જાણીતા ચિત્રકાર સૈયદ હૈદર રઝાનું કરોડોની કિંમતનું પેઇન્ટિંગ ચોરાયું…
મુંબઈઃ પ્રખ્યાત ચિત્રકાર સૈયદ હૈદર રઝાનું 2.5 કરોડ રૂપિયાની કિંમતનું પેઈન્ટિંગ ચોરાઈ ગયું છે, જેને કારણે કલા જગતમાં ખળભળાટ મચી ગયો છે. એમઆરએ માર્ગ પોલીસના જણાવ્યા અનુસાર, રઝાએ 1992માં ‘નેચર’ નામનું પેઈન્ટિંગ બનાવ્યું હતું. આ પેઇન્ટિંગ મુંબઈના બેલાર્ડ પિયર સ્થિત ગુરુ ઓક્શન હાઉસના વેરહાઉસમાં વેચાણ માટે રાખવામાં આવ્યું હતું.
લગભગ બે વર્ષ બાદ જ્યારે વેરહાઉસ ખોલવામાં આવ્યું ત્યારે ચોરીની જાણ થઈ હતી. હાલમાં તો પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પેઇન્ટિંગ કોરોના રોગચાળા દરમિયાન ગુરુ ઑક્શન હાઉસ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં વેચાણ માટે રાખવામાં આવ્યું હતું. હાલમાં જ્યારે લગભગ બે વર્ષ બાદ વેરહાઉસ ખોલવામાં આવ્યું ત્યારે આ પેઇન્ટિંગ ચોરાયું હોવાની જાણ થઇ હતી.
રઝાની નજીકના સંબંધીઓએ નોંધાવેલી ફરિયાદના પગલે પોલીસને ચોરીની જાણ થઇ હતી અને પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. જોકે, ચોરીના સમયના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ ના હોવાથી ચોરાયેલી પેઇન્ટિંગ શોધવાના માર્ગમા અવરોધ ઊભો કયો છે. પોલીસે આપેલી માહિતી મુજબ વેરહાઉસ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં માત્ર છેલ્લા બે મહિનાના જ ફૂટેજ છે, જે ચોરી ક્યારે થઇ તે જાણવા માટે અપૂરતા છે.
જોકે, આ મામલે પોલીસે એવી આશા વ્યક્ત કરી છે કે ચોર ટૂંક સમયમાં પકડાઇ જશે અને ચોરાયેલી પેઇન્ટિંગ પણ પરત મળી જશે. જોકે, આ પેઇનટિંગ ઘણું મૂલ્યવાન હતું અને તેનું સાસ્કૃતિક મહત્વ પણ ઘણું હતું, તેથી કલા જગતના મહાનુભાવોમાં આ ચોરીને કારણે ચિંતાનો માહોલ છે.