સ્પોર્ટસ

‘મારા સૌથી સારા…’ સૂર્યકુમારના બર્થ-ડે પર પત્ની દેવિશાની ભાવુક પોસ્ટ, ટી-20ના કૅપ્ટન પર અભિનંદનની વર્ષા

સૂર્યાએ ઐતિહાસિક સિક્સર સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બૅટિંગની શરૂઆત કરી હતી: વર્લ્ડ કપનો કૅચ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો

મુંબઈ: ભારતની ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને શનિવાર, 14મી સપ્ટેમ્બરે 34મા જન્મદિન નિમિત્તે સોશિયલ મીડિયામાં સાથી ખેલાડીઓના તેમ જ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહના તેમ જ અનેક મિત્રોના અભિનંદન અને શુભેચ્છા મળ્યા હતા. જોકે એ બધામાં પત્ની દેવિશાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેમભર્યા શબ્દોથી લખેલી પોસ્ટ સૂર્યકુમાર માટે સ્પેશિયલ હતી. દેવિશાએ પોસ્ટમાં લખ્યુંં, ‘મારા સૌથી સારા દોસ્ત, પતિ, લવર, મારી દુનિયા અને મારા જીવનના સર્વશ્રેષ્ઠ નિર્ણય…તમને જન્મદિન બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. હું પ્રતિદિન તમારી આભારી છું. તમે જ મારી દુનિયા છો. તમે મારી દુનિયાને ખૂબસૂરત બનાવી છે. હું તમને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશાં કરતી રહીશ.’

સૂર્યકુમાર પહેલી વાર દેવિશા શેટ્ટીને 2010માં પોદાર કૉલેજમાં મળ્યો હતો. તેઓ બન્ને એ જ કૉલેજમાં ભણતા હતા. સૂર્યાએ ત્યારે ક્રિકેટમાં કરીઅર શરૂ કરી દીધી હતી. દેવિશા કૉલેજના કાર્યક્રમોમાં ડાન્સ બદલ જાણીતી હતી. સૂર્યા ત્યારે જ દેવિશાને દિલ દઈ બેઠો હતો. બન્ને વચ્ચેની દોસ્તી ધીમે-ધીમે મજબૂત થતી ગઈ અને પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2016માં તેમણે લગ્ન કર્યા હતા. દેવિશા ડાન્સ-ટ્રેઇનર અને ડાન્સ-કોચ છે.

આ પણ વાંચો: આ સાઉથ આફ્રિકન બોલરે સૂર્યકુમારના કેચની મજાક ઉડાવી, ટ્રોલ થયા બાદ સ્પષ્ટતા કરવી પડી…

સૂર્યકુમારનો જન્મ 1990ની 14મી સપ્ટેમ્બરે મુંબઈમાં થયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા સૂર્યાને નાનપણથી ક્રિકેટ ઉપરાંત બૅડમિન્ટન રમવાનો પણ શોખ હતો. જોકે તેના પિતા અશોક યાદવે તેને કરીઅર બનાવવા બેમાંથી એક રમત પસંદ કરવા કહ્યું ત્યારે સૂર્યાએ ક્રિકેટ પસંદ કરી હતી. સૂર્યા 10 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર વારાણસીથી મુંબઈમાં સ્થાયી થયો હતો. તેના કાકા વિનોદ યાદવ ક્રિકેટ-કોચ હતા અને પિતા સરકારી વિભાગમાં એન્જિનિયર હતા.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ‘આપણા ટી-20 કૅપ્ટન અને મિસ્ટર 360ને જન્મદિનની હાર્દિક શુભેચ્છા’ એવું લખીને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા.

સૂર્યકુમાર 360 ડિગ્રી શૉટ માટે જગવિખ્યાત છે. શૉટ ફટકારવાની તેની સ્ટાઇલ સૌથી અલગ અને રોમાંચિત કરી મૂકનારી છે.

આ પણ વાંચો: સૂર્યકુમાર રમશે ગાયકવાડની કૅપ્ટન્સીમાં અને પંત રમશે ઈશ્વરનના સુકાનમાં

સૂર્યકુમારને શનિવારે સચિન તેન્ડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી તેમ જ ચેતેશ્ર્વર પુજારા અને સુરેશ રૈના સહિત અનેકના અભિનંદન અને શુભેચ્છાના સંદેશ મળ્યા હતા. મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ) તેમ જ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ પણ સોશિયલ મીડિયામાં સૂર્યાને અભિનંદન આપતી એક્સાઇટિંગ પોસ્ટ મૂકી હતી.

સૂર્યકુમારે 71 ટી-20 ઇન્ટરનૅશનલમાં ચાર સેન્ચુરી સહિત કુલ 2,432 રન બનાવ્યા છે. 37 વન-ડેમાં તેના 773 રન છે. તેને હજી સુધી ફક્ત એક ટેસ્ટ રમવા મળી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૂર્યાના નામે 14 સદી સહિત કુલ 5,628 રન છે. આઇપીએલ સહિતની ટી-20 મૅચોમાં તેણે છ સેન્ચુરી સહિત 7,605 રન બનાવ્યા છે.

એમસીએ સાથે સંકળાયેલા પીઢ સ્કોરર દીપક જોશીએ ‘મુંબઈ સમાચાર’ને આપેલી જાણકારી મુજબ સૂર્યકુમારે માર્ચ, 2021માં અમદાવાદમાં સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બૅટિંગની શરૂઆત કરી હતી. ટી-20 ઇન્ટરનૅશનલમાં છગ્ગાથી બૅટિંગની શરૂઆત કરનાર સૂર્યકુમાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમેલા પહેલા બૉલમાં સિક્સર ફટકારનાર તે વિશ્ર્વનો સાતમો બૅટર છે.’

આ પણ વાંચો: સૂર્યકુમારે કેમ આવું કહ્યું, ‘મારે કૅપ્ટન નથી બનવું, મારે તો…’

સૂર્યાએ ટીમ ઇન્ડિયા વતી રમેલી (ઇંગ્લૅન્ડ સામેની) એ પહેલી મૅચમાં 31 બૉલમાં ત્રણ સિક્સર, છ ફોરની મદદથી 57 રન બનાવ્યા હતા અને ઇંગ્લૅન્ડના ટૉપ-સ્કોરર બેન સ્ટોક્સ (46 રન)નો કૅચ પણ પકડ્યો હતો. સૂર્યાને એમાં ભારતની જીત બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

આ વર્ષના જૂન મહિનામાં ટી-20 વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં હાર્દિક પંડ્યાના બૉલમાં બાઉન્ડરી લાઇનની આરપાર જઈને ડેવિડ મિલર (21 રન)નો અફલાતૂન કૅચ પકડીને સૂર્યકુમારે ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button