વેપાર

આયાતી તેલમાં ડ્યૂટી વધારાની ચર્ચા ચકડોળે ચડતા વેપાર પાંખાં

આયાતી તેલમાં આગેકૂચ, સિંગતેલમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૪૯ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર વાયદામાં અનુક્રમે ૯૦, ૩૦ અને ૩૯ રિંગિટનો ઘટાડો આવ્યો હતો. આમ આજે વૈશ્ર્વિક મિશ્ર અહેવાલો વચ્ચે આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો.

આગામી ઑક્ટોબર મહિનાથી ખરીફ તેલીબિયાંની લણણી શરૂ થશે અને હાલના તબક્કે મથકો પર સોયાબીનના ભાવ ટેકાના ભાવ કરતાં નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી સરકાર ખેડૂતોના હિત જાળવવા માટે આયાતી તેલની જકાતમાં ૧૦થી ૨૦ ટકા જેટલો વધારો કરશે તેવી ચર્ચા બજારમાં ચકડોળે ચડી હોવાથી એકંદરે વેપાર પાંખાં રહ્યા હતા અને તેમાં પણ મોડી સાંજ પછીથી તો અલાના, ગોલ્ડન એગ્રી અને રિલાયન્સ રિટેલ જેવાં રિફાઈનરોએ આયાતી તેલના ભાવ ક્વૉટ કરવાનું પણ બંધ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે મધ્યસત્ર દરમિયાન ડાયરેક્ટ ડિલિવરી શરતે રૂચી, અલાના અને રિલાયન્સ રિટેલના આરબીડી પામોલિનના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૦૩૫, રૂ. ૧૦૨૫ અને રૂ. ૧૦૪૫ તથા ગોલ્ડન એગ્રીના જેએનપીટીથી રૂ. ૧૦૪૫, કંડલાથી રૂ. ૧૦૩૫ અને મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. ૧૦૩૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.

દરમિયાન આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૦૪૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૦૪૫, સન રિફાઈન્ડના રૂ. ૧૦૪૦, સિંગતેલના રૂ. ૧૫૨૫, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૧૨૦ અને સરસવના રૂ. ૧૩૬૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૫૫માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૫માં થયા હતા.

વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૨૫,૦૦૦ ગૂણી સોયાસીડની આવકો હતો. આ સિવાય આજે રાજસ્થાનનાં મથકો પર એક લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૮૨૫થી ૬૮૫૦માં, સરસવ એક્સપેલરના ૧૩૬૫માં અને કચ્ચીઘાણીના રૂ. ૧૩૭૫માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૭૧૫થી ૨૭૨૦માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button