લગ્ન જીવન ટકાવવા સ્લીપ ડિવોર્સ કેટલું જરૂરી?
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી
આધુનિક સમયમાં પતિ-પત્ની બંને પોતપોતાની કારકિર્દી ઘડવા માટે સખત મહેનત કરતા હોય છે. બંનેમાંથી કોઈ એક વિદેશી કંપનીમાં કામ કરતા હોય તો ત્યાંના સમય મુજબ કામ કરવું પડે..
આ પરિસ્થિતિમાં એક જ રૂમમાં રહેવાથી બંનેના જોબ પર્ફોર્મન્સ પર અસર થવાની શક્યતા રહે છે. આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જેમાં પ્રેમનો સમયને છોડતા નોકરી-ધંધાના સમય મુજબ અલગ રહેવાનો છે. જો જોબનો સમય રાત્રિનો હોય તો અલગ રૂમમાં રહેવું પડે, જે આજે: ‘સ્લીપ ડિવોર્સ’ તરીકે ઓળખાય છે.
સ્લીપ ડિવોર્સ એ ફક્ત કામ કરતા દંપતીને લાગુ પડે એ જરૂરી નથી. આપણે ઘણાં દંપતી એવાં જોઈએ છીએ, જેમાં પતિ આખી રાત્રી દરમિયાન જોર જોરથી નસકોરાં બોલાવતો હોય. પુરુષને ઘસઘસાટ ઊંઘ આવે ત્યારે નસકોરાં બોલે તો જ એને સંતોષ થતો હોય છે. જાતજાતના અવાજ સાથે નસકોરાં બોલતા હોય અને એ માટે ટ્રિટમેન્ટ કરાવવા છતાં કોઈ ફેર પડે નહિ એ સંજોગોમાં દિવસ દરમિયાન કામકાજથી થાકેલી સ્ત્રીએ શું કરવું જોઈએ? અલગ રૂમમાં સૂવા જવું જોઈએ. આ સૌથી સહેલું અને વ્યવહારુ સજેશન છે, આ પણ સ્લીપ ડિવોર્સ છે. આધુનિક સમયમાં દંપતીની વ્યસ્તતાઓ તથા અકલ્પનિય સમસ્યાઓમાં અમેરિકા જેવા દેશોમાં બંને માટે સ્વતંત્ર બેડરૂમની ડિમાન્ડ કોમન છે.
અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ અંદાજે પાંત્રીસ ટકા દંપતીઓ કાયમી અથવા જરૂર પડે ત્યારે અલગ રૂમમાં સૂવા માટે જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો દર ત્રીજું દંપતી ત્યાં સ્લીપ ડિવોર્સી છે.
અમેરિકામાં કેટલાંક દંપતીની સમસ્યા કદાચ ભારતીય દંપતીઓને પણ લાગુ પડતી હશે, પતિ નોકરી ધંધા માટે મુસાફરી કરતા રહે છે એ દરમિયાન હોટલની રૂમ તથા મુસાફરી વખતે પૂરતો આરામ મળે છે. સુખ સગવડ સાથે મુસાફરી કરતો પતિ ઘરે આવે છે ત્યારે એકદમ ફ્રેશ હોય છે, આ પતિ ઘરે આવીને સૂતો નથી અને અને થાકેલી પત્નીને સૂવા દેતો નથી. કુછ સમજે?
આપણી પરંપરામાં માનવામાં આવે છે કે પતિ-પત્ની દિવસ દરમિયાન મહેનત કરે, પરિશ્રમ કરે પણ બેડરૂમ તો એક જ હોવો જોઈએ.
ચાલીસ વર્ષના લગ્નજીવનને અંતે બંને ક્યારેય અલગ સૂવાનું પસંદ કરી શકતાં નથી. મોટાભાગના દંપતીમાં પંખાની સ્પીડથી સમસ્યાઓનો પ્રારંભ થતો હોય છે. એકને પાંખો ફુલ સ્પીડમાં જોઈએ અને બીજાને સ્લોની આદત હોય છે. એડજસ્ટ કરતાં રહેવું-એકમેકને અનુકૂળ થતા રહેવું એ સફળ લગ્નજીવનની નિશાની છે એવા ભાર નીચે આપણે ત્યાં દંપતી વ્યક્તિગત સ્વતંત્રતા ભોગવી શકતાં નથી.
બીજી તરફ, સ્લીપ ડિવોર્સનો હેતુ દંપતી વચ્ચે સ્પષ્ટ હોય તો ક્યારેય વિવાદ થતો નથી. આમ છતાં, ઝગડો કરીને અલગ રૂમમાં રહે તો ભવિષ્યમાં ગંભીર સમસ્યા થઇ શકે છે. બંને સમજદાર હોય તો પ્રેમ કરવા અને સમસ્યા નિવારવા માટે સ્લીપ ડિવોર્સ સુખનો માર્ગ બની શકે.
આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં પત્ની મોડે સુધી રીલ્સ જોતી રહે અને તેનો અવાજ પતિની ઊંઘમાં ડિસ્ટર્બ કરે છે. પતિને નોકરી-ધંધાનું કામ હોય અને રાત્રે લાઈટ ચાલુ રાખવી પડતી હોય તો પત્ની સૂઈ શકતી નથી. ક્યારેક બેમાંથી કોઈ એક પાત્રને મોડે સુધી વાંચવાની ટેવ હોય એ સંજોગોમાં ઘર્ષણ સિવાય કશું બચતું નથી. વાત ફક્ત શાંતિપૂર્વક સૂવાની હોય છે પણ વિવાદ થાય ત્યારે કહાં કી બાત કહાં તક પહુંચ જાતી હે, આ અનુભવ બધાને થયેલો હોય છે.
વિશ્ર્વભરમાં થયેલા સંશોધન મુજબ પુરુષ આસાનીથી એકલા રહી શક્તો હોય છે, જયારે સ્ત્રીને એ જ ઘરમાં અલગ બેડરૂમમાં રહેવું પડે એ કષ્ટદાયક ગણીને બહુ પસંદ કરતી નથી. એક અભ્યાસ મુજબ એવું માનવામાં આવે છે કે જો બે રાત્રી સુધી સરખો આરામ ના મળે તો ત્રીજા દિવસે સ્વભાવ પર અસર થતી હોય છે પછી મનદુ:ખ વધી જવાની સંભાવના રહે છે. આ સ્થિતિમાં દંપતીએ સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ કે સ્લીપ ડિવોર્સ એ છૂટાછેડા નથી, પણ એને થતાં રોકવાનો માર્ગ બની શકે.
સ્લીપ ડિવોર્સ શબ્દ ભલે ભારેખમ લાગે પણ આપણી ફિલ્મોમાં વર્ષોથી દર્શાવવામાં આવતું હોય છે કે પતિ-પત્ની વચ્ચે અબોલા હોય અથવા નાછૂટકે સંબંધ બાંધવામાં આવ્યો હોય ત્યારે એક પાત્ર પથારીમાં સૂતું હોય છે અને બીજું પાત્ર ગાદલા નાખીને નીચે સૂતું હોય છે. ફિલ્મોમાં એક પાત્ર બાલ્કનીમાં સૂઈ જતું એ દ્રશ્ય આપણને સહજ લાગતું હતું. કદાચ એ વાત કલ્પના બહારની છે કે એક પથારીમાં સૂતાં દંપતી વચ્ચે વર્ષો પછી ચાદરથી શરૂ થઈને ઓશીકાથી માંડીને ઓઢવા સુધી ઝગડા થતાં હોય છે.
ઘસઘસાટ ઊંઘમાં પત્નીના વાળ પરેશાન કરે છે એવી ફરિયાદ મનોચિકિત્સક પાસે થાય છે. યુવાનીમાં પૂરતી ઊંઘ વગર વાંધો આવતો નથી, પણ કામધંધા વધતાં ચાલીસી પછી શરીરને આરામ જોઈતો હોય છે. જીવનના એ તબક્કામાં પૂરતો આરામ મળે નહિ ત્યારે એની અસર સ્વભાવ પર પડે છે અને મનદુ:ખનો પ્રારંભ થાય છે.
જો દંપતી સમજદાર હોય તો સ્લીપ ડિવોર્સનો ફાયદો લઈને વ્યક્તિગત સ્વતંત્રતા ભોગવી શકે છે અને સર્જનાત્મક કાર્ય કરી શકે છે. દંપતી સારી રીતે આરામ કરી શકે તો દિવસ દરમિયાન વિવાદ થવાની સંભાવના ઘટે છે, લગ્નજીવન તંદુરસ્ત બને છે.
હા, એ અલગ વાત છે કે અલગ સૂવાથી બંને વચ્ચે આત્મીયતા ઘટવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ઘણા ચિકિત્સકો સલાહ આપે છે કે શારીરિક આરામ જેટલો સમય અલગથી સૂઈ જાવ, પણ બેડરૂમથી જુદા કરશો નહિ. જો ચાર કલાક પૂરતી ઊંઘ જોઈએ તો એ સમય કાઢી લો પણ અલગ સૂવું એ સમસ્યાનું નિરાકરણ નથી. બાકી, ચોઈસ ઇઝ યોર્સ.
ધ એન્ડ :
સફળ લગ્નજીવન માટે અસંખ્ય વાર પ્રેમમાં પડવું પડે છે અને એ પણ એક જ વ્યક્તિના (અજ્ઞાત)
Also Read –