અમેરિકામાં શટડાઉન કામચલાઉ ટળ્યું
૧૭ નવેમ્બર સુધીનું ભંડોળ ફાળવાયું
વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ જૉ બાઇડને શનિવારે મોડી રાતે કામચલાઉ ફંડિંગ બિલ પર સહી કરીને સરકારી કર્મચારીઓનું શટડાઉન અંદાજે ૪૫ દિવસ માટે ટાળ્યું હતું.
કૉંગ્રેસે યુક્રેનને આપવા માટેની આર્થિક સહાય રોકીને ‘ફેડરલ ડિઝાસ્ટર આસિસ્ટન્સ’માં ૧૬ અબજ ડૉલરનો વધારો કર્યો હતો. ફંડિંગ બિલને મંજૂરી મળતા ૧૭ નવેમ્બર સુધી સરકારને કર્મચારીઓના પગાર સહિત અન્ય કેટલાક ખર્ચ માટે જરૂરી ભંડોળ મળી રહેશે.
હાઉસે (પ્રતિનિધિ સભાએ) ૩૩૫ વિરુદ્ધ ૯૧ મતથી આ ખરડો પસાર કર્યો હતો, જ્યારે સેનેટમાં આ ખરડો ૮૮ વિરુદ્ધ ૯ મતથી પસાર થયો હતો.
અગાઉ, સ્પીકર કેવિન મેકકેર્થીએ ખર્ચમાં કાપ મૂકવાની માગણી પડતી મૂકી હતી અને ડેમોક્રેટિક મતના આધારે ખરડો પસાર કરવામાં સફળતા મળી હતી. જો આ ખરડો પસાર ન થાત તો સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવામાં મુશ્કેલી ઊભી થઇ હોત, ‘ફૂડ બિલ’ આપવું અશક્ય બનત, વિમાનમથક સહિત અનેક સ્થળે સરકારી કર્મચારીઓનું કામ લગભગ ઠપ થઇ જાત. હાઉસમાં ન્યૂ યોર્કના ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીસે ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમેરિકાના લોકો વધુ સારી સ્થિતિમાં રહેવાના હકદાર છે. રિપબ્લિક્ધસ દેશને શટડાઉન ભણી ધકેલી રહ્યા છે.
રિપબ્લિક્ધસની હાઉસમાં ૨૨૧-૨૧૨ની બહુમતી છે, જ્યારે બે બેઠક ખાલી પડેલી છે અને તેથી આ ખરડો પસાર કરાવવા માટે ડેમોક્રેટ્સના મત પર ઘણો આધાર હતો.
અગાઉ, પ્રમુખ જૉ બાઇડને શટડાઉનની ઊભી થયેલી પરિસ્થિતિ માટે દોષનો ટોપલો વિપક્ષના નેતાઓ પર ઢોળ્યો હતો. (એજન્સી)