વીક એન્ડ

અમારો સંબંધ બે પેઢીનો છે: સંજય છેલ

મુંબઈ સમાચાર અખબાર સાથે અમારો સંબંધ બે પેઢીનો છે. મુંબઈ સમાચાર ગુજરાતી ભાષા માટેનો એક મોટો દરવાજો છે, મોટો ગેટ છે જેનો ઈતિહાસ ૨૦૩ વર્ષથી આપણી સંસ્કૃતિ, સંસ્કાર ને ભાષાની સેવા કરે છે. નાનપણથી સંબંધ છે. મારા ઘરે આવતું હતું અને આવતું રહેશે. નાનપણમાં ફેન્ટમ વાંચતો હતો. એશિયાનું એકમાત્ર એવું અખબાર છે જે ૨૦૩ વર્ષથી નિષ્પક્ષ રહીને સત્યના માર્ગે ચાલે છે. આ અખબારમાં મને લખવાની તક મળી છે એ મારા માટે સૌભાગ્ય છે. જે અખબારમાં મારા પપ્પાનું છેલ પરેશનું નામ છપાતું તે દર શનિવારે વાંચતો હતો અને પછી તે જ છાપામાં મારું નામ પણ છપાવા લાગ્યું તે મારા માટે ગર્વસમાન પળો હતી, એમ પણ સંજય છેલે કહ્યું હતું.

આ ઐતિહાસિક ક્ષણે હાજર રહ્યો તે મારું સૌભાગ્ય: ઓજસ રાવલ

રાજાધિરાજથી અત્યારે ઘર ઘરમાં પહોંચી ગયેલા જાણીતા કલાકાર ઓજસ રાવલે ‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે અત્યારે હું ઘણો ભાવવિભોર થઈ ગયો છું અને તેના બે કારણ છે, એક તો હું ભૂતપૂર્વ પત્રકાર અને આ ફિલ્મમાં નરેટર (સૂત્રધાર) તરીકે મને ફરજ બજાવવાની તક મળી છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં શૂટ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણે સાક્ષી બનવાની તક મળી હોવાથી ભાગ્યવાન માનું છું. મારું તો એટલું જ કહેવું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વંચાય ગુજરાતી અને જ્યાં જ્યાં વંચાય ગુજરાતી ત્યાં ત્યાં વંચાય ‘મુંબઈ સમાચાર’.

પિતાના સમયથી મુંબઈ સમાચાર ચાલુ છે: અરવિંદ વેકરિયા

‘મુંબઈ સમાચાર’માં આવતા સાચા અને નીતરેલા સમાચાર બીજે ક્યાંય વાંચ્યા નથી. દુનિયામાં પરિવર્તન થતું રહે છે અને તે નિયમ છે. મારા પિતા હતા તેઓ ‘મુંબઈ સમાચાર’ વાંચતા હતા તેઓ ગયા પણ હજી ‘મુંબઈ સમાચાર’ આવે છે. કામા શેઠને અભિનંદન છે. અત્યારના તંત્રી નીલેશ દવેને અભિનંદન જેમણે સારામાં સારું કેવી રીતે કરી શકાય તેના પર વિચાર કરે છે. મને અખબારમાં લખવાની વિનંતી કરી હતી કે રંગભૂમિની ૫૦ વર્ષની યાત્રાના કિસ્સા વાચકો સુધી પહોંચાડીએ. પાંચ વર્ષ પૂરા થઈને આજે છઠ્ઠું વર્ષ ચાલે છે. માનનીય અમિત શાહને હસ્તે ડૉક્યુમૅન્ટરીનું વિમોચન થઈ રહ્યું છે તેનાથી હું પોરસાઈ રહ્યો છું.

અમારા માટે પ્રાણવાયુ છે આ અખબાર: દર્શન જરીવાલા

‘મુંબઈ સમાચાર’ અખબારની દસ્તાવેજી ફિલ્મના વિમોચન વખતે જાણીતા કલાકાર દર્શન જરીવાલાએ કહ્યું હતું કે આ અભૂતપૂર્વ સિદ્ધિ છે. ગુજરાતી ભાષા માટે જેટલું સાહિત્યકારોએ કર્યું છે તેટલું કે તેનાથી વિશેષ ‘મુંબઈ સમાચારે’ કર્યું છે. આમ જનતા સુધી આટલાં વર્ષો સુધી ગુજરાતી ભાષામાં દેશવિદેશના સમાચારો, વિચારતા કરી શકે તેવા તંત્રીલેખો ‘મુંબઈ સમાચારે’ આપ્યા છે. અમારા માટે પ્રાણવાયુ એટલા માટે કેમ કે અમારા નાટ્યકલાકારોને તો ‘મુંબઈ સમાચાર’માં જાહેરાત વાંચીએ ત્યારે ખાતરી થાય કે આજે શૉ છે. ૨૦૩ શું ‘મુંબઈ સમાચાર’ ૩૦૨ કહો, જ્યારે હું નહીં હોઉં, જ્યારે તમે નહીં હો ત્યારે પણ ‘મુંબઈ સમાચાર’ રહેશે એવી હું શ્રદ્ધા રાખું છું. ૧૯૭૬માં પહેલી વખત મારા નાટકની જાહેરાત આવી ત્યારે તેમાં મારું નામ વાંચ્યું ત્યારે ખાતરી થઈ કે હવે હું નાટ્યકલાકાર બની ગયો.

ટેવ થઈ ગઈ છે: સરિતા જોશી

મુંબઈમાં પહેલી વખત પગ મૂક્યો ત્યારે મારા સાસુ ‘મુંબઈ સમાચાર’ વાંચતા હતા ત્યારે મને નવાઈ લાગી હતી. બુધવાર, શનિવાર, રવિવાર સંતુ સરિતાના સિક્કા પડે જાહેરાત છપાય તે ગૌરવ. આજે પણ મારા ઘરમાં ‘મુંબઈ સમાચાર’ વાંચું છું. ગમે તેટલી જાહેરાતો હોય, પરંતુ ‘મુંબઈ સમાચાર’ એ ‘મુંબઈ સમાચાર’. મોદી સાહેબ આવ્યા અને આજે જે દસ્તાવેજી ફિલ્મનું અનાવરણ થઈ રહ્યું છે એ તેમની જ ઈચ્છા હતી અને તેમણે જે રિસ્પેક્ટ આપી. અમને કલાકારને ‘મુંબઈ સમાચાર’ વગર ચાલે જ નહીં ટેવ પડી ગઈ છે. મોંઘું પડે પણ મુંબઈ સમાચાર વગર ચાલે નહીં.

‘મુંબઈ સમાચાર’ મારા ઘરે ૧૦૦ વર્ષથી આવે છે: વાચકો

‘મુંબઈ સમાચાર’ની ડૉક્યુમૅન્ટરી પ્રસંગે આવેલા વાચકોએ કહ્યું હતું કે ‘મુંબઈ સમાચાર’ તેમના ઘરે ૧૦૦ વર્ષથી આવે છે. ‘મુંબઈ સમાચાર’ અમારા ઘરે ૧૦૦ વર્ષથી આવે છે હું પોતે ૭૦ વર્ષનો થયો ત્યારથી જોઉં છું, તેની પહેલાં ૩૦ વર્ષથી અમારા ઘરે આવે છે. અમે ‘મુંબઈ સમાચાર’ના સૌથી જૂના અને લોયલ વાચકો છીએ. સ્ટેજ પરથી અમિતભાઈએ કહ્યું એ બિલકુલ સાચું છે કે ‘મુંબઈ સમાચાર’ના સમાચાર આધારભૂત હોય છે. ફેક ન્યૂઝ ક્યારેય નહીં. એક વાચક પરેશ વોરાએ કહ્યું હતું કે મારા ઘરે ૫૫-૬૦ વર્ષથી ‘મુંબઈ સમાચાર’ આવે છે. અમે ગુજરાત સમાચાર અને જન્મભૂમિ પણ મગાવ્યા હતા, પરંતુ અમારું પ્રાધાન્ય ‘મુંબઈ સમાચાર’ને છે. અમને ‘મુંબઈ સમાચાર’ વાંચવાની આદત પડી ગઈ છે. ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે પ્રયાસો કરવાની આવશ્યકતા છે.

બે સદી પહેલાં પાયો નાખનારાને અભિનંદન: સાંઈરામ દવે

મુંબઈ સમાચારને ખૂબ ખૂબ શુભેચ્છા કે ગુલામીના કાળમાં પાયો નાખનારા પારસી શેઠને ધન્યવાદ આપું છું. મુંબઈ સાથેનું ગુજરાતીઓનું લેણદેણ ઘણું જૂનું છે. અખબારે આ સિદ્ધિ મેળવી છે અને તે પ્રસંગે અભિનંદન. ગુજરાતી ભાષા આ પૃથ્વી પરથી ૯૦૦ વર્ષથી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button