સ્પેશિયલ ફિચર્સ

નિવૃત્તિની આ તે કેવી પ્રવૃત્તિ…?!

લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી
વાતે વાતે ડૉક્ટરને બોલાવવા કે હૉસ્પિટલમાં દાખલ થવાનું સહેલું થોડું છે? તમારે તો નિવૃત્તિ પછી બસ, એક જ કામ બાકી રહ્યું છે અને તે માંદા પડવાનું! ’ રમીલાબહેનની વાતે ગુસ્સે થઈને મહેશભાઈ બોલ્યા: માંદા થવાનો શું હું ઢોંગ કરું છું? મને ખાટલે પડવાનો શોખ થયો છે?

(ઢોંગ નહીં તો શું! હમણાં ભજિયાં તળવાની સુગંધ આવે તો તરત ખાટલામાં બેઠા થઈને પૂછશે, રસોડામાં ભજિયાં બને છે કે શું? માંદગી ત્યારે ક્યાં જતી રહે છે?)

તમે જ જરા શાંતિથી વિચારજો. પેન્શનના અડધા પૈસા માંદગીમાં પૂરા થાય છે એમાં મહિનાનું બજેટ હલી જાય છે. એમાંય વળી એક ડોક્ટરનો ઓપિનિયન તો તમને ચાલે નહીં એટલે પેલાં ડોક્ટર કોમલને તો બીજા ઓપિનિયન માટે બોલાવવાં જ પડે! ’

કેમ? તને એની જલન થાય છે?

જલન નહીં, બજેટની ફિકર થાય છે. એક ડૉક્ટરની દવા બે દિવસ ખાધી ન ખાધી, તરત બીજા ડોક્ટરની દવા… બીજા ટેસ્ટ… ત્રીજા ટેસ્ટ… અને અંતે ભજિયાં ખાઈને સારા થઈ જાવ છો. મને તો લાગે છે કે સારું સારું ખાવા જ તમે માંદા પડો છો. જીભના ચટાકા ઓછા થતા નથી. એટલે સાજા પણ ક્યાંથી થવાય? હજી ગઈકાલે જ તમને પેટમાં દુખતું હતું. એ વાત તમે મને કરી, એ પહેલાં આખા ગામને ફોન કરીને કહી. આખા ગામના નિવૃત્ત મહાશયો તરત જ વારાફરતી ખબર લેવા આવ્યા. તમે ડાયરો ભરીને, નિરાંતે અઢેલીને તમારા પેટમાં કેમ, ક્યાં, કઈ રીતે દુ:ખે છે અને છેલ્લા બે દિવસમાં તમે શું શું ખાધું, એમાં તમને કઈ કઈ વાનગીએ કેટલી હાનિ પહોંચાડી અને કઈ કઈ દવાઓ પીધી એનો લંબાણપૂર્વકનો ચિતાર રજૂ કર્યો. વચ્ચે ચારથી પાંચ વાર ખબર લેવા આવનાર માટે ચા-નાસ્તાની ફરમાઈશ કરી. એ નાસ્તા પાછા મિત્રોએ આરોગ્યા એના કરતાં તમે વધારે મોટા બુકડા મારી પૂરા કર્યા, કારણ કે ડિશમાં જે વધે તે પેટમાં દુ:ખે તો પણ, ફેંકવાનું કે પાછું રસોડામાં મોકલવાનું તો તમને પાલવે એમ જ ક્યાં છે? ’

બસ, બસ, હવે. ક્યારની મારી બુરાઈ કરે છે! હજી કંઈ બાકી હોય તો એ પણ બોલી નાખ. હું કંઈ માંદા પડવાનો ઢોંગ નથી કરતો. સમજી?

(હું ક્યાં નથી જાણતી, તમારી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ કેવી છે તે!)

જ્યારે અમારે શાંતિથી જમવાનો સમય થયો ત્યારે તમે ઓ… મા… રે…

ઓ… મારે…નો આર્તનાદ ચાલુ કર્યો. તમારી માતા સ્વર્ગમાં બેસીને દુ:ખી થાય તે પહેલાં તમે ડોક્ટર કોમલને વિઝિટે આવવા માટે ફોન જોડી દીધો. ડૉકટર આવ્યા ને તમે આર્તનાદ વધુ ઉગ્ર બનાવ્યો. ડૉક્ટર કોમલે તપાસવાનું શરૂ કર્યું. પણ તમે ડોક્ટરને વચમાં જ રોકીને શું ખાશો? શું પીશો? ના, ના, કંઈક તો લેવું જ પડશે ’ (જાણે વેવણ પહેલીવાર ઘરે ન આવી હોય, તેમ!) એ ના કહેતાં રહ્યાં અને તમે જુદી જુદી ઑફર કરતા જ રહ્યા. આખરે મારે વચમાં બોલવું જ પડ્યું કે પહેલાં ડોક્ટરને તપાસવા તો દો. (પછી હું બેઠી છું. એમને સીધા જમાડીને જ મોકલીશ.)

નહીં, નહીં… અહીંયા નહીં, અહીંયા… એમ બોલી બોલી તમે આખા પેટ ઉપર એમનો હાથ કાર્યરત રાખ્યો. સવારે મિત્રોને જે વિસ્તારપૂર્વક વૃતાંત કર્યો હતો તે રિપીટ કર્યો. (ડૉક્ટરે કંટાળીને બગાસું ખાધું.) મેં ફરી તમને વચમાં જ કાપ્યા…’

ડોક્ટર, તમે દવા લખી આપો. અમે હમણાં મંગાવીને શરૂ કરી દઈશું એટલે સારું થઈ જશે.’ ડૉક્ટરે ગંભીર થઈ કહ્યું: દવાથી આ દુ:ખાવો માટે એમ લાગતો નથી’ અને તમે વચમાં કૂદી પડ્યા: તો એક કામ થઈ શકે. હું તમારી હૉસ્પિટલમાં દાખલ થઈ જાઉં તો કેવું?’

હા, હું પણ એમ જ કહેવાની હતી કે તમે એક બે દિવસ દાખલ થઈ જાવ, તો પેટના એક્સ-રે તેમજ બીજા બધા ચાર-પાંચ નાના મોટા ટેસ્ટ તેમજ બ્લડ, યુરિન વગેરે પણ ચેક કરાવી લઉં તો મને સારવાર કરવાની સમજ પડે અને એ પ્રમાણે ટ્રિટમેન્ટ શરૂ થઈ જાય.

ડોક્ટરે સવારે દાખલ થવાનું કહ્યું. એમને તો સવારે તમને હોસ્પિટલમાં દાખલ કરી જાતજાતના રિપોર્ટ, જાતજાતનાં ચેકિંગ, જાતજાતની લેબોરેટરી ભેગાં કરીને, છેલ્લે દસ બાર દવા અને વિટામિન્સ લખીને મોટું બિલ થમાવવું હતું.’

રમીલા, મેં તારા જેવી બળેલી અને ગંદી વિચારસરણીવાળી સ્ત્રી બીજી કોઈ જોઈ નથી. તું કદી ઇચ્છતી જ નથી કે હું ચેકઅપ કરાવીને સંપૂર્ણ રોગમુક્ત થાઉં.

ડોક્ટર કોમલે તો દવામાં તમને લાલ, પીળી પિપરમીટ જેવી ગોળી થમાવીને, સવારે વહેલા દાખલ થવાનું કહી ચાલતી પકડી. તમે તો એમને બહારના ગેટ સુધી બાય બાય… ટાટા… કરવા ગયા. (ત્યારે પેટમાં દુ:ખવાનું ક્યાં ગયું હતું?)

મેં ફોન ઘુમાવ્યો અને સામે રહેતી મિત્ર, કે જે ડોક્ટર કોમલને ત્યાં નર્સ છે. મેં એને ડોક્ટર કોમલનો બાયોડેટા પૂછ્યો. તો એણે મને એનો તેમજ એમના સંયુક્ત વેપારમાં જોડાયેલા ડોક્ટરોનો બાયોડેટા પણ કહ્યો. તમે તો એ દરમિયાન સવારે જાણે ફિલ્મમાં ઍક્ટિંગ કરવા જવાના હોય એમ કપડાંની બેગ ભરીને તૈયાર હતા. મને આવેલી જોઈને ફરી ઓ… મા… રે…! અને મેં તમને ઘરે બનાવેલી દેશી ફાકી ગરમ પાણી સાથે પીવડાવી. પેટનો દુ:ખાવો રાત્રે જ મટી ગયો અને રાત્રે ભરપૂર નસકોરાં બોલાવ્યાં. મેં તમારી બેગનાં કપડાં કાઢીને કબાટમાં ઠેકાણે પાડ્યાં (જેથી મારું બજેટ હલી ન જાય.)

હજુ કંઈ તારે કહેવું છે રમીલા? ’ તમે સવારે પૂછ્યું.

હા. તમે કહો તો ડોક્ટર કોમલનો બાયોડેટા અને એની હોસ્પિટલમાં માત્ર બે દિવસ રહીને આવેલા પડોશીનું વીસ હજારનું બિલ બતાવું અથવા એમને બોલાવું. હવે તમારે હોસ્પિટલ જવું હોય તો તમે એકલા જઈ શકો છો… અને હું પણ નિવૃત્તિ જાહેર કરીને મારે પિયર…! મને પણ હવે ઓ…મા… રે…’ કરતાં આવડી ગયું છે. મહેશ, તમે નિવૃત્ત, તો હું પણ નિવૃત્ત કેમ નહીં?!’

Show More

Related Articles

Back to top button
યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ…