જાણીતા સિતારાઓની જુઠ્ઠી સંઘર્ષ ગાથા
વિશેષ – ડી. જે. નંદન
બ્લેક ઍન્ડ વ્હાઇટ ફિલ્મી ગોસિપ પત્રિકાઓનો જમાનો હોય કે પછી રંગીન આર્ટ પેપર પર છપાતી રંગીન પત્રિકાઓનો, જાહેરાતોથી ભરેલા ટી.વી.પત્રકારત્વનો દોર હોય કે પછી આજનો સોશિયલ મીડિયાનો દોર. દરેક જમાનામાં એક વાત ખૂબ જ સામાન્ય રહી છે અને તે છે બોલીવુડમાં સફળતા મેળવનારા અને ટોચ પર પહોંચનારા ફિલ્મી સિતારાઓએ કહેલી સફળતા પાછળની લાંબા લચક સંઘર્ષની ગાથા.
બધા જ પોતાના સ્ટ્રગલની કહાણીઓ સંભળાવતા હોય છે. અમુક કહાણીઓમાં કોઇ મહિનાઓ સુધી ફૂટપાથ પર સૂતેલા હોય છે તો અમુક કિસ્સાઓમાં પચાસ પૈસાના ચણા અને એક ભુટ્ટો ખાઇને પેટ ભરીને રાતો વીતાવી હોવાનું આપણને સાંભળવા મળે છે.
હાલમાં જ કપિલ શર્મા શૉમા અભિષેક બચ્ચન આવ્યા હતા અને તેમણે પણ ફિલ્મી અંદાજમાં ખૂબ જ ભાવુક થતા કહ્યું કે તે પૈસાની અછતના કારણે તેમના પિતા એટલે કે અમિતાભ બચ્ચન કઇ રીતે વરલી સી-ફેસ પાસે મહિનો સુધી શેકેલા ભુટ્ટા ખાઇને દિવસો વીતાવતા હતા. અભિષેકે કહ્યું એ મુજબ તેમણે ઘણી રાતો એક બેન્ચ પર વીતાવી હતી. આવી જ સંઘર્ષ ગાથા થોડા દિવસો પહેલા એક ટી.વી. કાર્યક્રમમાં જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ સંભળાવી હતી અને વારંવાર કહેતા જોવા મળ્યા હતા કે કઇ રીતે શેકેલા ચણા જ તેમનું લંચ, ડિનર બધુ જ હતું. ફક્ત શેકેલા ચણા ખાઇને તેમણે ઘણા દિવસો મુંબઈમાં વીતાવ્યા હતા તેનો ઉલ્લેખ તેમણે વારંવાર કર્યો હતો.
ધર્મેન્દ્ર, અક્ષય કુમાર, શાહરુખ ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીથી માંડીને મનોજ બાજપાયી સુધીના બધા જ અભિનેતાઓમાં જો એક વાત સામાન્ય હોય તો તે છે તેમની સંઘર્ષ ગાથાની. આ બધાએ જ ફિલ્મી દુનિયામાં સફળતા મેળવવા પહેલા પોતે કેટલી સમસ્યાઓ અને કેટલી અડચણોનો સામનો કર્યો તે જાહેર કર્યું છે. અમિતાભ બચ્ચનની વાત કરીએ તો કેબીસી શૉના મારફત તે પોતાના જીવનમાં આવેલા પડકારો વિશે ઘણી જ વાતો કરતા હોય છે. સામે આવેલા કોન્ટેસ્ટન્ટને તે ઘણી વખત પોતાના જીવનના સંઘર્ષો વિશે જણાવતા હોય છે.
અક્ષય કુમાર પણ આ મામલે પાછળ નથી રહેતા અને આમિર ખાન આમ તો મીડિયા ફ્રેન્ડલી છે, પરંતુ જ્યારે પોતાના સંઘર્ષની વાતો કરવાની વાત આવે ત્યારે તે પણ અચૂક પોતાની વાત માંડવા બેસે છે અને તે પણ થોડો ‘તડકો’ એટલે કે વઘાર મારીને. આ સિતારાઓ થોડી અતિશયોક્તિભરી વાતો કરતા હોય છે તે વાત સાબિત કરવા માટે આપણે એક ઉદાહરણ લઇએ અમિતાભ બચ્ચને કહેલી વાતનું. અમિતાભ બચ્ચનની સામે એક કોન્ટેસ્ટન્ટ બેઠો હતો અને અમિતાભ બચ્ચન પોતાના સંઘર્ષના દિવસોની વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તે કોલકાતામાં ૪૦૦ રૂપિયાની નોકરી કરતા હતા અને એક રૂમમાં આઠ-આઠ લોકો રહેતા હતા. આના પર થોડું ધ્યાન દઇએ અને વિચાર કરીને ગણતરી કરીએ તો અમિતાભ બચ્ચનની ઉંમર આજે ૮૫ વર્ષની છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને લગભગ ૫૭ વર્ષ પૂરા થયા છે.
જો આ ગણતરી સાચી હોય તો તે મુજબ અમિતાભ બચ્ચન જ્યારે ૪૦૦ રૂપિયાની મામૂલી નોકરી કરતા તે વાત ૬૦થી ૬૫ વર્ષ જૂની હોવી જોઇએ. હવે જ્યારે એ વખતે ભારતમાં આઇએએસ(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના અધિકારીનો પગાર માંડ ૧,૫૦૦ હતો અને ભારતના મોટાભાગના પ્રદેશોમાં ટીચર્સનો પગાર ૧૫૦થી ૨૫૦ રૂપિયાની વચ્ચે રહેતો. ૬૦-૬૫ વર્ષ પહેલા કોલકાતામાં તો છોડો મુંબઈમાં ૨૦-૨૫ રૂપિયાથી માંડીને ૫૦ રૂપિયામાં તો મસમોટા ઘર મલી જતા હતા. એવામાં અમિતાભ બચ્ચન ૪૦૦ રૂપિયાનો પગાર મેળવીને આઠ લોકો સાથે એક રૂમમાં રહેવા માટે મજબૂર હતા!
જ્યારે દેશના નામચીન દૂન સ્કૂલમાં ફક્ત મોટા ઉદ્યોગપતિઓ અને પ્રધાનો-વડા પ્રધાનોનાં સંતાનો જ અભ્યાસ કરી શકતા એવા કાળમાં અમિતાભ બચ્ચને પણ દૂન અને શેરવુડ જેવી પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. જોકે, તેમણે થોડા દિવસ પહેલા જ કેબીસીની એક મહિલા સ્પર્ધકની સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે કઇ રીતે કરોડીમલ કૉલેજની ક્લાસ બંક કરીને મિત્રો સાથે ફિલ્મો જોવા જતા હતા અને તેમની પાસે પૈસા નહોતા તો તે વૉચમેનના હાથ-પગ જોડીને એકાદ ગીત જોઇ શકે તેવો જુગાડ કરી લેતા.
ખરી વાત એ છે કે આ બધી એક ખોટી અને કાલ્પનિક સંઘર્ષ ગાથાઓ છે કે અને એ પણ એવી કે જેને સાંભળીને પણ ફક્ત દયા જ આવે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલીવુડના કિંગ કહેવાતા શાહરુખ ખાન પણ પોતાની ગરીબી અને સામાન્ય વર્ગના નબીરા હોવાની કહાણીઓ સંભળાવતા નથી થાકતા. જોકે, તેમની સંઘર્ષગાથાના એક ભાગની હકીકત એ પણ છે કે તેમની માતા એ જમાનામાં ઓક્સફૉર્ડમાં ભણેલી મહિલા હતી અને પ્રથમ શ્રેણી એટલે કે ફર્સ્ટ ક્લાસની મેજિસ્ટ્રેટ હતી. વડા પ્રધાન ઇંદિરા ગાંધી સાથે તેમના ઘણા સારા સંબંધો હતા. અવારનવાર બંને એકસાથે લંચ અને ડિનર લેતા હોવાનું પણ સાંભળવા મળ્યું છે. જોકે, એ છતાં શાહરુખ ખાન દિલ્હીથી મુંબઈ સંઘર્ષ કરવા માટે આવ્યા હતા. અક્ષય કુમાર પણ પોતાની ગરીબીની વાતો કરતા થાકતા નથી. તે કહે છે કે ગુજરાન ચલાવવા માટે તે શેફ તરીકે કામ કરતા હતા અને ફ્રી ટાઇમમાં તે લોકોને જુડો-કરાટે શિખવતો.
જાવેદ અખ્તર જે લાંબા સમય સુધી પોતાના સંઘર્ષની વાતો કરે છે તે જ્યારે મુંબઈ આવ્યા હતા એ વખતે તેમના પિતા જાંનિસાર અખ્તર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું નામ કમાવી ચૂકેલા અને પોતાનું સ્થાન બનાવી ચૂકેલા ગીતકાર હતા અને એ જમાનામાં ગીતકારોના ખૂબ જ માન-પાન થતા હતા.
કારણ કે એ જમાનામાં ફક્ત ગીતોના કારણે ફિલ્મો સુપરહિટ થઇ જતી. એ વખતે ગીતકારોને ગીતો લખવાના ખૂબ સારા પૈસા મળતા હતા. કહેવાય છે કે સાહિર લુધિયાણવી એક એક ગીત લખવાના એકથી બે લાખ રૂપિયા લેતા હતા અને એ પણ એ જમાનામાં. એ છતાં જાવેદ અખ્તર મુજબ તે વર્ષો સુધી કોઇ ઘર ન હોવાના કારણે કમાલ અમરોહીના ઘરમાં સ્ટુડિયોમાં જમીન પર સૂતા હતા.
જોકે થાય તો એમ જ છે કે તેમનો સંઘર્ષ હોય છે તલ જેટલો અને તેને બતાવાય અને સંભળાવાય છે પહાડ જેવડો મોટો કરીને. વાંચકોને એટલું જ કહેવાનું કે ફિલ્મી સિતારાઓનો સંઘર્ષ સાંભળીને ભાવુક થવું એ એપ્રિલ ફૂલ બનવા જેવું જ છે.