સ્પેશિયલ ફિચર્સ

અજબ ગજબની દુનિયા: ભૂત શોધવાનું ભૂત

હેન્રી શાસ્ત્રી

‘ભૂત’ શબ્દને માત્ર કપોળ કલ્પિત ભય સાથે જ નિસ્બત નથી, ભૂત ભરાવું એટલે ધૂન ચડવી એવો પણ અર્થ છે. યુકેના બસ ડ્રાઈવર કેન ઓલિવરની રઝળપાટ આ અર્થને ખરા અર્થમાં સાર્થક કરે છે.

વિજ્ઞાન ભૂતને નથી સ્વીકારતું અને એને કારણે ફેલાતી અંધશ્રદ્ધાના ચહેરાની ચીરફાડ કરી સત્ય રજૂ કરતા લોકો ‘ઘોસ્ટ બસ્ટર’ તરીકે ઓળખાય છે. કેન ઓલિવરને બસ નોકરીમાંથી આરામ મળે છે એનો ઘણો ઉપયોગ ‘ભૂત શોધવા’ માટે વ્યતીત કરી ‘ઘોસ્ટ બસ્ટર’ની જવાબદારી નિભાવે છે. ૪૦ વર્ષનો કેન અત્યાર સુધીમાં એવા ૫૦ ‘ભૂતિયા’ અને ત્યજી દેવાયેલાં સ્થળે ફરી વળ્યો , જ્યાંફરકતા માણસના પડછાયાને પણ પરસેવો વળી જાય. ઘર હોય કે ગુફા, ખાણ હોય કે કબ્રસ્તાન, કેન ઓલિવર ત્યાં પહોંચી જાય છે અને એની આસપાસ વીંટળાયેલી કપોળકલ્પિત માન્યતા તોડી ફોડી સત્ય રજૂ કરે છે. વાત સારી છે અને આવું ભૂત અનેક લોકોને ભરાય તો ભૂતનો કલ્પિત ભય ભાગી જાય એ બહુ ઊંચી સમાજસેવા જ ગણાય.

ફરતા ફરતા ક્યારેક ફેર ચડી જાય
ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો દ ગામા કે ઈબ્ન બતૂતા પ્રવાસ જગતના ધૂરંધર ગણાય છે. પ્રવાસ દરમિયાન અનેક પ્રકારની મુશ્કેલી – વિટંબણાનો સામનો કરવો પડે છે. ઉમાશંકર જોશીની ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ના રટણ સાથે ફરવા નીકળતા સફર ખેડૂઓનો મિજાજ અલગ જ હોય છે. આવા મિજાજના અમેરિકન ટ્રાવેલર ઈન્ડી નેલસન આ પારથી પેલે પાર ને પેલે પારથી આગળ ને આગળ ઘૂમવામાં પાસપોર્ટ રિન્યુઅલ, આઈડી વેરિફિકેશન, ભાષા નઆવડે જેવી વિવિધ અડચણોનોસામનો કરવો પડ્યો હોય એ સ્વાભાવિક છે.
જોકે, ઉત્તર કોરિયા સુધી જઈ આવેલા નેલસનને કેટલાક દેશમાં તો જાસૂસીના આરોપસર ચાર વખત અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. આ બધો ત્રાસ હસતા મોઢે એણે સહન કરી લીધો છે અને આજની તારીખમાં સૌથી વધુ (૧૭૦) એરલાઇન્સમાં મુસાફરી કરવાનો: ‘ગિનેસ વર્લ્ડ રેકોર્ડસ’ એના નામ સાથે નોંધાય ગયો છે. અગાઉનો વિશ્ર્વ વિક્રમ જાપાનના રુજી ફુરુષો (૧૫૬ એરલાઇન્સ)ના નામે હતો. પહેલી વાર શંકાને આધારે અટકમાં લેવામાં આવ્યો ત્યારે નેલસન ‘હવે આમાંથી બચવું મુશ્કેલ’ માની બેઠો હતો. જોકે, ચોથી વાર એવું થયા પછી ‘ઇટ્સ ઓકે’ જેવી લાગણી થાય છે.

સાહેબ, ખાડાઓ વચ્ચે આવતી સડક હટાવી લ્યો ને!
મુંબઈ જ નહીં, દેશના અનેક નાનાં – મોટાં શહેરમાં વરસાદ પછી સડક પર નાનકડા ટાપુ રચી દેતા ખાડાની જાણકારી હવે આંચકો નથી આપતી. વાત ક્યારેક એ હદે વણસી જાય છે કે ‘શહેરમાં ખાડા છે કે ખાડાઓ વચ્ચે શહેર વસે છે’ એની મૂંઝવણ થાય છે. માર્ગ મુસાફરીમાં પડતી મુસીબતો અંગે કરવામાં આવતી ફરિયાદ ક્યારેક બહેરા કાને અથડાય છે તો એક્શન લઈ એનું સમારકામ થવાના પણ દાખલા છે.

રાજસ્થાનના પાલી જિલ્લામાં સડકની દુર્દશાની વારંવાર કરવામાં આવેલી લેખિત ફરિયાદોનો કોઈ ફાયદો ન થયો ત્યારે એક ફળદ્રુપ દિમાગે એવા અંદાજમાં ફરિયાદ કરી કે વાંચીને પહેલા તો હસવું આવે, પણ એની ગંભીરતાનો ખ્યાલ આવતા ‘યે ક્યા હો રહા હૈ’ જેવા વિચાર જરૂર આવી જાય. જિલ્લા પ્રશાસનને લખવામાં આવેલા પત્રમાં વ્યથા ઠાલવવામાં આવી છે કે ‘ખાબડ ખૂબડ રસ્તા પર ચાલવાથી હિમાલય ચડવા જેવું મુશ્કેલ સાહસ કરતા હોવાની લાગણી થઈ રહી છે. તકલીફ એક જ છે કે ખાડાથી બચતા – કૂદતાં આગળ વધતા વચ્ચે થોડા સપાટ રસ્તા આવી જાય છે. પરિણામે ઉપર- નીચે થવાની રોલર કોસ્ટર રાઈડની મજા બગડી જાય છે. નમ્ર નિવેદન છે કે ખાડાઓ વચ્ચે આવતી આ સપાટ સડક હટાવી લેશો તો અમારા આનંદમાં કોઈ વિક્ષેપ નહીં પડે. અમે ભરપૂર મજા માણી શકીશું.’

અક્ષરે અક્ષરે કટાક્ષ ટપકે છે એવી આ ચિઠ્ઠી વાઈરલ થઈ છે અને પ્રશાસનને પીગળાવી નાગરિક જીવન સરળ બનાવશે એવી આશા રાખવામાં આવી રહી છે.

કાકડીના કમઠાણ તમે શું જાણો, ગાજર બાબુ!
લોકસાહિત્યમાં આરોગ્યની જાણકારી આપતી કહેવત છે કે ‘કુણી કુણી કાકડી ને ભાદરવાની છાશ, તાવ સંદેશો મોકલે કે આજ આવું કે કાલ?’
અલબત્ત, કાકડી આરોગવાના અનેક ફાયદા પણ છે. જોકે, કેનેડાના વિડિયો ક્રિયેટરની કાકડીનું સેલડ બનાવવાની રેસિપીએ સોશિયલ મીડિયામાં એવી ધૂમ મચાવી છે કે યુરોપના આઇસલેન્ડ નામના દેશમાં કાકડીની ઊભી થયેલી અછત માટે કાકડી કુમાર લોગન મોફિટને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે.
૬૦ લાખ ફોલોઅર્સ ધરાવતા મિસ્ટર મોફિટે જુલાઈ મહિનામાં ક્યૂક્યુમ્બર (કાકડીનું અંગ્રેજી નામ) સેલડ બનાવવાના વિડિયો અપલોડ કરવાના શરૂ કર્યા. એમાં ભાઈસાહેબ કાકડીની સ્લાઈસ કેવી રીતે કરવી, એમાં શું શું કેટલી માત્રામાં ઉમેરવું એ દેખાડે છે અને પછી ક્ધટેનર બંધ કરી જોરથી સરસ રીતે શેક કરી સેલડનો પહેલો પીસ પોતે ખાઈ પછી એવી રીતે બાય બાય કરે છે કે અનેક લોકોને ‘કાકડીના કાવાદાવા’ કરવાનું મન થાય છે. વળી, સેલડની વરાયટી પણ આપે છે. જનતાને એવું ઘેલું લાગ્યું છે કે આઈસલેન્ડના ખેડૂતોના એસોસિયેશને કાકડીની અછત ઊભી થઈ હોવાની અને ખેડૂતો સટાસટ વધુ રહેલી માંગણીને પહોંચી વળવા અસમર્થ હોવાની કબૂલાત કરે છે.
એક કાકડીના કમઠાણ તમે શું જાણો, ગાજર બાબુ!

દેખાવમાં પાણો, તોળવામાં સોનું
‘સૌરાષ્ટ્રનું માણહ પથ્થરમાંથી પાણી કાઢે એવી એ ધરતીની તાકાત’ એવી ઉક્તિ એક સમયે અત્યંત લોકપ્રિય હતી. અલબત્ત , હવે નથી રહ્યું એ સૌરાષ્ટ્ર કે નથી રહ્યું એવું માણહ. જોકે, જેને પાણા જેવો તુચ્છ સમજ્યો હતો એ હકીકતમાં પારસ જેવો અતિ મૂલ્યવાન નીકળ્યો હોવાનો પ્રસંગ યુરોપમાં બન્યો છે.
વાત એમ છે કે રોમાનિયામાં રહેતી એક મહિલાએ બારણું અટકાવી રાખવા સાત પાઉન્ડ (આશરે ૭૨૫ રૂપિયા) ખર્ચી પાણા જેવો એક નાનકડો રોક ડોરસ્ટોપ તરીકે વાપરવા માટે ખરીદ્યો હતો. મહિલાના અવસાન પછી એ ઘર સંબંધીના ભાગે આવ્યું અને ઘરની ચકાસણી કરતી વખતે સંબંધીને એ ડોરસ્ટોપ મૂલ્ય ધરાવતું હોય એવું લાગ્યું અને તેણે એ વેચી પૈસા ઉપજાવ્યા. ફરતો ફરતો એ પાણો (ડોરસ્ટોપ) પોલેન્ડના મ્યુઝિયમમાં પહોંચ્યો. અભ્યાસુ લોકોના પરીક્ષણમાં ખબર પડી કે દેખાવમાં પાણો લાગતો ડોરસ્ટોપ તો મૂલ્યવાન એમ્બર સ્ટોન છે. પાંચ કરોડ વર્ષ જૂનો માનવામાં આવતા આ ’પાણા’ની કિંમત ૧૧ લાખ ડોલર (આશરે ૯ કરોડ રૂપિયા) અંદાજવામાં આવી છે.
કરોડો વર્ષો પહેલાં નાનકડા જીવજંતુ આ પાણામાં ફસાઈ જતા અને પરિણામે એનું અશ્મિ સ્વરૂપમાં મૂલ્ય અનેકગણું વધી ગયું. વૈજ્ઞાનિક સંશોધનમાં એ ખૂબ મદદરૂપ થવાનો છે. મજાની વાત તો એ છે કે ચોરલોકો વાર તહેવારે આ ઘરમાં ખાતર પાડી સોનાના આભૂષણો ચોરી ગયા , પણ નજર સામેના કુબેરનો ખજાનો ન ઓળખી શક્યા. જેવા જેના નસીબ.

લ્યો કરો વાત!
માનવ શરીરના પ્રત્યેક અંગની પોતપોતાની ખાસિયત છે. દરેક વ્યક્તિ પોતાની આવડત અનુસાર એની પાસે કામ લેતી હોય છે. બે હાથનો ઉદ્યમ સ્વાશ્રયી બનાવી શકે છે તો આ જ બે હાથ યાચક બનાવી ભિક્ષા પણ મંગાવી શકે છે. સવાલ દાનતનો છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વિડિયોમાં ૫૫ વર્ષની એક મહિલા દિવસ દરમિયાન બે હાથથી ઘરનું બધું કામ આટોપી સંધ્યા ટાણે રિક્ષા ચલાવી અર્થ ઉપાર્જન કરે છે. બે હાથ પ્રભુ ભક્તિમાં જોડવાને બદલે રિક્ષા ચલાવે છે. એ કહે છે : ‘કારણ કે પુત્ર નથી મદદ કરતો કે નથી કોઈ કામધંધો કરતો. બે ટંક ભોજન માટે બે હાથ ફેલાવી ભીખ માંગવા કરતાં બહેતર છે કે કશુંક કામ કરું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button