આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

પોતીકા ઘરનાં સપનાને પણ ઠગારાની લાલચનો લૂણો લાગ્યો

સાયબર સાવધાની – પ્રફુલ શાહ

સાયબર ઠગોની ક્રૂરતા પાસે પિશાચ, રાક્ષસ, અસુર અને યમરાજ પણ પાછા પડી જાય. આ ચહેરા વગરના ધુતારા કોઇ કરતા કોઇને છોડતા નથી. પછી એ વૃદ્ધજન હોય કે મધ્યમ વર્ગનો મહેનતકશ માનવી હોય.

કહેવાય છે કે મુંબઇમાં રોટલો અને ચોટલો એટલે કે ખાવાનું અને પત્ની મળી જાય પણ ઓટલો, એટલે ઘર મળવું મુશ્કેલ જ નહીં, અસંભવ છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગને ઘર મળી રહે અને એ પણ માર્કેટ ભાવથી ઓછા દરે એટલે રાજય સરકારે ‘મ્હાડા’ એટલે કે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી છે. ૧૯૪૮માં મહારાષ્ટ્ર હાઉસિંગ બોર્ડ (એમ.એચ.બી.)ની સ્થાપના થઇ હતી. અને ૧૯૭૬માં ‘મ્હાડા’ અસ્તિત્વમાં આવી.

૨૦૨૪માં મ્હાડાએ વિવિધ શ્રેણીઓ અંતર્ગત ઘરોની લોટરી માટે ઓનલાઇન અરજી મગાવી હતી. આની અરજી કરવામાં ઘણાં નિયમોનું પાલન કરવું પડતું હોય છે અને અનેક દસ્તાવેજ પૂરાં પાડવા પડે છે. આની પાછળનો મૂળ અને આવકાર્ય ઉદ્દેશ્ય એટલો કે ઘર યોગ્ય અને જરૂરતમંદને જ મળે. અલબત્ત, ભૂતકાળમાં આમાંય ઘણાં વચેટિયા કળા કરી જતા હતાં.

ગોબાચારી ઓછી થાય એટલે ઓનલાઇન અરજી શરૂ કરાઇ. આથી સાયબર ફ્રોડસ્ટર્સની દાઢ ‘સળકી’ અગાઉ ઘણાં નિશ્ર્ચિતપણે ઘર ફાળવી આપવાની લાલચ દેખાડીને ઘર ઇચ્છુકો પાસેથી રકમ પડાવતા રહેતા હતા. આ વખતેય ઘણાં ઓનલાઇન અરજદારોને ફોન કરતા હતા કે આપને લોટરીમાં ઘર ચોક્કસ મળી જશે. આ માટે કયારેક બૅન્ક અકાઉન્ટની વિગતો મંગાય, પાસવર્ડ પૂછાય કે પછી કે.વાય.સી., ઓટીપી, ડેબિટ કાર્ડ, આધાર નંબર કે પેન કાર્ડ જેવી અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવાતી હતી. આવી કોઇ માહિતી અજ્ઞાત માણસોને ન આપવા માટે પોલીસે જાહેર અપીલ સુદ્ધાં કરવી પડી હતી.

વાત આટલેથી જ ન અટકી. સાયબર ઠગોએ મ્હાડાનું બનાવટી પોર્ટલ બનાવ્યું. સત્તાવાર વેબસાઇટના નામમાં નજીવો ફરક કર્યો. આ વેબસાઇટનું પેજ દેખાવમાં મ્હાડાની સાચુકલી સાઇટ જેવું જ બનાવાયું હતું. આ બનાવટી વેબસાઇટ અરજી ફોર્મ સ્વીકારવા સાથે રકમ પણ પડાવતી હતી. સત્તાવાર સાઇટમાં ‘મ્હાડા’ના બૅન્ક ખાતામાં ડિપોઝિટની રકમ જમા કરાવવા કહેવાય છે, જયારે આ બનાવટી વેબસાઇટ પર કયુઆર કોડ સ્કેન કરીને રકમ જમા કરાવવા કહેવાતું હતું. જે માણસ બનાવટી સાઇટને અસલી સમજીને એક પછી એક વિગત આપતો હોય અને કયુઆર કોડ પણ સ્કેન કરવાનો જ.

પોતીકા ઘરનું સપનું જોનારા એને સાકાર કરવા માટે કાળી મજૂરીના એક-એક રૂપિયાની બચત કરનારા અને બાળકોને નાના-નાના આનંદથી વંચિત રાખનારાઓની રકમ પડાવી લેવાનું પાપ કરનારા કયારેય સુખી ન જ થાય.
પણ આટલી સંવેદનશીલતા કે સમજ હોય એ સાયબર ઠગ બને ખરો?

ATP (ઑલ ટાઇમ પાસવર્ડ)
કોઇ પણ સંસ્થાની એકથી વધુ વેબસાઇટ દેખાય તો ચાર નહીં, બાર-ચૌદ ગળણે હકીકત ગાળ્યા બાદ જ આગળ વધવું.

Also Read –

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે