ઇન્ટરનેશનલસ્પોર્ટસ

લિવિંગસ્ટન અને બેથેલે ઇંગ્લૅન્ડને સિરીઝ લેવલ કરી આપી…

કાર્ડિફ: ઇંગ્લૅન્ડે શુક્રવારે અહીં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝની બીજી મૅચ જીતીને શ્રેણી 1-1થી લેવલ કરી દીધી હતી. બ્રિટિશ ટીમે 194 રનનો લક્ષ્યાંક છ બૉલ અને ત્રણ વિકેટ બાકી રાખીને મેળવી લીધો હતો. ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે 193 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે 19 ઓવરમાં સાત વિકેટના ભોગે 194 રન બનાવ્યા હતા. ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટન અને જૅકબ બેથેલ આ જીતના બે હીરો હતા.

લિવિંગસ્ટને પહેલાં તો 16 રનમાં ઑસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મૅકગર્ક (50 રન) અને માર્કસ સ્ટોઇનિસ (બે રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી અને ત્યાર બાદ ચોથા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવ્યા બાદ 47 બૉલમાં પાંચ સિક્સર અને છ ફોરની મદદથી 87 રન બનાવ્યા હતા. તેની અને 20 વર્ષની ઉંમરના નવા ઑલરાઉન્ડર જૅકબ બેથેલ (44 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. કૅપ્ટન અને વિકેટકીપર ફિલ સૉલ્ટે 23 બૉલમાં ત્રણ સિક્સર, બે ફોરની મદદથી 39 રન બનાવીને ઇંગ્લૅન્ડને સારી શરૂઆત કરી આપી હતી.

ઑસ્ટ્રેલિયાના ઑફ-સ્પિનર મૅથ્યૂ શોર્ટે ફક્ત બાવીસ રનમાં પાંચ વિકેટ લીધી હતી. લિવિંગસ્ટન અને બેથેલ, બન્નેને તેણે આઉટ કર્યા હતા, પરંતુ કુલ સાત બોલર સહિત શોર્ટનો એ પર્ફોર્મન્સ પણ ઑસ્ટ્રેલિયાને જિતાડવા માટે પૂરતો નહોતો. બે વિકેટ શૉન અબૉટે લીધી હતી.

એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે જે 193 રન બનાવ્યા હતા એમાં જેક ફ્રેઝરની હાફ સેન્ચુરી (31 બૉલમાં 50) ઉપરાંત વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (26 બૉલમાં 42)નું પણ યોગદાન હતું.

લિવિંગસ્ટનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. બુધવારે પ્રથમ ટી-20માં ઑસ્ટ્રેલિયાનો 28 રનથી વિજય થયો હતો.
નિર્ણાયક ટી-20 મૅચ રવિવાર, 15મી સપ્ટેમ્બરે (ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી) મૅન્ચેસ્ટરમાં રમાશે. ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે 19મી સપ્ટેમ્બરે પાંચ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે.

Show More

Related Articles

Back to top button
ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ…