લાલબાગના રાજાના ચરણોમાં ભક્તોની ભરપૂર ભેટ: દાનપેટીમાં આવ્યું સાડા ત્રણ કિલો સોનુ અને 64 કિલો ચાંદી

મુંબઇ: માનતા પૂરી કરનારા બાપ્પા તરીકે પ્રસિદ્ધ મુંબઇના લાલબાગના રાજાના દર્શન માટે આખા દેશમાં ભક્તોની ભીડ જામે છે. લાલબાગના રાજાના ચરણોમાં ભક્તોએ દસ દિવસમાં કરોડો રુપિયાનું દાન કર્યુ છે. માત્ર મુંબઇ જ નહીં પણ વિદેશી મહેમાનો પણ લાલબાગના રાજાના દર્શન માટે કતારોમાં ઊભા રહે છે. દસ દિવસમાં લાલબાદના રાજાના ચરણોમાં સાડા ત્રણ કિલો સોનુ અને 64 કિલો ચાંદીની ભેટ આવી છે. ઉપરાંત આ દસ દિવસમાં લાલબાગના રાજાને પાંચ કરોડ રુપિયાનું દાન આવ્યું છે.
દર વર્ષે લાલબાગના રાજાને કેટલું દાન આવ્યું છે તેની જાણકારી મંડળ તરફથી આપવામાં આવે છે. રાજાની દાનપેટીમાં કેટલાં રુપિયા આવ્યા એ જાણવાની ઇચ્છા દરેકને હોય છે. સોનું, ચાંદી અને રોકડ રકમ ઉપરાંત ચિઠ્ઠી નાંખીને લોકો લાલબાગના રાજાને તેમના મનની વાત કહે છે. ત્યારે આ વખતે પણ મંડળ દ્વારા લાલબાગના રાજાને મળેલ દાનની ગણતરી કરવામાં આવી હતી. આ દસ દિવસમાં લાલબાગના રાજાના ચરણોમાં પાંચ કરોડ 16 લાખ રુપિયા રોકડા દાનમાં આવ્યા છે. જ્યારે સાડા ત્રણ કિલો સોનું અને 64 કિલો ચાંદી પણ દાનમાં આવી છે.
લાલબાગના રાજાના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ વસ્તુઓની નિલામી થાય છે. લગભગ એક કિલો સોનાનો હાર, ચાંદીની ગદા, સોના ચાંદીના મોદક, ચાંદીનો મૂષક, ચાંદીનો નારિયેળ, ચાંદીની થાળી, પૂજાની સામગ્રી, ચાંદીની છત, ચાંદીનો કળશ, સોના ચાંદીનું નાણું, સોનાના ગુલાબનો હાર, ચાંદીનો દિવો, નાના મોટા ચાંદીના ગણપતિ, સીઝન ક્રિકેટ બેટ, સોનાનું પાણી ચઢાવેલ ચાંદીનો મુગટ વગેરે ભક્તો દ્વારા દાન આપવામાં આવ્યું છે.
ઉપરાંત આ વર્ષે ઇલેક્ટ્રિક બાઇક આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજાને એક ભક્તે ઇલેક્ટ્રિક બાઇક ભેટમાં આપી છે. લાલબાગના રાજાના ચરણે ભેટમાં આવેલ વસ્તઓ લેવા લોકોની ભીડ જામી હતી.