બિલ્ડર સાથે 12 કરોડ રૂપિયાની છેતરપિંડી પ્રકરણે દંપતી વિરુદ્ધ ગુનો…

થાણે: થાણે જિલ્લાના કલ્યાણ સ્થિત એક હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટને લઈ ચાલતા વિવાદમાં બિલ્ડર સાથે 12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે કલ્યાણ પોલીસે ગુરુવારે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 406 અને અન્ય કલમો હેઠળ શ્રીકાંત પૈ અને તેની વકીલ પત્ની દિવ્યા સામે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે દંપતીએ જાન્યુઆરી, 2018થી મે, 2024 દરમિયાન બિલ્ડર પાસેથી 12 કરોડ રૂપિયા પડાવ્યા હતા.
હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ માટે ફ્લૅટ માલિકો પાસેથી મંજૂરી અને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી આપવાની ખાતરી આપી આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા લીધા હતા. એ સિવાય અન્ય ભાડૂતો વિરુદ્ધ તેમણે કરેલા કેસ પાછા ખેંચવાની પણ બાંયધરી આરોપીએ આપી હતી.
દંપતીએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આરોપીએ ફ્લૅટ્સ વેચ્યા હતા, જેને કારણે પ્રોજેક્ટમાં ખાસ્સો વિલંબ અને આર્થિક નુકસાન થયું હતું, એમ ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી શનિવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)