નેશનલ

હરિયાણાએ નક્કી કર્યું છે કે ભાજપ હેટ-ટ્રિક કરશે: વડા પ્રધાન મોદી…

કુરુક્ષેત્ર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે હરિયાણાએ નક્કી કર્યું છે કે ભાજપ રાજ્યમાં 5 ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણી જીતીને હેટ-ટ્રિક નોંધાવશે.

રાજ્યમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર વિવિધ મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા, જ્યારે તેમની સરકારના નવા કાર્યકાળમાં કામની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં નવી એનડીએ સરકારને હજુ 100 દિવસ પૂરા કરવાના બાકી છે, પરંતુ તેણે લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું કામ શરૂ કરી દીધું છે.

હરિયાણામાં અગાઉની કોંગ્રેસ સરકારો પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસની સરકારનો એવો સમયગાળો જોયો છે જ્યારે વિકાસ માટેના નાણાં માત્ર એક જિલ્લા સુધી જ પહોંચતા હતા.

ભાજપે સમાન રીતે વિકાસના કામો હાથ ધર્યા છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે કોંગ્રેસની રાજનીતિ દેશમાં જુઠ્ઠાણાં અને અરાજકતા ફેલાવવા સુધી નીચે ઉતરી ગઈ છે. આજની કોંગ્રેસ શહેરી નક્સલવાદનું નવું સ્વરૂપ બની ગયું છે અને તેઓ જુઠ્ઠું બોલવામાં કોઈ શરમ અનુભવતા નથી, એમ તેમણે કહ્યું હતું.

વડાપ્રધાને ખેડૂતોના મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીએ લઘુત્તમ ટેકાના ભાવને લઈને હોબાળો મચાવ્યો હતો, પરંતુ હું તેમને પૂછું છું કે તેઓ કર્ણાટક અને તેલંગાણામાં એમએસપી પર કેટલા પાકની ખરીદી કરી રહ્યા છે?

પીએમ મોદીએ એમ પણ પૂછ્યું હતું કે, શું કોંગ્રેસના શાસનમાં કોઈ ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં પણ આજે કોઈ ખુશ નથી કારણ કે રાજ્ય સરકાર તેની અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં અને ફુગાવાને નિયંત્રિત રાખવામાં નિષ્ફળ રહી છે.

તેમણે હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીની તેમની નમ્રતા માટે પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે રાજ્યની પ્રગતિ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધા છે.

મોદીએ કહ્યું કે લોકોએ તેમને લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપી હતી અને તેમના ઉત્સાહને જોતા ભાજપ હરિયાણામાં પણ હેટ-ટ્રિક બનાવવા માટે તૈયાર છે. હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને મતોની ગણતરી 8 ઓક્ટોબરે થશે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button