સ્પેશિયલ ફિચર્સ

ખલનાયકોનું બીજું પાસુ: સિક્કે ઔર ઇન્સાન મેં શાયદ યહી ફર્ક હૈ!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
‘લેકિન ઠાકુર સાહબ યે દોનો કિસી કામ કે નહિ!… ખોટા સિક્કા તો દોનો દર હી તરફ સે ખોટા હોતા હૈ’ ફિલ્મ ‘શોલે’માં જ્યારે સંજીવ કુમાર એક પોલીસ ઓફિસર પાસે જય અને વીરુની (એટલે કે આપણા અમિતભાઈ-ધમાભાઇ) માગણી કરે છે ત્યારે પેલો વર્દીધારી ઓફિસર બંને ‘નમૂનાઓ’ને ખોટા સિક્કા ગણાવતો અભિપ્રાય આપે છે ત્યારે સંજીવ કુમાર જે જવાબ આપે છે એમાં ડાયલોગ રાઈટરની મહારથ છતી થાય છે: ‘સિક્કે ઔર ઇન્સાન મેં શાયદ યહી ફર્ક હૈ!’ બીજા શબ્દોમાં કહીએ તો ગમે એવો નકામો-નઠારો માણસ પણ જીવનના કોઈ એકાદ પાસામાં સારપ ધરાવતો હોય એમ બને! ઇતિહાસના પાને જેમનાં નામ નઠારા કહી શકાય એવા લોકોની યાદીમાં ટોચે છપાયેલા છે એમની કેટલીક સારી બાજુ વિશે આજે વાત કરીએ. હિટલર. ચાર અક્ષરનું આ નામ વિશ્વના ઇતિહાસમાં અમર છે. લાખો લોકોને ભરખી જનાર બીજા વિશ્વયુદ્ધના જનક તરીકેનું ‘શ્રેય’ હિટલરને આપવામાં આવે છે, પણ અવગણી ન શકાય એવડો વર્ગ એવું માને છે કે હિટલરે ય વિશ્વના બીજા નેતાઓ જેવા જ ગુણ ધરાવતો હતો. એનામાં સારા અને ખરાબ, બંને પ્રકારના ગુણ હતા, અને વિશ્વયુદ્ધ માટે એ એકલો થોડો જવાબદાર હતો? બીજા ય ઘણાં પરિબળો હતાં. જો એણે રશિયા પર હુમલો કરવાની ભૂલ ન કરી હોત તો બ્રિટનને હરાવીને જર્મનીને મહાસત્તા તરીકે સ્થાપિત કરી શક્યો હોત.

વિજેતાઓ જ ઇતિહાસ લખે છે એ ન્યાયે આપણે સહુ હિટલરને ‘હીરો’ ચીતરતા. ને ઇતિહાસ ભણીને એના ગુણગાન ગાતા હોત! ખેર, આ બધી તો ‘જો અને તો’ ની વાત થઇ, પણ હિટલરે અમુક ખરેખર સારાં કામ પણ કર્યાં છે. હિટલર પોતે શાકાહારી હતો.એટલું જ નહિ, એણે જર્મનીમાં પ્રથમ વાર ‘એનિમલ પ્રોટેક્શન એક્ટ’(૧૯૩૩) પસાર કરેલો. આ કાયદા હેઠળ એવા લોકોને કડક સજા થતી, જે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવતા હોય! એમાં સર્કસ અને ઝૂ વાળાને ય આવરી લેવામાં આવ્યા હતા. કાયદા હેઠળ જંગલી પ્રાણીઓના શિકાર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઘણા ટીકાકારો માને છે કે પ્રાણીઓ પ્રત્યેનો હિટલરનો પ્રેમ ‘જર્મન પ્યોરિઝમ’ની એની વિચારસરણીને આભારી હતો. જર્મન ભૂમિની સાથે આ ભૂમિ પર વસતાં પ્રાણીઓને પણ એ સાંસ્કૃતિક વારસા તરીકે જોતો હતો. મગજ ઠેકાણે રાખીને વિચારો તો સમજાશે કે કોઈ માણસ પશુ-પક્ષીઓને કે જંગલોને પોતાના દેશના સાંસ્કૃતિક વારસા તરીકે નિહાળતો હોય તો એમાં ખોટું કશું નથી.

એનાથી કુદરતનું સંવર્ધન જ થાય છે ને? આપણો આદિવાસી સમાજ પણ દુનિયાનો દરેક પ્રાચીન સમાજ પ્રકૃતિનાં તત્ત્વોને જ દેવતા ગણીને પૂજતો આવ્યો છે. એનાથી પ્રકૃતિનું સંવર્ધન થાય તો ખોટું શું છે! નેપોલિયન એક સમયે આખા યુરોપ પર રાજ કરવા માગતો હતો. ઇતિહાસમાં એની છાપે ય બહુ સારી નહિ. એવું કહેવાય છે કે ૧૭૯૦ થી ૧૮૧૦ વચ્ચેના એના વિવિધ લશ્કરી કાર્યવાહીને પાપે તેર લાખ જેટલા ફ્રેંચ નાગરિકો ઉકલી ગયેલા! બીજી તરફ નેપોલિયનના શાસન હેઠળ કેટલાક અદ્ભુત કાયદા ચલણમાં આવ્યા. આ નેપોલિયન કોડ્સ નાગરિકો વચ્ચે ખરા અર્થમાં સમાનતાની તરફેણ કરનારા હતા. ફ્રેંચ સમાજના નીચલા વર્ગો સદીઓથી સામંતશાહી વ્યવસ્થા હેઠળ કચડાઈ મૂએલા. નેપોલિયન કોડ્સે આ સામંતશાહીને કાઢવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. નેપોલિયનની માફક જ ઈરાકના કુખ્યાત સરમુખત્યાર સદ્દામ હુસેને પણ કંઈ કેટલાય લોકોને દફનાવી દીધેલા. અત્યંત ક્રૂર સરમુખત્યાર તરીકે જાણીતા સદ્દામે ઈરાકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો. એણે રસ્તાઓ બનાવડાવ્યા, ખાણ-ખનીજ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું અને સાથે જ ઈરાકમાં બીજી અનેક ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરાવી. જાણીને આશ્ર્ચર્ય થશે, પણ સદ્દામ પૂર્વેના ઈરાકમાં ઈલેક્ટ્રીસિટી કઈ બલાનું નામ છે એ મોટા ભાગની પ્રજાને જોવા-જાણવા નહોતું મળ્યું. સદ્દામે દેશનાં અનેક સ્થળોએ વીજળી પહોંચાડી. એણે શિક્ષણ પર ભાર મૂક્યો અને શિક્ષણને ફરજિયાત બનાવ્યું. સૌથી મોટું આશ્ર્ચર્ય તો એ બાબતનું છે કે સદ્દામના શાસનમાં સ્ત્રીઓની ‘ક્વોલિટી ઓફ લાઈફ’માં સુધારો નોંધાયો. સદ્દામનો દીકરો ઉદય અને કંઈક અંશે સદ્દામ ખુદ સ્ત્રીઓ પર અત્યાચાર કરનારાની ઈમેજ ધરાવે છે, પણ સદ્દામ પહેલાના સમયમાં ઈરાકી સ્ત્રીઓની દશા માઠી હતી એ ય હકીકત છે. સદ્દામના શાસન હેઠળ સ્ત્રીઓને લગ્ન, તલાક અને વારસાઈ જેવા હકો પ્રાપ્ત થયા! સરમુખત્યારોની વાત કરીએ તો નામીચા ગેન્ગસ્ટર્સ શું કામ પાછળ રહી જાય?

માનો યા ના માનો, મુસીબત સમયે પ્રજાને મદદરૂપ થવાનું હોય ત્યારે ભારતના ભાઈલોગ મોટે ભાગે પોતાના પંથ, જ્ઞાતિ કે ધર્મ પૂરતા સીમિત રહી જાય છે, પણ બીજા દેશોમાં એવું નથી. ૧૯૩૦માં અમેરિકા ભયંકર મંદીમાં સપડાયેલું. મોટા ભાગની પ્રજા ભૂખે મરે. એ વખતે શિકાગોમાં ઐતિહાસિક ગેંગસ્ટર અલ કપોનના નામના સિક્કા પડતા. અલ કપોને કદાચ બાળપણમાં બહુ ભૂખમરો વેઠ્યો હશે કે કેમ, એની ખબર નહિ, પણ લોકોને ભૂખે મરતા જોઈને એનું કાળમીંઢ પથ્થર જેવું હૃદય દ્રવી ઉઠ્યું. વિરોધી ગેંગસ્ટર્સને ભાજી-મૂળાની જેમ ઉડાડવા માટે કુખ્યાત કપોન શિકાગોના લોકોને બચાવવા મેદાને પડ્યો. એણે તળ શિકાગોમાં એક કિચન શરૂ કર્યું. આ કપોન કિચનમાં ભૂખ્યા લોકોને પૌષ્ટિક સૂપ પીરસવામાં આવતો ય સાવ મફત! સરકારી સહાય મેળવવા માટે લોકોએ જાતજાતના ફોર્મ ભરવા પડતા અને પોતે ખરેખર ભૂખે મરે છે એ સાબિત કરવું પડતું, જ્યારે કપોન કિચનમાં જઈને હાથ ધરો એટલે તમને કશી પૂછપરછ વિના સૂપનો બાઉલ પકડાવી દેવાતો. આ રીતે અલ ક્પોને મંદીના કપરા કાળમાં અનેક ભૂખે મરતા લોકોનું પેટ ભરેલું!. આવો જ એક બીજો ખતરનાક ડોન એટલે ‘કિંગ ઓફ કોકેન’ તરીકે કુખ્યાત પાબ્લો એસ્કોબાર. કોલંબિયાનો આ ગેન્ગસ્ટર પણ પોતાના વિરોધીઓને પૂરા કરવા માટે મુહૂર્તની રાહ ન જોતો. એ જ રીતે, કોઈ ગરીબ- જરૂરિયાતમંદને જોઈને એની અંદરનો ‘રોબિનહુડ’ જાગી ઉઠતો.

એણે પોતાની કમાણીનો એક મોટો હિસ્સો લોકોની જરૂરિયાત પૂરી કરવામાં, હોસ્પિટલ્સ બનાવવામાં વાપર્યો હોવાનું કહેવાય છે. પોલીસ અને સરકારી તંત્ર ભલે પાબ્લોનું દુશ્મન બની બેઠેલું, પણ આમ જનતા પોતાના આ રોબિનહુડ પર ફિદા હતી. પાબ્લો સ્પોર્ટ્સમાં પણ રુચિ લેતો, અને એણે એક સોકર ટીમને પણ સ્પોન્સર કરેલી. બીજી બાજુ, જાપાની માફિયા તો વળી સમાજસેવામાં બધા કરતાં ચડે એવા. જાપાનમાં માફિયાને ‘યાકુઝા’ તરીકે ઓળખવામાં આવે છે. આવા યાકુઝા પોતાના આખા શરીરે છુંદણા ત્રોફાવતા હોય છે. ૨૦૧૧માં જાપાનમાં મહાવિનાશક ભૂકંપ આવ્યો ત્યારે યાકુઝા મંડળીઓએ પોતાની નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધેલી. ખોરાક, પાણીથી માંડીને બીજી અનેક જીવન જરૂરી સામગ્રીની ટ્રકો ભરી ભરીને લોકોને સાવ મફતમાં વહેંચી દેવામાં આવી. આ પ્રકારની પ્રવૃત્તિથી અનેક લોકોને ખરે ટાણે મદદ મળી ગઈ. જાપાનમાં અનેક લોકો આજે ય યાકુઝાને માનની નજરે જુએ છે. અહીં ખલનાયકોને સારા ચીતરવાનો કોઈ ઉપક્રમ નથી. હિટલર, નેપોલિયન, સદ્દામ હુસેન, પાબ્લો એસ્કોબાર, અલ કપોન વગેરે જેવાએ આચરેલા હત્યાકાંડનો કોઈ બચાવ થઇ શકે એમ નથી. વાત માત્ર એટલી જ છે, કે ખોટા સિક્કા ભલે હી દોનો તરફ સે ખોટા હો, પણ ખોટો આદમી જીવનના અમુક પાસામાં જેન્ટલમેન નીવડી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…