વડા પ્રધાન આજે મધ્ય પ્રદેશ – રાજસ્થાનની મુલાકાતે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે.
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર મોદી રાજસ્થાનમાં આશરે ૭૦૦૦ કરોડ અને મધ્ય પ્રદેશમાં આશરે ૧૯,૨૬૦ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
રાજસ્થાનમાં ચિત્તોડગઢની મુલાકાત દરમિયાન, તેઓ ગેસ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના બીજા ચરણમાં રૂ. ૪૫૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી મહેસાણા-ભટિંડા-ગુરદાસપુર ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે. વડા પ્રધાન આબુ રોડમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)ના એલપીજી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ વાર્ષિક ૮૬ લાખ સિલિન્ડરોની બોટલ અને વિતરણ કરશે. અન્ય પ્રોજેક્ટસમાં તેઓ દરહ-ઝાલાવાડ-તીનધર સેક્શન પર એનએચ-૧૨(નવા એનએચ-૫૨) પર ચાર-માર્ગીય રોડને ખુલ્લો મુકશે. જેનું નિર્માણ રૂ. ૧,૪૮૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. સવાઇ માધોપુરમાં રેલ્વે ઓવરબ્રિજને બે લેનથી ચાર
લેન બનાવવા અને પહોળો કરવા માટેનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. મોદી અનેક રેલ્વે પ્રોજેક્ટ, પ્રવાસન સુવિધાઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, કોટાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.
તેમજ મધ્ય પ્રદેશની મુલાકાત દરમિયાન ગ્વાલિયરમાં આશરે ૧૧,૮૯૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. તેમજ ૧,૮૮૦ કરોડથી વધુની કિંમતના પાંચ અલગ-અલગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બનેલા ૨.૨ લાખથી વધુ ઘરોના ગૃહ પ્રવેશ કાર્યક્રમની શરૂઆત કરશે. તેમજ ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન હેઠળ બાંધવામાં આવેલા ઘરોનું ઉદ્ઘાટન પણ કરશે. તેમજ ગ્વાલિયર અને શિઓપુર જિલ્લામાં ૧,૫૩૦ કરોડથી વધુની કિંમતના જળ જીવન મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેનાથી ૭૨૦થી વધુ ગામોને ફાયદો થશે. મોદી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ ૯ આરોગ્ય કેન્દ્રોનો શિલાન્યાસ પણ કરશે અને બીજા અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. નોંધનીય છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.