WhatsAppમાં હવે મનપસંદ સેલિબ્રિટી સાથે થશે વાત, મેટા લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર

નવી દિલ્હી : વોટ્સએપ (WhatsApp) તેના યુઝર્સની સુવિધા અને સુરક્ષા માટે નવા નવા ફીચર્સ લાવે છે. છેલ્લા એક વર્ષમાં વોટ્સએપે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે વોટ્સએપ અત્યાર સુધીનું સૌથી આકર્ષક ફીચર લાવવા જઈ રહ્યું છે .જેમાં યુઝર્સ મનપસંદ સેલિબ્રિટી સાથે વાત કરી શકશે.
ફીચર કરોડો યુઝર્સને નવો અનુભવ આપશે
કંપનીએ તાજેતરમાં આ એપમાં Meta AI ને સપોર્ટ કર્યો હતો. કંપની આ AI ફીચરને સતત અપડેટ અને અપગ્રેડ કરી રહી છે. હવે વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સને સેલિબ્રિટી સાથે વાત કરવાનો મોકો આપશે. કંપનીનું આ નવું ફીચર કરોડો યુઝર્સને નવો અનુભવ આપવા જઈ રહ્યું છે.
મનપસંદ સેલિબ્રિટી પ્રશ્નોના જવાબ આપશે
વોટ્સએપ હાલમાં Meta AI માટે એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સ Meta AI સાથે વૉઇસ મોડમાં વાત કરી શકશે. આ આવનાર ફીચરની સૌથી ખાસ વાત એ છે કે આમાં યુઝર્સને સેલિબ્રિટી વોઈસનો સપોર્ટ મળશે. યુઝર્સ જે પણ પ્રશ્ન પૂછશે તેનો Meta AI મનપસંદ સેલિબ્રિટીના અવાજમાં જવાબ આપશે.
તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે
વોટ્સએપ Meta AI ના આ નવા ફીચર સાથે યુઝર્સને એક નવો અનુભવ મળશે. કંપની યુઝર્સને મનપસંદ સેલિબ્રિટીનો અવાજ પસંદ કરવાનો વિકલ્પ પણ આપશે. હાલમાં આ ફીચરનું અમેરિકા અને બ્રિટનમાં યુઝર્સ માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.પરંતુ ટેસ્ટિંગ બાદ તે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.