‘સ્વચ્છ અને સ્વસ્થ’ ભારતનું નિર્માણ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે: મોદી
સ્વચ્છતા કાર્યક્રમ: ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ રવિવારે (શ્રમદાન) કરવાના ખાસ સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રેસલર અંકિત બૈયનપુરિયા સાથે ચોગાન સાફ કરવા હાથમાં ઝાડુ પકડ્યું હતું. (પીટીઆઈ)
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ‘સ્વચ્છ અને સ્વસ્થ’ ભારતનું નિર્માણ જ મહાત્મા ગાંધીજીને સાચી ‘સ્વચ્છાંજલિ’ છે.
દેશભરમાં પહેલી ઑક્ટોબરે લાખો લોકોએ એક કલાકના સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. મોદીએ ફિટનેસ ટ્રેનર અંકિત બૈયનપુરિયાની સાથે મળીને સાવરણીથી સફાઇ કરી હતી.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં
‘સ્વચ્છતા અભિયાન’માં જોડાયા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સીતાપુરમાં, ભાજપના વડા જે. પી. નડ્ડાએ દિલ્હીના ઝંડેવાલાં વિસ્તારમાં, હવાઇ દળના વડા ઍર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ નવી દિલ્હીમાં સ્વચ્છતાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
કેન્દ્રના રહેઠાણ અને શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં અંદાજે ૯.૨૦ લાખ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.
ક્રિકેટરો – વિરાટ કોહલી અને રોહિત શર્માએ લોકોને ‘એક તારીખ, એક કલાક, એક સાથે’નું સૂત્ર આપીને જનતાને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
તેલંગણામાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં મંદિરોમાં ખાસ સાફસફાઇ કરાઇ હતી.
મહારાષ્ટ્ર અને અન્ય અનેક રાજ્યમાં દરિયાકિનારે, ધાર્મિક સ્થળે, શાળાઓ, કૉલેજો અને જળાશયોમાં ‘સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાઇ હતી. સ્વયંસેવી સંસ્થાઓ, વેપારીઓ પણ એક કલાકના શ્રમદાનમાં જોડાયા હતા.
દેશમાં ૨૨,૦૦૦થી વધુ બજાર, ૧૦,૦૦૦ જેટલા જળાશય, અંદાજે ૭,૦૦૦ બસ સ્ટેન્ડ અને ટૉલ પ્લાઝા, ૧,૦૦૦ જેટલી ગૌશાળા, આશરે ૩૦૦ પ્રાણીબાગ અને વનવિસ્તારમાં સફાઇ કરાઇ હતી. (એજન્સી)