અંધેરીથી દહીસર સુધીમાં આવેલા નાળાઓની ભીંતોનું થશે સમારકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પશ્ર્ચિમ)થી દહીસર સુધીમાં નાળાઓને લાગીને આવેલી ભીંત તૂટી પડવાનું પ્રમાણ વધી ગયું છે. તેથી આ દુર્ઘટનાઓને ટાળવા માટે તમામ ભીંતોનું સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવેલા નાળાઓના સમારકામની સાથે જ ભીંતના સમારકામ પાછળ લગભગ ૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. પશ્ર્ચિમ ઉપનગરમાં ગોરેગાંવ, મલાડ, અંધેરી (પશ્ર્ચિમ) ગીચ વસતી ધરાવતો વિસ્તાર છે અને અહીં નાના-મોટા નાળા તેમ જ જુદા જુદા રસ્તાને લાગીને વરસાદી પાણીનો નિકાલ કરનારા નાળાઓનો પણ સમાવેશ થાય છે. કાંદિવલી, બોરીવલી અને દહીસર
જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નાના-મોટા નાળા આવે છે, જેમાં મુખ્યત્વે રાજેન્દ્ર નગર, મ્હાત્રે નાળું, મધુપાર્ક નાળું, ચંદાવરકર નાળું, કૉસમૉસ નાળું, પંચોલિયા નાળું, સહ્યયાદ્રી નગર નાળું, અખિલ
નાળું, ગોરાઈ વિલેજ નાળું, કુંભારકાલા નાળું, કોરાકેન્દ્ર નાળું, એફસીઆઈ ગોડાઉન નાળું, કમલા નહેરુ નાળું, જોગળેકર નાળું, સમર્થવાડી નાળું, વી.એચ. દેસાઈ નાળું, અવધુત નાળું, ગોબર નાળું, કોંકણીપાડા નાળું, ધસકવાડી નાળું, યાદવ નગર નાળું વગેરે વહે છે.
આ તમામ નાળાઓના અમુક ભાગમાં રહેલી સૅફટી વૉલ એ મોટા પથ્થરથી બનેલી છે. વરસાદમાં પથ્થરોથી બનેલી આવી દીવાલ તૂટી પડવાના બનાવ વધી જતા હોય છે. તેથી તૂટી પડવાની શકયતા વધુ એવી ભીંતોના સમારકામ આવશ્યક થઈ ગયા છે. તેથી અંધેરી (પશ્ર્ચિમ)થી દહીસર સુધીમાં આવેલા નાળાઓની તૂટી પડેલી સૅફટી વૉલનું બાંધકામ તેમ જ જુદા જુદા ઠેકાણે આવેલા નાળા તથા વરસાદી પાણીનું વહન કરનારી પાઈપલાઈન વગેરેના સમારકામ કરવામાં આવવાના છે.
સમારકામ દરમિયાન જે વિસ્તારમાં નાળાઓમાં જુદા જુદા ઠેકાણે ચેંબર અને ચેંબર કવર તૂટવાની અણીએ છે, તેમ જ અમુક નાળામાં કચરો ફેંકવામાં આવે નહીં તે માટે સુરક્ષા જાળી પણ બેસાડવામાં આવવાની છે. તેમ જ રસ્તાને લાગીને આવેલી વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનના મિસીંગ લિંક નિર્માણ કરવાનું કામ પણ કરવામાં આવવાનું છે.
ગોરેગાંવ, મલાડ, અંધેરી (પશ્ર્ચિમ) પરિસરમાં આવેલા નાળાઓને લાગીને આવેલી સુરક્ષા ભીંત માટે ૧૦.૭૧ કરોડ રૂપિયા, તો કાંદીવલી, બોરીવલી અને દહીસર માટે ૧૧.૩૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.