લાડકીસ્પેશિયલ ફિચર્સ

‘શ્રીયા એક મિનિટ, મારા માટે ઊભી રે..’

હજુ તો ઘરથી સહેજ આગળ સ્કૂટર પાર્કિગ સુધી પહોંચી હતી ત્યાં શ્રીયાના કાને મમ્મીની લાંબી ચીસ સંભળાય.

‘અરે, યાર શું છે?’ એમ બોલતી શ્રીયા સખ્ત અણગમો લીંપેલા ચહેરા સાથે મને-કમને પાછી ફરી. સામે સંધ્યા હાથમા પર્સ પકડતી જાણે ખૂબ ઉતાવળમાં હોય એમ એની તરફ ઝપાટાભેર ચાલી આવતી હતી. શ્રીયા અવઢવમાં મુકાય ગઈ: આકરા તાપમાં ભરબપોરે મારે તો ક્લાસમાં ગયા વગર છૂટકો નથી, પણ આને ક્યાં જવું હશે?

સંધ્યા નજીક આવતા શ્રીયાએ છણકો કર્યો:

‘શું છે? મારે મોડું થાય છે.’

હા, મને પણ મોડું જ થાય છે. પ્રશ્ર્નો પૂછવાને બદલે હવે ચાલ, ફટાફટ.’ સંધ્યાએ પણ વળતો જવાબ અણગમાથી આપ્યો.

પણ તારે જવું છે ક્યાં? શ્રીયાએ જો મુસીબત ટળતી હોય તો સારું એમ માની ફરી પૂછ્યું.

‘મારે..મારે થોડું કામ છે.’ જવાબ આપતા સંધ્યા થોડી અચકાઈ પણ અટકાય નહીં.

અત્યારે? શ્રીયાને માન્યામાં ના આવતું હોય એમ એ મમ્મી સામે મોઢું વકાસી રહી, પણ સંધ્યા તો જાણે કંઈ જાણતી જ ના હોય એમ વળતો જવાબ આપ્યા વગર એની પાછળ ધબ્બ દઈને ગોઠવાય ગઈ. હવે શ્રીયાએ નાછૂટકે સેલ્ફ મારવો રહ્યો. રસ્તામાં શ્રીયાની નજર માત્ર ડ્રાયવિંગ પર હતી, પણ સંધ્યા ચોતરફ નજર ફેરવી રહી હતી. એને માથે ટીનએજર દીકરીની જાસૂસી કરવાનું ભૂત સવાર થઇ ગયેલું.

ટીનએજમાં પ્રવેશી રહેલી દીકરી હવે સંધ્યાને પોતાની દરેક વાત કહેતી નહોતી. એને પોતાની પ્રાઈવસી વ્હાલી હતી. મમ્મી-પપ્પા કરતાં મિત્રો સાથે બહાર જવાનું વધુ ગમતું. એકલી રહેવાનું એ વધારે પસંદ કરતી. થોડી શંકાશીલ સ્વભાવની સંધ્યા માટે આ બધી અલાર્મિંગ સાઈન-ચેતવણીની જાણે નિશાની હતી એવું માની બેસવાની કે શ્રીયાને કોઈ છોકરો ગમે છે અને એની સાથે શ્રીયા દોસ્તથી વિશેષ કોઈ સંબંધ ધરાવે છે.

શ્રીયાનું એક સામાન્ય ટીનએજર તરીકેનું વર્તન અણસમજુ એવી સંધ્યાના માનસપટ પર હાનિકારક નીવડી રહ્યું હતું.

સંધ્યાએ ધારી લીધેલું કે દીકરી કોઈ સાથે પ્રેમસંબંધમાં છે. અને પોતે માતા તરીકે નિષ્ફળ રહી છે. સંધ્યાએ પોતાના દિમાગને શાતા આપવા અન્યો સાથે વળી એની વાત પણ કરી. ઘરમાં તેમજ બહાર એને એવા લોકો મળી ગયા, જેમણે સંધ્યાના આ વિચારોને પુષ્ટિ આપી. આથી હવે ‘જાગ્યા ત્યારથી સવાર’ એમ વિચારી સંધ્યાએ શ્રીયાને એક મિનિટ પણ રેઢી મુકવાનું બંધ કરી દીધું હતું. સંધ્યાનું મન સતત શ્રીયાની આસપાસ ચોંટેલું રહેતું. તે ક્યાં જાય છે, કોની સાથે બોલે છે, કોની સામું જુએ છે, કોના ફોન વધુ આવે છે અને ક્યાં મેસેજ વધુ થાય છે. ચોવીસે કલાક એ શ્રીયાનું પગલે-પગલું દાબતી ફરતી.

બીજી તરફ્, શ્રીયા માટે આ બધું દિવસેને દિવસે અસહ્ય બનતું જતું હતું. એમાં આજે જ્યારે એ એના ટયુશન ક્લાસ સુધી સાથે આવી એ જોઈ અંતે શ્રીયા રસ્તા પર જ મમ્મી પર ઊંચા અવાજે બરાડી ઊઠી. મા-દીકરી વચ્ચે જાહેરમાં વાક્યુદ્ધ છેડાય ગયું.

અંતે તું મને ક્યારેય નહીં સમજી શકે’ એવું બોલી શ્રીયા પગ પછાડતી ત્યાંથી ચાલી નીકળી. પાછળ સંધ્યા ગુસ્સા અને અપમાનથી સમસમી રહી.

કાચી ઉંમરે તરુણોમાં આવતા બદલાવોને જો મા પણ ના સમજી શકે તો તરુણો જાય ક્યાં? દીકરીને ડરમાં રાખી સંધ્યા ખુદ સતત ડરમાં જીવવાને બદલે દીકરી શ્રીયાને એ રીતે સમજાવી શકે કે, તારા જીવનનાં આ વર્ષો દરમિયાન તું તારું લક્ષ્ય સાધવા મહેનત કર. આગળની જિંદગીને કઈ દિશામાં વાળવા માગે છે એ અત્યારે નક્કી કરી લે….. એ જે રીતે, અમુક એવી સારી આદતોને પણ ઉમેરી શકાય જેના કારણે એનું ધ્યાન અન્ય દિશા તરફ ના ફ્ંટાય….

તરુણોને ઘરમાં પ્રેમ કે લાગણીનો અભાવ લાગવા માંડે લાગે તો એ વધુ પડતો સમય સોશ્યલ મીડિયા કે વર્ચ્યુઅલ દુનિયામાં પસાર કરવા તરફ વળી જતા હોય છે. શ્રીયા માફક કોઈ એના પર ધ્યાન નથી આપતું એવી ભાવનાથી પણ પીડાવા લાગે છે. ટીનએજ એક એવો ઉંમરગાળો છે જેમાં જે વાત માટે એને ના પાડવામાં આવે, મનાઈ ફરમાવવામાં આવે એ તરફ એ ગજબ ખેંચાણ અનુભવે માટે કોઈ વાતની સીધી મનાઈ કરવાને બદલે સમજણ આપવાનો પ્રયત્ન કરવો એ વધુ હિતપ્રેરક છે. જો પરપોટા જેવી લાગણીઓ કુદરતી રીતે ફૂટી જાય તો એના ડાઘ રહી નથી જતા. એ સમજ કેળવવા એમનામાં અંદર Analytical એટલે કે કોઈ પણ વાતનું વિશ્લેષણ કરવાની સમજ ઉગાડવી બહુ જરૂરી છે. સંધ્યાની ખુદની અંદર આ સમજણનો અભાવ હતો એટલે એ શ્રીયાને ક્યાંથી ખરી સમજ આપી શકે? માની આવી અણઆવડતનો ભોગ શ્રીયા સતત બની રહી હતી.

ખરેખર તો શ્રીયા સાથે આ ઉંમરે પોતે શું અનુભવતી એવી વાતો વહેંચી શકાય. કોઈ વાર્તા માફક રસપૂર્વક પોતાની તરુણાવસ્થાના કિસ્સા સંભળાવી વચ્ચે શીખામણના બે શબ્દો ઉમેરતા જવાથી તરુણોના મનમાં તુરંતજ એ ઊતરી જશે. જોકે, આવી વાતો કરતાં એ ખાસ યાદ રાખવું કે ઓપોઝિટ જેન્ડર પરત્વે સાવ નેગેટિવ લાગણી એમના મનમાં ઉદ્ભવે નહીં. એક સલામત અંતર જાળવીને પણ સંબંધ કઈ રીતે સાચવી શકાય એ આ ઉંમરે સમજી જનાર હેલ્ધી એડોલેસન્ટ-માં તરુણાવસ્થામાં પ્રવેશી શકે છે.

ખેર, સંધ્યા હવે આ સમજણ કેળવી શ્રીયાનો સાચો ઉછેર કરી શકે કે નહીં એ આપણે નથી જાણતા, પણ આપણે આવી ભૂલો ના કરીએ એનું ધ્યાન રાખવું જરૂરી છે.

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…