વર્લ્ડ ચૅમ્પિયન બનેલા બે દેશની ટીમ વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગમાં હારી ગઈ!
Keywords: Paraguay, Colombia, Football, Diago Gomez, James Rodriguez
ઍસન્સિયન: 2026ના ફિફા વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચમાં મંગળવારે ભૂતપૂર્વ વિશ્ર્વવિજેતા બ્રાઝિલનો પારાગ્વે સામે અને બીજી મૅચમાં 2022ના વિજેતા આર્જેન્ટિનાનો કોલમ્બિયા સામે પરાજય થયો હતો. વધુ બે નવાઈની વાત એ છે કે બ્રાઝિલની પાંચ ક્વૉલિફાઇંગ મૅચમાં આ ચોથી હાર હતી અને પારાગ્વેની ટીમ બ્રાઝિલને હરાવવામાં સફળ થયું હોય એવી આ 16 વર્ષ પછીની પહેલી ઘટના હતી.
વર્લ્ડ નંબર-ફાઇવ બ્રાઝિલને 62મા નંબરના પારાગ્વેએ 1-0થી હરાવ્યું હતું. પારાગ્વેએ છેલ્લે બ્રાઝિલને જૂન, 2008માં હરાવ્યું હતું. પારાગ્વેની મજબૂત ડિફેન્સને કારણે પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર બ્રાઝિલ વતી એકેય ગોલ નહોતો થઈ શક્યો, જ્યારે પારાગ્વેના ડિયેગો ગૉમેઝે 20મી મિનિટમાં જે ગોલ કર્યો એની મદદથી જ પારાગ્વેએ બ્રાઝિલને 1-0થી હરાવ્યું હતું. બ્રાઝિલ પૉઇન્ટ્સ-ટેબલમાં હવે છેક પાંચમા સ્થાને છે.
વર્લ્ડ નંબર-વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો નવમી રૅન્કના કોલમ્બિયા સામે 1-2થી પરાજય થયો હતો.
લિયોનેલ મેસી આ મૅચમાં નહોતો અને તેની ગેરહાજરીમાં કોલમ્બિયાએ 33 વર્ષની ઉંમરના જેમ્સ રૉડ્રિગેઝના 60મી મિનિટના ગોલ સાથે વિજય મેળવ્યો હતો. એ પહેલાં કોલમ્બિયા વતી યેર્સન મૉસ્કેરાએ પચીસમી મિનિટમાં અને આર્જેન્ટિના વતી નિકોલસ ગૉન્ઝાલેઝે 28મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1થી લેવલ કર્યો હતો. જોકે કૅપ્ટન રૉડ્રિગેઝનો ગોલ નિર્ણાયક બન્યો હતો. ઑસ્ટ્રેલિયા પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે છે અને કોલમ્બિયા બીજા નંબરે છે.
અન્ય એક મૅચમાં બોલિવિયાએ 31 વર્ષમાં પહેલી વાર વિદેશી ધરતી પર વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ મૅચ જીત્યું હતું. એણે સૅન્ટિયેગોમાં ચિલીને 2-1થી હરાવ્યું હતું. એશિયાની વર્લ્ડ કપ ક્વૉલિફાયર્સમાં ઑસ્ટ્રેલિયાએ ઇન્ડોનેશિયા સામેની મૅચ 0-0થી ડ્રૉમાં લઈ જવી પડી હતી.