ડીઆરઆઈએ ૯૫૫ કાચબા સાથે છ જણની ધરપકડ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) નાગપુર, ભોપાલ અને ચેન્નઈથી છ જણની ધરપકડ કરી વિવિધ પ્રકારના ૯૫૫ જીવંત કારચા જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કાચબાની કથિત તસ્કરી અને ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલી સિન્ડિકેટની માહિતી ડીઆરઆઈની ટીમને મળી હતી. માહિતીને આધારે વધુ વિગતો મેળવી અધિકારીઓએ અલગ અલગ સ્થળે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં કાચબાઓને ઉગારી લેવાયા હતા અને તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ૯૫૫ જીવંત કાચબા હસ્તગત કરાયા હતા, જેમાં ઈન્ડિયન ટેન્ટ ટર્ટલ, ઈન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ, ક્રાઉન રિવર ટર્ટલ, બ્લૅક સ્પોટેડ પોન્ડ ટર્ટલ અને બ્રાઉન રૂફ્ડ ટર્ટલનો સમાવેશ થાય છે.
હસ્તગત કરાયેલામાંથી અમુક પ્રકારના કાચબાની પ્રજાતિ નામશેષ થઈ રહી છે. જપ્ત કરાયેલા કાચબા વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં કોને કાચબા વેચ્યા છે તેની વિગતો અધિકારીઓ મેળવી રહ્યા છે.