકીય-ભોગોલિક તણાવની ચિંતા તેમ જ અમેરિકાની ચૂંટણીનાં પરિણામોની અવઢવ વચ્ચે વૈશ્ર્વિક સોનામાં મુખ્યત્વે સલામતી માટેની માગને ટેકે ભાવમાં ઝડપી તેજી જોવા મળી હતી અને સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૭૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર વાયદામાં ભાવ એક ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૬૦૦૦ ડૉલરની સપાટી પાર કરીને ૨૬૦૬.૨૦ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. આમ વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં તેજીનો અન્ડરટોન જોવા મળ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના જીએસટી રહિતના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી સપ્ટેમ્બરનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૯૩૧ના બંધ સામે સપ્તાહની નીચી રૂ. ૭૧,૧૯૨ની સપાટીએ ખૂલ્યા હતા, જ્યારે સપ્તાહના અંતે રૂ. ૭૩,૦૪૪ની ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. આમ સ્થાનિકમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૧૩નો અથવા તો ૧.૫૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, ગત સપ્તાહે સ્થાનિકમાં ફૂંકાયેલી ઝડપી તેજીને પગલે ખાસ કરીને રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી, પરંતુ રોકાણલક્ષી માગ જોવા મળી હતી. વધુમાં આગામી દિવસોમાં સોનામાં મજબૂત અન્ડરટોન જળવાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતાં હવે આગામી તહેવારોની મોસમમાં સોનાના ઊંચા ભાવની માગ પર માઠી અસર પડે તેવી ભીતિ જ્વેલરો વ્યક્ત કરી રહ્યા છે.

અમેરિકા ખાતે ગત જુલાઈ મહિનામાં રોજગાર સર્જનની સંખ્યા આગલા જૂન મહિનાના ૭૯ લાખ સામે ઘટીને તેમ જ અપેક્ષિત ૮૧ લાખ સામે પણ ઘટીને ૭૭ લાખના સ્તરે રહી હોવાનું જોલ્ટ્સનાં સર્વેક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું હોવાથી ગત સપ્તાહ દરમિયાન ખાસ કરીને અમેરિકામાં રોજગાર સર્જન ક્ષેત્રે સુધારો મંદ પડી રહ્યો હોવાનું જણાતા ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં તીવ્ર કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ થવાથી ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહના અંતે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૪૭ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે અગાઉ ૫૦ બેસિસ પૉઈન્ટના ઘટાડાની માત્ર ૨૮ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સોનામાં રોકાણલક્ષી માગમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી ગત ઑગસ્ટ મહિનામાં સતત ચોથા મહિનામાં સોનાના એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ જળવાઈ રહ્યો હતો. અમારા મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની અને ઔંસદીઠ ૨૫૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો સપાટી પાર થાય તો ભાવ વધીને ૨૬૪૦ ડૉલર સુધી પહોંચી શકે છે. જોકે, સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૦૦૦થી ૭૩,૦૦૦ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. એકંદરે ફેડરલ રિઝર્વ આગામી બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકશે તેવું નિશ્ર્ચિત જણાઈ રહ્યું છે, પરંતુ કેટલી માત્રામાં અર્થાત્ ૨૫ બેસિસ પૉઈન્ટ અથવા ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે તે અંગે અવઢવ પ્રવર્તી
રહ્યો છે.

તેમ છતાં સપ્તાહના અંતે ૫૦ બેસિસ પૉઈન્ટના કાપની શક્યતા પ્રબળ બની હતી. તેમ જ વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કુલ ૧૦૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવા અંદાજો મુકાઈ રહ્યા હતા.

જોકે ઉત્તર અમેરિકાસ્થિત સિટી રિસર્ચના કૉમૉડિટી વિભાગના હેડ આકાશ દોશીએ જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારી વ્યાજદરમાં કપાતને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલર અને વર્ષ ૨૦૨૫ના મધ્ય સુધીમાં ભાવ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. વધુમાં રોકાણકારોની નજર અમેરિકાની આગામી પાંચમી નવેમ્બરની ચૂંટણી પૂર્વેની સ્થિતિ પર પણ હોવાથી પરિણામોની અનિશ્ર્ચિતતાની સોનાના ભાવ પર અસર પડી રહી છે.

તેમ જ પરિણામો પશ્ર્ચાત્ પણ રાજકીય સમીકરણો બદલાતાં સોનાના ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચી શકે તેમ છે, એમ આરજેઓ ફ્યુચર્સના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ પેવિલોનિસે
જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ…