ટોપ ન્યૂઝનેશનલ

સિનીયર સિટીઝન્સને મોદી સરકારની ભેટ, 70 વર્ષથી વધુ ઉંમરના દરેકને આ યોજનનો લાભ મળશે

નવી દિલ્હી: મોદી સરકારે 70 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન્સ(Senior Citizens)ને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat scheme) હેઠળ 5 લાખ રૂપિયાની મફત સારવારની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને તેમની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

ગઈકાલે મળેલી કેબિનેટની બેઠક બાદ આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashvini Vaishnav) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ કવરેજ આપવામાં આવશે. એટલે કે, આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના(AB PMJAY) હેઠળ ન આવતાં પરિવારોમાં હાજર 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. એક નવી શ્રેણી બનાવવામાં આવશે જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 6 કરોડ વરિષ્ઠ નાગરિકો સહિત લગભગ 4.5 કરોડ પરિવારોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ એક મોટો નિર્ણય છે. વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે અને તેનાથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારોને આવરી લેવામાં આવશે. 6 કરોડ લોકોને ફાયદો થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, “અમે દરેક ભારતીય માટે સુલભ, સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો કે જેઓ પહેલાથી જ અન્ય જાહેર આરોગ્ય વીમા યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે, જેમ કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS), એક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ (ECHS), અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF), તેઓ તેમની હાલની યોજનામાંથી કોઈ એક પસંદ કરી શકે છે. અથવા AB PMJAY ને પસંદ કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button