ભારતે હૉકીની રસાકસીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું
બીજિંગ: ચીનના હુલનબુર શહેરમાં આયોજિત હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે સેમિ ફાઇનલ પહેલાં શનિવારે છેલ્લા લીગ મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાન પર 2-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ રસાકસીભર્યા મુકાબલામાં ભારતના બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.
હુલનબુરના મૉકી હૉકી ટ્રેઇનિંગ બેઝ ખાતે આ સતત પાંચમો વિજય મેળવીને ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં વિજયીકૂચ જાળવી રાખી હતી.
પ્રથમ ક્વૉર્ટરમાં અહમાદ નદીમે ગોલ કરીને પાકિસ્તાનને 1-0થી સરસાઈ અપાવી હતી, પરંતુ બીજા ક્વૉર્ટરમાં હરમનપ્રીતે પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરીને સ્કોર 1-1થી લેવલ કરી નાખ્યો હતો. થોડી વાર બાદ હરમનપ્રીતે વધુ એક ગોલ કરીને ભારતને 2-1થી લીડ અપાવી હતી અને છેક સુધી ભારે રસાકસી વચ્ચે ભારતીય ડિફેન્સ મજબૂત રહેવાને લીધે પાકિસ્તાનને બીજો ગોલ કરીને મૅચ ડ્રૉમાં લઈ જવામાં સફળતા નહોતી મળી.
બંને ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ એ પહેલાં તેમની વચ્ચે આ રોમાંચક લીગ મુકાબલો પહેલેથી જ નિર્ધારિત હતો.
આ મૅચ પહેલાં ભારતે પાકિસ્તાનને ગયા વર્ષે ચીનની એશિયન ગેમ્સમાં 10-2થી કચડી નાખ્યું હતું.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સૌથી વધુ ચાર ટાઇટલ ભારત પાસે છે.
સેમિ ફાઇનલ સોમવારે અને ફાઇનલ મંગળવારે રમાવાની છે.
બંને દેશ વચ્ચેના તમામ હોકી મુકાબલાઓમાં પાકિસ્તાન 82-67થી સરસાઈમાં છે, પરંતુ છેલ્લા 17 મુકાબલામાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. 17માંથી 15 મુકાબલા ભારત જીત્યું છે અને બે મૅચ ડ્રોમાં ગઈ છે. પાકિસ્તાન છેલ્લે 2016માં ભારત સામે હોકીમાં જીત્યું હતું. ભારતની એ હાર ગુવાહાટીની સાઉથ એશિયન ગેમ્સની ફાઇનલમાં થઈ હતી.