મલાઈકાના પિતાએ આત્મહત્યા નથી કરી, જાણો પોલીસ સૂત્રોએ શું કહ્યું…
અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી હોવાની ખબરે બી-ટાઉન સહિત દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. 80 વર્ષીય અનિલ અરોરાએ પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવી દીધાની ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી. જોકે આત્મહત્યા શા માટે કરી તે અંગે કોઈ સ્પષ્ટતા ન હતી ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અનિલ અરોરાનું મોત આત્મહત્યા નહીં, પરંતુ અકસ્માત છે.
એક મીડિયા અહેવાલ અનુસાર મુંબઈ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ પોતાના છઠ્ઠા માળની બાલ્કનીમાં ઊભા હતા. અહીં પેરાપીટ ( પાળી) થોડી નીચી હોવાથી તેમનું બેલેન્સ ન રહ્યું ને તેઓ નીચે પટકાયા હતા. તેમના પડતા જ આસપડોશના લોકો એકઠા થઈ ગયા હતા ને તેમને તાબડતોબ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ સમાચાર આવ્યા બાદ તેમના નિવાસસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને સંબંધીઓ એક પછી એક તેમના ઘરે આવી રહ્યા છે. દીકરી મલાઈકા પણ પુણેથી નીકળી મુંબઈ આવી ગઈ છે.
હજુ આ મામલે સત્તાવાર નિવેદન મળ્યું નથી.