કેજરીવાલની જામીનનું ચિત્ર આવતીકાલે થશે સ્પષ્ટ: સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
નવી દિલ્હી: જેલવાસ ભોગવી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે. અરવિંદ કેજરીવાલે દારૂનીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન અને સીબીઆઇ દ્વારા ધરપકડ રદ કરવાની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા સીબીઆઇ ધરપકડને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. આ દરમિયાન દિલ્હીની એક અદાલતે બુધવારે આમ આદમી પાર્ટી નેતા દુર્ગેશ પાઠકને દારૂ નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપી દીધા છે.
આ પહેલા 5 ઓગષ્ટના રોજ કેજરીવાલની જામીન અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવતા ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું. જ્યારે હાઈકોર્ટે કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો, ત્યારે CBIએ દલીલ કરી હતી કે દિલ્હીના મુખ્યમંત્રી જામીન પર બહાર આવ્યા બાદ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા કેસની તપાસના સંદર્ભમાં તેને તિહારમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ કેસના સંદર્ભે જ અરવિંદ કેજરીવાલ જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં હતા ત્યારે સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલ સામેનો કેસ હવે સમાપ્ત થઈ ગયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ને બનાવવા સમયે કથિત અનિયમિતતાઓને કારણે દાખલ કરવામાં આવ્યો છે. જો કે આ કેસમાં આપના બીજા ઘણા નેતાઓની પણ તપાસ કરવામાં આવી હતી. આરોપ છે કે અરવિંદ કેજરીવાલ સહિત આપના બીજા નેતાઓએ લિકર પોલિસી ઘડતર સમયે લાંચને બદલે નીતિગત છૂટછાટો આપી છે. સીબીઆઈ અને ઈડી બંને આ કેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Haryana માં સુનિતા કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું પીએમ મોદી સામે નહિ ઝૂકે અરવિંદ કેજરીવાલ…
કેજરીવાલની આ મામલામાં 21 માર્ચના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને ED કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.જ્યારે આ કેસ સંદર્ભે 5 સપ્ટેમ્બરે સુનાવણી કરવામાં આવી ત્યારે સીબીઆઈએ દલીલ કરી હતી કે કેજરીવાલે સીધા દિલ્હી હાઈકોર્ટમાં જવાને બદલે પહેલા ટ્રાયલ કોર્ટમાં અરજી કરવી જોઈએ. સીબીઆઈએ એવી પણ દલીલ કરી હતી કે જો કેજરીવાલને વચગાળાના જામીન પર છોડવામાં આવે છે, તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસને અવરોધી શકે છે.