ભૂમી પૂજન 50, ખરેખર કામ થયા ત્રણ જ: મીરા-ભાયંદરના બંને વિધાનસભ્યો શું વિકાસના કામોનો માત્ર દેખાડો કરે છે?
મીરા-ભાયંદર: મીરા-ભાયંદરના સત્તાધારી પક્ષના વિધાનસભ્યો પ્રતાપ સરનાઇક અને ગીતા જૈને પાછલાં એક વર્ષમાં વાજતે-ગાજતે અનેક ભૂમી પૂજન કર્યા છે. પણ એમાંથી જાહેર કરવામાં આવેલ લગભગ 47 કામો હજી શરુ પણ કર્યા નથી. કેટલાંક કામો માટે મંજૂર કરવામાં આવેલ ફંડ હજી મળ્યો જ નથી. તો મોટા ભાગના કામો ટેકનીકલ પ્રશ્નોને કારણે રખડ્યાં છે. આમાથી કેટલાંક કામોનું ભૂમી પૂજન તો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથે થયું છે. સરકાર દ્વારા ત્રણ હજાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હોવાનું રહેવાઇ રહ્યું છે. જ્યારે હકીકતમાં માત્ર 179 કરોડ રુપિયાનું ફંડ જ મહાનગર પાલિકાના કબાટમાં જમા થયું છે.
મીરા-ભાયંદરના વિકાસ માટે રાજ્ય સરકારે મહાનગર પાલિકાને 3 હજાર કરોડ રુપિયાનો ફંડ આપવા માટે મંજૂરી આપી હતી. અલગ અલગ બેઠકો અને વિધાનસભ્યો દ્વારા પૂછપરછ કર્યા બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ ફંડમાંથી વિધાનસભ્ય ગીતા જૈને 31 અને વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે 19 કામોની જાહેરાત કરી છેલ્લાં એક વર્ષમાં ભૂમી પૂજનની લડી લગાવી દીધી હતી. અનેક કામોની જાહેરાત અને 20 કામોનું ભૂમી પૂજન પણ જોરશોરમાં કરવામાં આવ્યું. મુખ્ય પ્રધાનના નજીકના લોકોમાં ગણવામાં આવતા તત્કાલીન મ્યુનીસીપલ કમીશનર વિકાસ ઢોલેના કાર્યકાળમાં આ તમામ કામોનું ભૂમી પૂજન થયું હતું. આમાંથી કેટલાંક કામો માટે તો ખૂદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ છતાં આ 50 માંથી 47 કામો હજી સુધી શરુ થયા નથી.
અમે ખાસ કરીને વિકાસના કામો માટે આ ફંડ રાજ્ય સરકાર પાસે મંજૂર કરાવ્યો હતો. થોડા સમય પહેલાં આ કામો કરવા માટે મહાનગર પાલિકા સામે કેટલીક ટેક્નીકલ મૂશ્કેલીઓ આવી હતી. આ તમામ મૂશ્કેલીઓ હવે દૂર થઇ હોવાથી જલ્દી જ આ કામોની શરુઆત થશે. એમ વિધાનસભ્ય ગીતા જૈને એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું. જ્યારે આ વિલંબીત કામો જલ્દી શરુ કરવાના પ્રયાસો અમે કરી રહ્યાં છીએ એમ વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વાર મંજૂર કરવામાં આવેલ ફંડમાંથી શહેરમાં વિવિધ વિકાસમા કામો હાથ ધરવામાં આવનાર છે. હાલમાં જે કામો અંત્યત જરુરી છે તે અંગેની પરવાનગીઓ અને ટેક્નીકલ સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એમ એક અધિકારી એ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વાર મંજૂર કરવામાં આવેલ 3 હજાર કરોડમાંથી અત્યાર સુધી 179 કરોડ રુપિયા મળ્યા છે એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ વિધાનસભ્યોએ ભૂમી પૂજન કર્યુ હોય એવા કામોમા નવા રસ્તા, બગીચા, સ્વિમિંગ પુલ, નવી મુખ્યાલયની ઇમારતો, હોસ્પિટલ, ખાડીના કિનારાનો વિકાસ, વ્યાયામ શાળા, સમાજભવન, આર્ચરી કેન્દ્ર, જેટી, બ્યુટીફીકેશન વગેરેનો સમાવેશ છે. કેટલાંક કામો માટે હજી ફંડ મળ્યું નથી. જ્યારે ક્યાંક જગ્યાનો પ્રોબ્લેમ, પરવાનગી વગેરે જેવી ટેકનીકલ મૂશ્કેલીઓને કારણે આ કામો હજી સુધી શરુ થયા નથી. કમીશનર દ્વારા જરુરી ના હોય એવા ખર્ચાઓ પર હમણાં પ્રતિબંધ મૂક્યો હોવાથી કેટલાંક કામો હજી થયા નથી.