ઇન્ટરનેશનલમનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ગુડબાય, ડિયર ડાર્થ વેડાર !

એવું કંઈ નથી જેના માટે મને નિવૃત્તિની ઈચ્છા થાય માટે હું કદી નિવૃત્ત નહીં થાઉં: જેમ્સ અર્લ જોન્સ

શેક્સપિયરનું નાટક: ‘ઓથેલો’

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

અમુક વ્યક્તિ આ જગત છોડીને જાય ત્યારે એવું લાગે કે આપણા જીવનનો કેવડો મોટો હિસ્સો એમની સાથે જોડાયેલો હતો. એની વિદાય પછી આપણને સાંભરે કે કલાજગતમાં એમણે આપેલું યોગદાન આપણા જીવન સાથે કઈ રીતે સંકળાયેલું હતું. કલા કે સિનેમા પ્રત્યેના એમના અને આપણા પ્રેમનું મહત્ત્વ ત્યારે ગાઢ રીતે સમજાય….

જેમ્સ અર્લ જોન્સ એવું જ એક નામ. હજુ માંડ ચાર દિવસ પહેલાં ખૂબ લાંબું અને અચ્છુ આયુષ્ય ભોગવીને એ આ દુનિયા છોડી ગયા.

જેમ્સ અર્લ જોન્સ આમ તો હોલીવૂડના એક પ્રસિદ્ધ અભિનેતા, પરંતુ ભારતના અઠંગ સિનેચાહકો સિવાય સામાન્ય દર્શકોમાંથી બહુ જ ઓછા લોકો એમના વિશે પૂરતા માહિતગાર હશે. આમ છતાં એક કલાકારની જિંદગીમાં- ભાગ્યમાં લખાયું હોય તો એક યા બીજી રીતે એ લોકોના હૃદય સુધી પહોંચી જ જતા હોય છે.

જેમ્સને વૈશ્ર્વિક ખ્યાતિ એમના અભિનય માટે નહીં, પરંતુ અવાજ માટે મળી. અત્યંત પ્રખ્યાત અને સૌથી જૂની સાયન્સ ફિક્શન ફ્રેન્ચાઇઝમાંની એક એવી ‘સ્ટાર વોર્સ’ના પાત્ર ડાર્થ વેડારનો વિશ્ર્વભરના અસંખ્ય દર્શકોમાં લોકપ્રિય અવાજ એટલે જેમ્સ અર્લ જોન્સનો અવાજ. એવું જ એમનું બીજું પાત્ર એટલે ૧૯૯૪ની ડિઝની ફિલ્મ ‘લાયન કિંગ’નો મુફાસાનો અવાજ,જે એમની સિદ્ધિનું કારણ બન્યો. જોકે, એમની કારકિર્દી આટલા પૂરતી સીમિત નહોતી… ચાલો, આજે એક કલાકાર તરીકે એમના યાદગાર યોગદાન અને જીવનને યાદ કરી એમને સ્મરાંણજંલિ આપીએ.

૧૯૩૧માં મિસિસીપ્પીમાં એક્ટર, બોક્સર, બટલર અને શોફર પિતા રોબર્ટ અર્લ જોન્સ અને શિક્ષિકા માતા રૂથને ત્યાં જેમ્સનો જન્મ થયો .માતા-પિતા આફ્રિકન-અમેરિકન અને આઈરીશ મૂળના, પણ જેમ્સના જન્મ પછી પિતા એક્ટિંગ માટે ઘર છોડીને જતા રહ્યા હતા. એમનો ઉછેર મિશિગનના એક ખેતરમાં નાના-નાની દ્વારા થયો હતો. વજનદાર અને પ્રભાવી અવાજથી દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બનનાર જેમ્સનું બચપણ અવાજના જ કારણે સંઘર્ષમય બન્યું હતું . નાનપણમાં એમને સ્ટેમરીંગ એટલે કે અટકી અટકીને બોલવાની તકલીફ હતી. એના કારણે શાળામાં મોટાભાગે ચૂપ રહેવામાં જ માનતા. એમના ઈંગ્લિશ ટીચર ડોનાલ્ડ ક્રોચના ધ્યાનમાં જેમ્સની આ ચુપકીદી આવી. એ ઉપરાંત ડોનાલ્ડે જેમ્સની બીજી પણ એક ખાસ વાત નોંધી કે જેમ્સને કવિતામાં રસ છે. ટીચરે જેમ્સને કશું બોલ્યા વગર શાંત બેસી રહેવાના બદલે વધુ કવિતા લખવા અને પોતે લખેલી કવિતાને આખા વર્ગ સામે જોરથી સંભળાવવામાં પ્રવૃત્ત કર્યા. જે આગળ જતા ક્લાના માધ્યમ માટે પથદર્શક બની. કવિતા અને અભિનયમાં રહેલી જેમ્સની રુચિના કારણે એમની સ્ટેમરીંગની તકલીફ ઓછી થઈ અને પછી તો સાવ જ દૂર થઈ ગઈ. એમણે કોરિયા સાથેના યુદ્ધ સમયે આર્મીમાં પણ નોકરી કરી પછી એમને રિઝર્વ ઓફિસર્સના ટ્રેનિંગ કોર્સમાં નોકરી મળી..

યુદ્ધ પૂરું થયા પછી એમણે મિશિગન યુનિવર્સિટીમાંથી ૧૯૫૫માં ડ્રામામાં બેચલર ઓફ આર્ટ્સ ભણવાનું પૂરું કર્યું. અને એ પછી સ્ટેજ મેનેજર અને પછી અભિનેતા તરીકે સૌપ્રથમ વખત શેક્સપિયરના પાત્ર ઓથેલોના નાટકમાં મુખ્ય પાત્ર મેળવીને ૧૯૫૫માં જેમ્સની કારકિર્દીની શરૂઆત થઈ. એ જ સમયે પરિવારે ઘર ચલાવવા અને કામની શોધમાં સ્થળાંતર કરવું પડ્યું.

જેમ્સે એ વખતે ઘર છોડીને એક્ટિંગ કરવા માટે જતા રહેલા પોતાના પિતાને મળવા અને એમની સાથે કામ કરવા માટે ન્યૂયોર્ક જવાનો નિર્ણય કર્યો. આમ જન્મ પછી ૨૪ વર્ષે જેમ્સ પિતાને મળ્યા અને પિતા-પુત્રનો ખરો સંબંધ શરૂ થયો. ન્યૂયોર્ક આવ્યા પછી જેમ્સે અમેરિકન થિયેટર વિંગમાં અભ્યાસ શરૂ કર્યો, પણ નવા શહેરમાં નાટકની સફર શરૂ રાખવા માટે એમણે જેનિટ (દરવાન) તરીકે પણ કામ કર્યું. જેનિટર તરીકે કામ કરતા એ છોકરાને જોઈને કોઈને અંદાજ પણ નહીં હોય કે આ જ વ્યક્તિ એક દિવસ માત્ર બીજો બ્લેક અમેરિકન બનશે કે જેના નામ પરથી કોઈ થિયેટરનું નામ રાખવામાં આવશે. અને જે થિયેટરને ‘જેમ્સ અર્લ જોન્સ થિયેટર’ નામ આપવામાં આવ્યું એ જ કોર્ટ થિયેટરમાં ૧૯૫૮માં જેમ્સની બ્રોડવે કારકિર્દી ફ્રેન્કલિન રૂઝવેલ્ટ પર આધારિત ડોરી શેરી દિગ્દર્શિત ‘સનરાઈઝ એટ કેમ્પબેલો’ નાટક થકી શરૂ થઈ હતી. પછી તો જેમ્સની અભિનય પ્રતિભાના કારણે એમનું નામ ત્યાંના શેક્સપિયર ફેસ્ટિવલના સર્કિટમાં ચર્ચાવા લાગ્યું.

એમણે શેક્સપિયરનાં લખેલાં નાટકોમાં ધ ટેમ્પેસ્ટમાં કેલિબન, મેકબેથમાં મેકડફ અને ફરી એક વખત ઓથેલોનું પાત્ર ભજવ્યું. એ ૧૯૬૦ના દશકમાં શેક્સપિયરના એક્ટર્સમાં એમની ગણના થવા લાગી હતી. નાટકોમાં ઉજળી કારકિર્દીના લીધે ફિલ્મજગતની સફરની શરૂઆત પણ યાદગાર બની.

વિશ્ર્વ સિનેમાના ઇતિહાસમાં ટોચના દિગ્દર્શકમાં સામેલ એવા સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જલવ’માં પાત્ર મેળવીને જેમ્સની ફિલ્મ કરિયરની શરૂઆત થઈ .

જેમ્સ અર્લ જોન્સની નાટક ફિલ્મ્સમાં અભિનય અવાજની એમાંની જાદુગરી અને ભજવેલાળ યાદગાર પાત્રો ઉપરાંત એવોર્ડ્સની દુનિયામાં મળેલી એક અસાધારણ સિદ્ધિની વાત પણ એટલી જે રસપ્રદ છે એને પણ આપણે મમળાવીશું હવે પછી.

લાસ્ટ શોટ

‘હૃદયમાં શબ્દો હોય પણ તમે તેને બહાર ન લાવી શકો તેનાથી મુશ્કેલ ચીજ જિંદગીમાં બીજી કોઈ નથી.’

  • જેમ્સ અર્લ જોન્સ

Also Read –

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ