પૅરાલિમ્પિક્સના મેડલ વિજેતા ઍથ્લીટો સાથે પીએમ મોદી મજાકમસ્તીના મૂડમાં…
નવી દિલ્હી: દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચીને સ્વદેશ પાછા આવેલા ભારતીય ઍથ્લીટ્સ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા જેનો રસપ્રદ વીડિયો બહાર આવ્યો છે. પીએમ મોદી ગયા મહિને પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટ્સને મળ્યા પછી હવે દિવ્યાંગ ઍથ્લીટ્સ સાથે પણ મજાકના મૂડમાં હતા અને તેમની સાથે હળવી પળો માણવા ઉપરાંત તેમની તેમ જ તેમના કોચની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીયો સાત ગોલ્ડ, નવ સિલ્વર અને તેર બ્રૉન્ઝ મેડલ સહિત કુલ 29 મેડલ જીત્યા હતા અને પૅરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારતનો આ નવો વિક્રમ છે.
2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભારત 19 મેડલ જીત્યું હતું અને 24મા સ્થાને રહ્યું હતું, પરંતુ આ વખતે ભારત વધુ 10 મેડલ જીત્યું અને 18મા નંબર પર રહ્યું.
ખરી વાત એ છે કે આ વખતે ભારતે કુલ પચીસ મેડલ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું અને એ લક્ષ્ય પાર કરવાની સાથે કુલ 29 મેડલ સાથે ભારતીય સંઘ ફ્રાન્સથી પાછો આવ્યો છે.
ગુરુવારે મોદી સાથેની મુલાકાત દરમ્યાન ખેલકૂદ પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા અને ભારતીય પૅરાલિમ્પિક કમિટીના ચીફ દેવેન્દ્ર ઝાઝરિયા પણ હતા.
જુડોમાં ભારતને પૅરાલિમ્પિક્સનો પહેલો જ ચંદ્રક અપાવનાર બ્રૉન્ઝ-મેડલિસ્ટ કપિલ પરમારે પીએમ મોદીને મોમેન્ટો ગિફ્ટ આપ્યો હતો. મોદીએ પરમારને ઑટોગ્રાફ આપ્યો હતો. સતત બીજો પૅરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અવનિ લેખરાએ મોદીને પોતાના સ્પેશિયલ ગ્લવ્ઝ તથા જર્સી ભેટ આપ્યા હતા અને મોદીએ તેને ધન્યવાદ વ્યક્ત કરતો સંદેશ લેખિતમાં આપ્યો હતો. મોદીએ અવનિના માથા પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા હતા.
આ પણ વાંચો : ભારતે મેડલના નવા રેકૉર્ડ સાથે પૅરાલિમ્પિક્સ પૂરી કરી, જાણો કોણ કયો ચંદ્રક જીત્યું…
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આ મુલાકાતનો 43 સેકન્ડનો વીડિયો તૈયાર કર્યો છે જે વાઇરલ થયો છે. એમાં પીએમ મોદીએ મેડલ વિજેતાઓને અભિનંદન આપ્યા એ સહિતની યાદગાર પળો આ વીડિયોમાં સામેલ છે.
રમતગમત ખાતાના પ્રધાન ડૉ. માંડવિયાએ સરકાર તરફથી દરેક ગોલ્ડ મેડલ વિજેતાને 75 લાખ રૂપિયાનું, દરેક સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ રૂપિયાનું અને દરેક બ્રૉન્ઝ મેડલ વિજેતાને 30 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું છે.