વડોદરા રાહત પેકેજ: લારીવાળાથી લઈને લાખોના ટર્નઓવર ધરાવનારને મળશે આટલી સહાય

વડોદરા: ગુજરાતમાં ઓગષ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદમાં વડોદરા ખૂબ જ પ્રભાવિત થયું હતું. વડોદરામાં પુરથી પાણીના ભરાવાના લીધે નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હવે અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાજ્ય સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરામાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને પુન:વસન માટે રાહત બચાવ પેકેજ વિશે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં વેપાર વાણિજન્ય સાથે સંકળાયેલા લોકોને ઝડપી પુનઃવસન કરાવવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કોને કેટલી મળશે સહાય:
વડોદરાના લારી-રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000ની, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20 હજારની, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને રૂ. 40 હજારની તેમજ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂ. 85 હજારની રોકડ સહાય ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…
રૂ. 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને રૂ. 20 લાખ સુધીનો લોન મળવા પાત્ર રહેશે. જ્યારે, રૂ. 5 લાખની મર્યાદામાં માત્ર 7 ટકાના વ્યાજ દરે ત્રણ વર્ષ માટે લોન મળશે.
અરજી કયા કરવાની રહેશે?
આ સહાય મેળવવા તા. 31 ઓક્ટોબર સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે સર્વે બાદ એસ.ડી.આર.એફ.ના નિયમો મુજબ રાહત જાહેર કરવામાં આવશે.