ડોડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir) ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ડોડામાં એક જનસભાને સંબોધિત કરવાના છે. છેલ્લા 42 વર્ષમાં આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ વડાપ્રધાન કાશ્મીરમાં રેલીને સંબોધિત કરશે. પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી તે ખૂબ જ સંવેદનશીલ પણ છે.
ડોડામાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરશે
પીએમ મોદી શનિવારે જમ્મુ-કાશ્મીરના ડોડામાં રેલીને સંબોધિત કરશે. જમ્મુ-કાશ્મીર ભાજપના ચૂંટણી પ્રભારી જી કિશન રેડ્ડીએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી છેલ્લા 42 વર્ષમાં ડોડાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન હશે. રેડ્ડીએ કહ્યું કે પીએમ મોદી આજે ડોડામાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. છેલ્લે વર્ષ 1982માં કોઇ વડાપ્રધાન ડોડા પહોંચ્યા હતા.
પીએમ મોદી ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ
પીએમ મોદી ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. તેઓ ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી પહેલીવાર રાજ્યમાં પહોંચશે. ભાજપે ડોડામાં ગજય સિંહ રાણા અને ડોડા પશ્ચિમથી શક્તિરાજ પરિહારને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય વડાપ્રધાન મોદી 19 સપ્ટેમ્બરે ફરી એકવાર શ્રીનગરની મુલાકાત લેશે.
વ્યાપક સુરક્ષા વ્યવસ્થા
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. શુક્રવારે કિશ્તવાડ જિલ્લાના ઉપલા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત બે સૈન્યના જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. આ સિવાય શુક્રવારે મોડી રાત્રે બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો.
પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થશે. . 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.