election અમને મોટો જનાદેશ આપો, અમે ‘લાડકી બહિણ’ની રકમ બમણી કરશું: એકનાથ શિંદે…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે જો રાજ્યના લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિને ‘મોટો જનાદેશ’ આપશે તો સરકાર ‘લાડકી બહિણ’ યોજનાની માસિક આર્થિક સહાયની રકમ બમણી કરીને રૂ. 3,000 કરી દેવામાં આવશે.
હાલમાં સરકાર રાજ્યની મહિલાઓને ‘મુખ્યમંત્રી મારી લાડકી બહિણ યોજના’ના લાભાર્થીઓને દર મહિને રૂ. 1,500 ચૂકવે છે. મહાયુતિ સરકાર માટે આ રાજ્યની મહિલાઓને માટેની સીધી આર્થિક સહાયની યોજના અગ્રણી છે.
શિંદે સરકારે આ વર્ષના બજેટમાં આ યોજના રજૂ કરી હતી અને ગયા મહિને તેનો અમલ શરૂ કર્યો હતો.
ધારાશિવ જિલ્લાના પારંડા તાલુકામાં એક જાહેર કાર્યક્રમમાં બોલતા શિંદેએ જણાવ્યું હતું કે, ‘અમે લાડકી બહેન યોજના શરૂ કરી હતી, જેમાં લાયક મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જો તમે અમારી તાકાત વધારશો, તો અમે માસિક રકમ વધારીને 2,000 રૂપિયા કરીશું. જો તમે મોટો જનાદેશ આપશો, તો અમે તેને વધારીને રૂ. 3,000 કરીશું. વિપક્ષો અમારી ટીકા કરે છે, એમ કહે છે કે રાજ્ય સરકાર પાછળથી ખાલી તિજોરીને ટાંકીને યોજના બંધ કરશે. પરંતુ તેઓએ એ ન ભૂલવું જોઈએ કે રાજ્યની તિજોરી લોકો માટે છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે જ્યારે તેમની સરકારે મહિલા મુસાફરો માટે રાજ્ય સંચાલિત બસોના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો ત્યારે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે આ પગલાથી રાજ્ય પરિવહન નિગમને વધુ નુકસાન થશે.
જોકે આનાથી ઉલટું પહેલની શરૂઆત પછી, બસ સેવાનો ઉપયોગ કરતી મહિલાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે આખરે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) ને નફાકારક પરિણામ મેળવવા તરફ દોરી ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર મહિલાઓને ઉદ્યોગ સાહસિક પ્રયાસોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરીને સશક્તિકરણ કરવાનું ધ્યેય ધરાવે છે, જેનાથી નબળી પૃષ્ઠભૂમિની વ્યક્તિઓ નાણાકીય સફળતા હાંસલ કરવા સક્ષમ બનશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
કોવિડ-19 રોગચાળા દરમિયાન શિવસેના (યુબીટી) ના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર તેમના ફેસબુક લાઇવ જાહેર સંબોધનો પર કટાક્ષ કરતાં શિંદેએ કહ્યું હતું કે, સરકાર ચલાવવા માટે આવા લાઇવ સ્ટ્રીમિંગ પૂરતા નથી. તમારે સામ-સામે આવવાની જરૂર છે. લોકોની સમસ્યાઓ સમજવા માટે તેમની સાથે વાતચીતનો સામનો કરો.