“રાહુલ ગાંધી તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે”, ભાજપના આ નેતાએ ખુલ્લેઆમ આપી ધમકી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુએસ પ્રવાસ (Rahul Gandhi in USA) દરમિયાન આપેલા વિવિધ નિવેદનો બાબતે વિવાદ ઉભો થયો છે. ખાસ કરીને શીખ સમુદાય અંગે કરેલી ટીપ્પણી અંગે ભારે હોબાળો મચ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શીખોને ધાર્મિક સ્વતંત્રતા છીનવાઈ રહી છે. ભાજપના શીખ નેતાઓએ દિલ્હી(Delhi BJP)માં રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. દરમિયાન એક ભાજપને નેતાએ રાહુલ ગાંધીએને ધમકી આપી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
કોંગ્રેસે ભાજપના નેતા અને પૂર્વ વિધાનસભ્ય તરવિંદર સિંહ મારવાહ(Tarvinder Singh Marwah)નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ રાહુલ ગાંધીના હાલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી જેવા કરવાની ધમકી આપી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના ‘X’ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે. કોંગ્રેસે લખ્યું, “દિલ્હી બીજેપીના નેતા અને પૂર્વ વિધાનસભ્ય, તરવિંદર સિંહ મારવાહએ આજે વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધી, અટકી જાઓ, નહીં તો ભવિષ્યમાં તમારા પણ એવા જ હાલ થશે જેવા તમારી દાદીના થયા હતા. ભાજપના આ નેતા ખુલ્લેઆમ દેશના વિરોધ પક્ષના નેતાને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, તમારી પાર્ટીના આ નેતાની ધમકી પર તમે ચૂપ ન રહો, આ બહુ ગંભીર બાબત છે. આ તમારા પક્ષની નફરતની ફેક્ટરીની ઉપજ છે. આમના પર કાર્યવાહી થવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને કડા પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ માત્ર શીખોની જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની ચિંતા.”
ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કરેલા ખાલીસ્તાન અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુનએ પણ રાહુલ ગાંધીની ટીપ્પણીને સમર્થન આપ્યું હતું. જેના બાદ વિવાદ વધુ વકર્યો હતો.
નોંધનીય છે કે, તરવિંદર સિંહ મારવાહ બે વર્ષ પહેલા સુધી કોંગ્રેસમાં હતા. જુલાઈ 2022માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.